Get The App

વાંદરાઓ સમજી ગયા! .

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
વાંદરાઓ સમજી ગયા!                                            . 1 - image

- ચિમ્પુએ કહ્યું, 'કેરીમાં શું ખાવા જેવું છે? તું પિત્ઝા ખા પિત્ઝા...'  તેણે  ચિમ્પીને પણ કહ્યું, 'આ લે, તું પણ બર્ગર ખા બર્ગર.' ચિમ્પી અને રિમ્પુને તો શહેરનો સ્વાદ એવો ભાવ્યો કે જંગલનાં ફળો તો ફિક્કા લાગવા માંડયાં.

- 'આવી સુવિધા શું કામની જે આપણી કુદરતી કલા અને સાચા આનંદને મારી નાખે? વળી, આપણાં માટે તો ફળો જ ઉત્તમ આહાર છે.'

- વૃદ્ધ વાંદરાએ કહ્યું, 'અરે, તમે બધા કેમ સમજતા નથી? પ્રેક્ટિસ કર્યા વગરનું બધું જ્ઞાન નકામું છે.'  પણ કોઈએ વૃદ્ધ વાંદરાની વાત માની નહીં.

કંટારીયા મિતલબેન બી.

એ ક સુંદર મજાનું જંગલ હતું. તે જંગલમાં ચિમ્પુ નામનો એક વાંદરો રહેતો હતો. તેની સાથે તેની પત્ની ચિમ્પી અને તેમનું નાનકડું બચ્ચું રિમ્પુ પણ રહેતું હતું. આમ તો રિમ્પુ કૂદાકૂદ કરવામાં ખૂબ જ હોશિયાર હતું, છતાં પણ તેનાં માતાપિતા એને રોજ જંગલમાં અલગ અલગ ઊંચા ઝાડ પર કૂદવાની પ્રેક્ટિસ કરવા લઈ જતાં.

આમ ચિમ્પુ, ચિમ્પી અને તેમનું નાનકડું બચ્ચું રિમ્પુ ખેલકૂદ કરીને પોતાનો દિવસ વિતાવતાં હતાં. એક દિવસ  રિમ્પુએ કેરી ખાવાની જીદ પકડી. એણે કહ્યું, 'ગઈ સિઝનમાં તો આપણા જંગલમાં કેરી જ ના આવી. મારે તો કેરી ખાવી જ છે.' 

રિમ્પુની જીદને કારણે  ચિમ્પુ પાસેના શહેરમાં કેરી લેવા નીકળી પડયો. જંગલથી દૂર ચિમ્પુ વાંદરાએ શહેરમાં એક સુંદર અને મોટા બગીચામાં ધામા નાખ્યા. ત્યાં તેણે શહેરના અવનવાં ફળ ચાખ્યા. આ બગીચામાં એક દિવસ કોઈએ મોટી પાર્ટી ગોઠવી હતી. પાર્ટી પૂરી થયા બાદ ચિમ્પુએ વધેલા પિત્ઝા અને બર્ગરનો સ્વાદ ચાખ્યો. ધીમે ધીમે ચિમ્પુને તો શહેરના સ્વાદનો ચટકો લાગ્યો. 

થોડા દિવસ બાદ આ બગીચામાંથી ચિમ્પુને એક મોબાઇલ ફોન મળ્યો. ચિમ્પુભાઈ તો ફોન લઈને ઊંચા વૃક્ષ ઉપર ચડી ગયા. ચિમ્પુભાઈને તો ફોન અને શહેરના ખાણાની લત લાગી ગઈ.

 ચિમ્પુ વાંદરાને તો શહેર છોડીને જંગલમાં જવાની ઈચ્છા જ થતી નહોતી. છતાં પણ રિમ્પુ ને ચિમ્પી પ્રત્યેની લાગણી તેને ફરી જંગલમાં ખેંચી ગઈ. એ જંગલના બધા વાંદરા માટે પિત્ઝા અને બર્ગર પોતાની સાથે લેતો ગયો હતો. 

ચિમ્પુ જેવો જંગલમાં પહોંચ્યો કે રિમ્પુ કૂદતો કૂદતો આવ્યો અને કહ્યું, 'મારા માટે કેરી લાવ્યા?' 

આ સાંભળી ચિમ્પુએ કહ્યું, 'કેરીમાં શું ખાવા જેવું છે? તું પિત્ઝા ખા પિત્ઝા...' આમ કહી તેણે રિમ્પુને પિત્ઝાનું પેકેટ આપ્યું. ચિમ્પીને પણ કહ્યું, 'આ લે, તું પણ બર્ગર ખા બર્ગર.'

ચિમ્પી અને રિમ્પુને તો શહેરનો સ્વાદ એવો ભાવ્યો કે જંગલનાં ફળો તો ફિક્કા લાગવા માંડયાં. ચિમ્પુ તો પોતાની સાથે લાવેલા મોબાઈલ ફોનમાં જ રચ્યોપચ્યો રહેતો. બિચારી ચિમ્પીને રિમ્પુ માટે ફળ લેવા જવું પડતું અને કૂદાકૂદની ટ્રેનિંગ આપવી પડતી.

એક દિવસ ચિમ્પુ વાંદરાને એમ થયું કે ઘણા દિવસથી જંગલમાં ગયો જ નથી તો આજ તો હું જંગલમાં આટો મારી આવું. એ પોતાનો મોબાઇલ મૂકી અને જંગલમાં આંટો મારવા ગયો. દરમિયાન ચિમ્પીના હાથમાં એનો મોબાઇલ આવ્યો. મોબાઇલ જોઈને ચિમ્પીને પણ મજા પડી ગઈ. ચિમ્પુ તો સાંજ પડયે પાછો આવ્યો. એણે ચિમ્પીને કહ્યું, 'આજે તો ઘણા દિવસે જંગલમાં ફર્યો એટલે થાક બહુ લાગ્યો.'

ચિમ્પુની વાત સાંભળી ચિમ્પીએ કહ્યું, 'મારી એક વાત માનશો?' ચિમ્પુએ કહ્યું, 'અરે ગાંડી, એક શું બે વાત કહેને!' 

ચિમ્પીએ કહ્યું, 'મારે પણ મોબાઇલ જોઈએ છે.' 

ચિમ્પી સાથે રિમ્પુએ પણ જીદ પકડી કે એને પણ મોબાઇલ જોઈએ જ છે. ચિમ્પુ તો પોતાની પત્ની અને બચ્ચાની લાગણીમાં તણાઈ ગયો. એ તો પાછો શહેર તરફ ઉપડયો. આ પરિવારની દેખાદેખીમાં જંગલના બીજા વાંદરાઓને પણ પોતાની પત્નીની વાત સાંભળી ચિમ્પુ સાથે શહેરમાં ઉપડવું પડયું. થોડાક દિવસમાં આખા જંગલના બધા વાનરોને મોબાઇલની લત લાગી ગઈ.

જંગલની આ પરિસ્થિતિ એક વૃદ્ધ વાનરથી જોવાતી ન હતી. એણે બધાને ખૂબ સમજાવ્યા પણ આખા જંગલમાં બધા વાનરોને નીચી મુંડી કરીને ફોન જોવામાંથી ફૂરસદ જ મળતી નહોતી. ધીરે ધીરે જંગલમાં વાંદરાની કૂદાકૂદ સાવ બંધ થઈ ગઈ. જંગલ સાવ શાંત થઈ ગયું.

થોડાક દિવસ પછી બાજુના જંગલમાંથી વૃક્ષ ઉપરથી કૂદાકૂદ કરવાની હરીફાઈનું આમંત્રણ આવ્યું. વૃદ્ધ વાનરે જંગલના બધા વાંદરાને ભેગા કરી આ વાતની જાણ કરી. શહેરની આધુનિકતાના રંગમાં રંગાયેલા ચિમ્પુએ કહ્યું, 'તમે ચિંતા ના કરો. આપણે જ હરીફાઈ જીતીશું. આ મોબાઇલમાં વૃક્ષ ઉપર સૌથી ઝડપી કૂદાકૂદના કેટલાય વીડિયો છે.' 

વૃદ્ધ વાંદરાએ કહ્યું, 'અરે, તમે બધા કેમ સમજતા નથી? પ્રેક્ટિસ કર્યા વગરનું બધું જ્ઞાન નકામું છે.' 

પણ કોઈએ વૃદ્ધ વાંદરાની વાત માની નહીં.

થોડાક દિવસમાં હરીફાઈનો સમય આવી ગયો. બધા વાંદરા બાજુના જંગલમાં હરીફાઈમાં ભાગ લેવા ઉપડયા. ચિમ્પુ અને બીજા જુવાન વાંદરા પહેલા રાઉન્ડમાં મહામહેનતે જીત્યા. પહેલા રાઉન્ડમાં જ એમને ધોળા દિવસે તારા દેખાઈ ગયા, જ્યારે સામેની ટીમના વાંદરા તો ગજબ સ્ફૂતલા અને ઝડપી સાબિત થયા. બીજા રાઉન્ડમાં પણ માંડ માંડ ચિમ્પુ વાંદરો ટકી શક્યો. ત્રીજા રાઉન્ડમાં તો ચિમ્પુ વાંદરાના છોતરાં ઉડી ગયાં. એ વૃક્ષ ઉપરથી ધડામ્ કરતો નીચે પડયો. સામેની ટીમવાળા સામે ચિમ્પુ વાંદરાના શહેરી શોર્ટ કટના તો લીરે લીરા ઉડી ગયા. સુંદરવનના બધા વાંદરા હારી ગયા હતા. વાંદરાઓ ઘાયલ ચિમ્પુને ઉપાડીને શરમાતા ચહેરે માંડ માંડ જંગલમાં આવ્યા. 

વૃદ્ધ વાનરે આ બધી વાત જાણી. એણે બધાને  સમજાવ્યું, 'હજી પણ સમય છે. ચેતી જાવ. ભગવાને આપણને જે કુદરતી બક્ષિસ આપી છે એને સમજો. આ ખોટા દેખાડા અને સસ્તા મનોરંજનમાં ન પડો.'

વૃદ્ધ વાનરની વાત સાંભળી ચિમ્પુએ કહ્યું, 'તમારી વાત સાચી છે. આજે અમને બધાને સમજાયું કે સાચી તાકાત તો આપણને કુદરતે આપી જ છે. આ કૂદાકૂદ કરવાની કલા પણ આપણને પ્રકૃતિએ જ આપેલી છે. તેથી ફોનમાં ચોંટયા રહેવાની, આખો દિવસ મોબાઇલ પર કાર્ટૂનો કે બીજું કંઈ પણ જોતા રહેવાની, શહેરના માણસોનું અનુકરણની કરવાની કશી જરૂર નથી. આવી સુવિધા શું કામની જે આપણી કુદરતી કલા અને સાચા આનંદને મારી નાખે? વળી, આપણાં માટે તો ફળો જ ઉત્તમ આહાર છે. આપણે શા માટે પિત્ઝા ને એવી બધી શરીર બગાડતી આઇટમો ખાવી જોઈએ?' 

 ચિમ્પુની વાત સૌના ગળે ઉતરી ગઈ. સૌએ પોતપોતાના મોબાઈલ નદીમાં પધરાવી દીધા. તેમણે નક્કી કર્યું કે તેઓ હંમેશા પૌષ્ટિક ફળો જ ખાશે. ફરીથી આખું જંગલ વાંદરાના હૂપાહૂપ અને કૂદાકૂદથી ગુંજવા લાગ્યું. 

વાંદરાઓને સાચી સમજ મળી ગઈ. તેઓ તો સમજી ગયા કે મોબાઇલના અતિ વપરાશથી અને બહારનું વધારે પડતું ખાવાથી કેટલું નુક્સાન થાય છે. આપણે માણસો આ વાત ક્યારે શીખીશું?