ચોપડીનો ચમત્કાર .
- 'અરે ક્રિષ્ના, આ પુસ્તકનાં પાનાં શું જાદુ કરી શકે એ તો તું એને વાંચે પછી જ સમજાય ને! હું વાંચું ને તને કહું એમ નહીં. તું જાતે વાંચે તો તને એનો ચમત્કાર સમજાય.સમજી? તો બોલ, આપું તને એક મસ્ત પુસ્તક?'
નિધિ મહેતા
ક્રિષ્ના જન્મથી જ સુરત જેવા મોટા શહેરમાં ઉછરીને મોટી થયેલી એટલે એને અનુરૂપ જ એની રહેણીકરણી ને વ્યવહાર. ગામડું તો ક્યારેય જોયું જ નહોતું. આ મોટા શહેરમાં રહીને તેને આધુનિક પહેરવેશનું ભારે ઘેલું લાગેલું. જોકે એની માતા પણ એટલી જ આધુનિક. એ પણ માનતી કે દરેક વ્યક્તિએ અપગ્રેડ તો થવું જ જોઈએ. પરંતુ એ પરિવર્તન ખાસ તો વિચારોનું હોય, માત્ર પહેરવેશનું નહીં. વળી, બદલાવ આપણા મૂળ અસ્તિત્વના ભોગ ે થાય તે યોગ્ય ન ગણાય. તેને દીકરી પશ્ચિમી પહેરવેશ અપનાવે એનો સહેજ પણ વિરોધ નહોતો, પણ પોતાનું પરંપરાગત છે તે બધું છૂટી રહ્યું હતું તેનો વસવસો તો જરૂર હતો.
દીકરીને પોતાની સંસ્કૃતિ વિશે સભાન કરવાનો કોઈ ઉપાય માને સૂઝતો નહોતો. ક્રિષ્નાનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જતું હતું. તે ખૂબ અલ્લડ ને સ્વચ્છંદી થવા લાગી હતી. જિદ્દી પણ એટલી. માતા-પિતાનો આદર કરવાનું પણ હવે ભૂલતી જતી હતી. મા-બાપને સતત તેની ચિંતા થતી હતી. દીકરીના વર્તનને લીધે ઘરનું વાતાવરણ કાયમ તંગ રહેતું. એવામાં આજે ક્રિષ્નાની મમ્મીની બેનપણી, કે જે લંડન રહેતી હતી, તેનો ફોન આવ્યો કે, તેની દીકરી રીવા ભારતદર્શન માટે આવી રહી છે અને તમારે ત્યાં જ રોકાશે.
કૃષ્ણાની મમ્મીની ચિંતાએ હવે માઝા મૂકી. તે ડરવા લાગી કે, એક તો પોતાની દીકરી ભારતમાં રહીને પણ સ્વચ્છંદી થઈ ગઈ છે, ભારતીય સંસ્કૃતિથી દૂર થતી જાય છે અને હવે આ વિદેશી છોકરીની સંગત થશે તો એ કદાચ પૂરેપૂરી વિદેશી વાયરામાં પલટાઈ જશે! પણ હવે કરવું શું ? બેનપણીને ના પણ કહેવાય એવું નહોતું. તેણે મન મક્કમ કરી રીવાને પોતાના ઘરે રોકાવાની હા કહી અને દીકરી ક્રિષ્નાને તેની સાથે કામથી કામ રાખવા જણાવ્યું.
બીજા જ દિવસે રાત્રે બે વાગ્યે રીવાની ફ્લાઈટ આવવાની હતી. સુરભિનો પરીવાર તેને લેવા એરપોર્ટ પર પહોંચ્યો. રીવાની ફ્લાઈટ આવવાની જાહેરાત સંભળાઈ. ક્રિષ્નાના મનમાં રીવાને જોવાની ભારે તાલાવેલી હતી. એ વિદેશથી આવે છે તો તેનો પહેરવેશ, બોલચાલ વગેરે કેવું હશે! તે જાણવાની એને અધિરાઈ હતી. રીવાની મમ્મીએ ફોટો મોકલ્યો હતો તેવા ચહેરો સામેથી આવતો દેખાયો. આગળ બીજા લોકો હતા તેથી માત્ર ચહેરો જ દેખાતો હતો. ક્રિષ્નાની આંખો જડાઈ ગઈ. રીવા થોડી વધુ નજીક દેખાઈ. કૃષ્ણાએ એને ઉપરથી નીચે સુધી જોઈ. રીવાએ તો સુંદર ભારતીય પોશાક પહેર્યો હતો. કપાળે સરસ મજાનો ચાંદલો હતો. તેને જોતાં એક ક્ષણ પણ તે વિદેશમાં ઉછરેલી છોકરી હોય એવું નહોતું લાગતું.
રીવાએ આવીને સૌની સામે સ્મિત કર્યું. નજીક આવી. ક્રિષ્નાનાં મમ્મી-પપ્પાને પગે લાગી. પછી ખૂબ મીઠા શબ્દોમાં બોલી, 'કેમ છો બધા?' આટલું બોલી. તેના શબ્દો સાંભળી સૌ અચંબિત થઈ ગયાં. તે ખુબ સરસ ગુજરાતી બોલતી હતી.
ક્રિષ્ના મનોમન બોલી, 'આ તો નવુંનવું છે એટલે! ભારતના લોકોને આકષત કરવાનું એ નાટક કરે છે. થોડા દિવસો પસાર થશે એટલે મમ્મીને સમજાશે એની અસલી આદતો...'
બધા તેને લઈને ઘરે આવ્યાં. તેને ક્રિષ્નાના રૂમમાં જ રાખવામાં આવી. હવે ક્રિષ્નાને તેનો સામાન જોવાની ઉતાવળ થઈ. રીવાએ પોતાની બેગ ખોલી. તેમાં લગભગ બધાં જ ભારતીય શૈલીનાં કપડાં હતાં અને ઘણાં બધાં પુસ્તકો હતાં.
ક્રિષ્નાએ પૂછયું, 'તું આવા જ કપડાં પહેરે છે?'
'હા. આ તો આપણો પોશાક છે અને મને એ ગમે છે,' રીવા બોલી.
'અને આ પુસ્તકો?'
'એ મારા વાંચવા માટે છે, ક્રિષ્ના. મને વાંચવું ખૂબ ગમે છે.'
'અરે યાર, તું તો ખૂબ બોરિંગ લાગે છે. આ પુસ્તકોનાં પાનાં પલટાવી શું મળી જવાનું? અસલી જિંદગી તો તું જીવતી જ નથી.'
રીવા હસતી હાલત કહે, 'અરે ક્રિષ્ના, આ પુસ્તકનાં પાનાં શું જાદુ કરી શકે એ તો તું એને વાંચે પછી જ સમજાય ને! હું વાંચું ને તને કહું એમ નહીં. તું જાતે વાંચે તો તને એનો ચમત્કાર સમજાય.સમજી? તો બોલ, આપું તને એક મસ્ત પુસ્તક?'
'હા લાવ ત્યારે, ઉકેલવાની કોશિશ તો કરું!'
રીવાએ એક ખાસ પુસ્તક તેના હાથમાં આપતા કહ્યું, 'લે, આ એક પુસ્તક વાંચી લે. પછી બીજું પણ આપીશ.'
રીવા તો થાકી ગઈ હતી એટલે પથારીમાં પડતા જ ઊંઘી ગઈ, પણ ક્રિષ્નાને આ પુસ્તકમાં એવું શું હશે એમ વિચારી ઊંઘ આવતી નહોતી. એણે વાંચવાનું શરૂ કર્યું. એક-એક પ્રકરણ વાંચતા એવી તો ઓતપ્રોત થઇ કે એને સમયનું પણ ભાન ન રહ્યું. ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ મૂલ્યોને ઉજાગર કરતું પુસ્તક એણે એક જ બેઠકમાં પૂરું કરી નાખ્યું.
બીજા દિવસે ક્રિષ્નાએ રીવા પાસે આવું જ બીજું કોઈ પુસ્તક માગ્યું. રીવાએ તે આપ્યું. આ પુસ્તકમાં આપણાં ઉપનિષદો અને ભગવદગીતા વિશે એકદમ સરળ ભાષામાં સમજાવ્યું હતું. ક્રિષ્નાને તો તેમાં પણ ખૂબ રસ પડયો. એ એક પછી એક પુસ્તક વાંચતી ગઈ. ધીમે ધીમે એને ભારતીય સંસ્કૃતિની ભવ્યતા પર ગર્વ થતો ગયો. રામ,કૃષ્ણ, નરસિંહ અને શ્રવણ જેવા ઉત્તમ ચરિત્રના જીવન પ્રસંગો વિશે વાંચી તેના મનમાં ભારતીય મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યે સન્માનની લાગણી જન્મી. એના મનમાં ધરબાયેલા સંસ્કારો જાગૃત થયા અને એના વિચારોમાં પરિવર્તન આવવા લાગ્યું.
ક્રિષ્નાને પોતાની ભૂલ સમજાઈ. એણે મમ્મી-પપ્પા પાસે પોતાના આજ સુધીના વર્તન માટે માફી માગી અને રીવાનો આભાર માન્યો. રીવા કહે, 'ક્રિષ્ના, તું મારો નહીં, પુસ્તકોનો આભાર માન!'
મિત્રો, તમે પણ વેકેશનમાં ખૂબ બધાં પુસ્તકો વાંચજો, ઓકે?