સૌથી વધુ ઉપયોગી વનસ્પતિ : વાંસ
વનસ્પતિ માણસના રોજીંદા જીવનમાં ઘણી રીતે ઉપયોગી થાય છે તે ઉપરાંત તે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી વાતાવરણમાં ઓક્સિજન ભેળવે છે આમ પર્યાવરણને પણ શુદ્ધ કરે છે. બધી વનસ્પતિઓ પૈકી વાંસ દરેક રીતે સૌથી વધુ ઉપયોગી છે. તે અન્ય વનસ્પતિ કરતા ૩૦ ટકા વધુ ઑક્સિજન પેદા કરે છે.
વાંસ સૌથી વધુ ઝડપે વિકાસ પામે છે તેની ઉપજ માટે વધુ મહેનત કે ખાતરની જરૂર નથી. વાંસ અન્ય વનસ્પતિ કરતા ઓછા સમયમાં પુખ્ત બનીને ઉપયોગી થવા માંડે છે.
વાંસનું મૂળ તંત્ર અજાયબ છે. વાંસ કાપી લીધા પછી તેના ઠૂંઠામાંથી ફરી ઊગે છે. વાંસનું જંગલ જમીનનું ધોવાણ અટકાવે છે. વાંસ બધી જ ઋતુ અને હવામાનમાં ઉગે છે.
વાંસ વચ્ચેથી પોલા હોય છે તે સ્ટીલ કરતા ય વધુ મજબૂત હોય છે. ઘર-ઝૂંપડા બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. વાંસને ઉધઈ લાગતી નથી કે અન્ય જીવાત તેને નુકસાન કરતી નથી વાંસના કોલસા વાતાવરણની દુર્ગંધ દૂર કરે છે વાંસ ભેજ શોષક છે વાંસની દીવાલ ઘરને ઠંડુ રાખે છે. ઘણા દેશોમાં કૂમળા વાંસ ખોરાક તરીકે પણ વપરાય છે.