Get The App

રામાયણનો આખો પ્રવાહ બદલી નાખનારૂં રામાયણનું મુખ્ય પાત્ર : મંથરા

- એક વખતની ઈન્દ્રની અપસરાને ખૂંધ વળી કેવી રીતે આવી?

- જ્યારે માનવ, ગાંધર્વ, દેવ મૂનિઓ તપ કરતા ત્યારે મેનકા, માધવી, મહાલી જેવી અપસરાઓ કામમાં આવતી. પણ અસૂરો તપ કરતાં ત્યારે મંથરાની જ જરૂર પડતી હતી

Updated: Jan 1st, 2021

GS TEAM

Google News
Google News

- મંથર ગતિએ ચાલે, 

મંથર મંતર મહાલે

મંથર વાણી વહાવે, એટલે જ મંથરા કહાવે

રામાયણનો આખો પ્રવાહ બદલી નાખનારૂં રામાયણનું મુખ્ય પાત્ર : મંથરા 1 - image

સા ત ભાઇની એક બહેન હતી : કૈકેયી. આઠમો ભાઇ જ કહો. તે ભાઇઓની સાથે, ભાઇઓની જેમ જ મોટી થઇ. કેટલીક શરતોમાં તે ભાઇઓને પણ હરાવી દેતી.

કૈકેયીની જે ચાલાકી, ચપળતા, ચંચળતા, ચાતૂરી હતી, તેમાં તેની સલાહકાર મંથરા-માતાની ઘણી સૂઝ હતી.

મંથરાને કોઇ દાસી કહેતું નહિ. તે જેવી હતી તેવી મંથરા-માતા તરીકે જ જાણીતી હતી.

કૈકેયીની માતા કરૂણામયીને એમ હતું કે ક્રમ પ્રમાણે આઠમું બાળક પુત્ર જ આવશે. પણ પુત્રી આવી. માતાએ તેને મંથરાના ખોળામાં જ મૂકી દીધી. બાળકી કૈકેયી મંથરાને જ માતા માનવા સમજવા લાગી. આમ તે સગી માતા જેટલી રૂપાળી ન હતી પણ કૈકેયી માટે હેતાળ પ્રેમાળ બહુ હતી. આમે ય બાળકને ક્યાં રૂપ કે કુરૂપનું ભાન હોય છે ? તેને તો જે વહાલ કરે તે માતા. અને માતા કદી કદરૂપી હોતી જ નથી. બાળક હંમેશા એવું જ માને છે. કૈકેયી પણ એવું જ માનતી.

મંથરાને ય આવી હેતીલી બનવા માટેનું કારણ હતું. તે પૂર્વજન્મમાં ઈન્દ્રની અપસરા હતી. મેનકા, ઉર્વશી, ઉષા, આશિકા, અલકા, વિભા, આભા, શોભા જેવી જે કંઇક અપસરાઓ ઈન્દ્રના દરબારમાં હતી, તેમાંની જ એક હતી મંથરા. રૂપાળી ય ખરી, કહ્યાગરી ય ખરી, ખટપટી ય ખરી. ઈન્દ્રએ તેને ખાસ કામ માટે અનામત રાખી હતી.

જ્યારે માનવ, ગાંધર્વ, દેવ મૂનિઓ તપ કરતા ત્યારે મેનકા, માધવી, મહાલી જેવી અપસરાઓ કામમાં આવતી. પણ અસૂરો તપ કરતાં ત્યારે મંથરાની જ જરૂર પડતી હતી. અસૂરોનું તપ દેવતાઓ કરતાં ય આકરૂં રહેતું. તે કોઇ રીતે તપોભંગ થતાં નહિ. તેમની કઠોરતા જ તેમને મહાન તપસ્વી બનાવી રહેતી. અને જ્યારે અસૂર પારંગત તપાસ બની રહેતાં, ત્યારે ધાર્યું કાર્ય કે અકાર્ય કાર્ય પાર પાડી શકતા. તેમને સફળતા ન મળે એ જ જોવાની કામયાબી મંથરાની રહેતી.

મંથરા અપસરા રૂપે આમ રૂષ્ટ પુષ્ટ, તુષ્ટ, ધૃષ્ટ હતી. દુષ્ટમાં દુષ્ટ અસૂરને તે બેસૂર બનાવી શકતી.

પણ દ્રઢાલ અસૂર સામે તે ફાવી નહિ. દ્રઢાલ એકદમ કાળા પહાડ જેવો દ્રઢ હતો. તપમાં બેઠો તે બેઠો. તેનો નિર્ધાર ઈન્દ્રનું જ ઈન્દ્રાસન પડાવી લેવાનો હતો.

જ્યારે દ્રઢાલ પૂર્ણ તપસ્વી બનવા લાગ્યો. ત્યારે ઈન્દ્રનું ઈન્દ્રાસન કંપવા ધૂ્રજવા હાલવા લાગ્યું.

ઈન્દ્રથી બૂમ પડાઇ ગઇ : ''મંથરા... મંથરા..!''

મંથરા દોડતી હાજર થઇ.

ઈન્દ્ર કહે : ''તારે જે વાના કરવા હોય તે કર, જે જાદુ પાથરવો હોય તે પાથર, જે માયા ઊભી કરવી હોય તે કર. પણ દ્રઢાલનું દ્રઢત્વ છોડાવ ! નહિ તો અસૂરો જ સ્વર્ગના અધિપતિઓ બની જશે. દ્રઢાલ જ સ્વર્ગના સ્વરાજ્યનો ઈન્દ્ર બની જશે. જા, ઝટ જા, જે યુક્તિ અજમાવવી હોય તે અજમાવ પણ એ દ્રઢના સઢને ચીરી નાખ. જેમ મેનકાએ વિશ્વામિત્રને ચળાવ્યા હતા....''

મોહમયી મંથરા તમામ રૂપભડકા અને ચંચળમાં ચંચળ છળ-કપટ સાથે તાપસ દ્રઢાલ પાસે પહોંચી. મેનકા કરતાં ય તેણે ઘણાં ચેન-ચાળા અને માયાની મોહજાળ પાથરી. પણ અવળું થયું. ન થવાનું થયું. આ અસૂર વળી વિશ્વામિત્ર કરતાં ય વધારે મસૂર નીકળ્યો. તે જાગી ગયો. જાગવાથી તેને તપસ્યા ભંગ થઇ. પણ એટલો ગુસ્સે થયો કે તેણે મંથરાને આગળથી એક હડસેલો માર્યો.  છાતીમાં લાત મારી એમ જ કહો ને !

મંથરાને એ અસૂરી હડસેલો એવો આઘાત આપી ગયો કે તેની ખૂંધ નીકળી આવી. આગળનો ઠેલો, પાછળની ખૂંધ. તે એવા અને એટલા વેગમાં ફેંકાઇ કે સીધી ઈન્દ્ર સાથે જઇને અથડાઇ ગઇ. ઈન્દ્રએ તેની ખૂંધ તરફથી હડસેલો માર્યો. તે આગળ ઉપર કોઇક ભીંત કે સ્થંભ સાથે અથડાઇ પડી. એ કરકરીયા અવરોધ સાથે તેનનું મોઢું છૂંદાઇ ગયું. તેના બન્ને પગને ય અસર થઇ. સ્વરૂપમયી  મંથરા અષ્ટાંગે કદરૂપી બની રહી.

દુષ્ટ દ્રઢાલે તેને શાપ આપ્યો : ''તું આ રીતે જેવી છે તેવી જ રહેજે.''

ઈન્દ્રએ તેને બચાવમાં કહ્યું : ''તું હવે આવી જ (કદરૂપી) રહેશે, પણ આવતા જન્મમાં કોઇ મોહક રૂપાળી રાજકન્યાની માતા બનવાનું આશ્વાસન તને મળી રહેશે.''

અને તે શાપ-થાપ-ચાપ-છાપ મુજબ મોહમયી અપસરા મંથરા કૈકેયી જેવી કામણગારી રૂપકન્યાની ઉછેરમાતા બની હતી !

કૈકેયીના પિતા અશ્વપતિ રૂપે જ જાણીતા હતા. તેમનો અશ્વપ્રેમ અપાર હતો. તેમનું કેકય રાજ્ય અશ્વ-રાજ્ય તરીકે જ જાણીતું હતું. અશ્વરાજને જાતજાતના અને ભાતભાતના અશ્વોની એવી ઘેલછા હતી કે તે પ્રજાને બદલે અશ્વો પર જ વધુ ધ્યાન આપતા. અશ્વપતિના અશ્વો વિશ્વભરમાં પંકાતા. આજુબાજુના રાજ્યોને જ્યારે યુધ્ધ માટે અશ્વોની જરૂર પડતી ત્યારે કાબેલ કસાયેલા કઠોર નઠોર અશ્વો તેમને અશ્વપતિ પાસેથી જ મળી રહેતા. અશ્વપતિનું કેકય રાજ્ય અશ્વ-વ્યાપારમાં જ એટલું સમૃધ્ધ બન્યું હતું કે પોતાના રાજ્યના કરવેરા તેણે સાવ ઘટાડી નાખ્યા હતા.

પશુઓ સાથે અશ્વપતિ પર્યાવરણનો ય પંડિત હતો. તેણે સિંહાલીના બોલતાં શુક-યુગલ પાસે પશુ-પંખીની ભાષાય શીખી લીધી હતી.

પશુ-પંખીની એ વાણીમાં તે સદાય ઓતપ્રોત રહેતો. જોકે પર્યાવરણના એ જ જ્ઞાાને તેના સંસારમાં આફત ઊભી કરી દીધી હતી.

એક વખત કૈકેયીની માતા સાથે તે વનવિહારમાં ઉપડયો હતો. ત્યારે અનેરા ઝરણાંમાં તરતાં બે રાજહંસનો સંવાદ સાંભળી તે હસી હસી દેતો હતો. કરૂણામયીને આ કૌતુકનું કૂતુહલ થયું. તેણે પતિને પૂછ્યું : ''તમે શું હસ્યા ? કેમ હસો છો ? મને કહો.''

હવે અશ્વપતિને એ વિદ્યા એવી શરતે પ્રાપ્ત થઇ હતી કે કોઇને તે કંઇ જ કહી શકે નહિ.

કૈકેયીના માતા-પિતા વિષે આ વાત જીદ પર આવી ગઇ. પિતા કહી ના શકે, માતા જાણ્યા વગર રહી ન  શકે. વાત અંટસ પર આવી ગઇ.

માતા કરૂણામયીએ કહી દીધું : ''જો તમે મારાથી પણ કોઇક રહસ્ય છૂપાવવા માગતા હો તો મને આજથી તમારી પત્ની અને અષ્ટ બાળકોની માતા ય માનશો નહિ.''

અશ્વપતિએ પણ ગુસ્સે થઇને કહી દીધું : ''ભલે. જા કરૂણા, તું તારે પિયર ચાલી જા. ફરી કદી કેકય દેશમાં આવીશ નહિ. કૈકેયી સહિત આઠેય બાળકોનું મોઢું ય તને જોવા નહિ મળે.''

છૂટા પડી ગયા માતા-પિતા.

કૈકેયી ઉંમરમાં આવી. પોતાના પ્રતાપી પરાક્રમોથી તેના રાજા દશરથ સાથે લગ્ન થયા. ત્યારે એ લગ્નમાં પણ માતા હાજર રહી નહિ. જો કદાચ માતા હાજર હોત તો તે કૈકેયીને દશરથ સાથે પરણવા દેત નહિ.

આમ તો કૈકેયીને પણ પહેલી નજરે રાજા દશરથ ગમ્યા ન હતા. તેને તેની ઉંમર વધારે લાગી હતી. ''કેટલા મોટા છે તેઓ ?'' તેણે કહ્યું.

મંથરા કહે : ''પણ અયોધ્યાના રાજા છે. અને પુરૂષની ઉંમર વળી કોણ જોવા બેઠું છે ? રાજકારણી બનીને રાજ કરશે તું ?''

કૈકેયી કહે :''તે રાજ તો અત્યારે કરૂં જ છું ને !''

મંથરા કહે : ''સાત ભાઇની સાત ભાભીઓ આવશે ત્યારે તારું રાજ નહિ રહે, જો જે. દુનિયામાં કોઇ ભાભીઓએ પોતાની નણંદને વહાલ આપ્યું છે ખરૂં ? મારૂં માને તો સામેથી આવેલા રાજા દશરથને અપનાવી લો રાજબા !''

''પણ એની અગાઉની રાણી ખરી જ ને ?''

''તે બધું હું સંભાળી લઇશ.'' મંથરાએ વિશ્વાસથી કહ્યું : ''કૈકેયીબા ! જો તમને મહારાણી ન બનાવું તો મારૂં નામ મંથરા નહિ. એવી યુક્તિઓ કરીશને રૂપાળી બા, કે તમારા સિવાય એ દશરથ મહારાજા બીજું કંઇ જોશે જ નહિ. બીજે ક્યાંય જશે જ નહિ. અને મારી સલાહ તમને ય છે અયોધ્યાના મહારાણી, કે તમારેય તેમને એકલા કદી ક્યાંય જવા જ દેવા નહિ હું તમને રિસાઇ જતાં શીખવી દઇશ અને શાસન કરતાં ય શીખવી દઇશ.''

મંથરાની ચાતૂરીએ કૈકેયીને મનાવી લીધી અને કૈકેયી - દશરથના લગ્ન થઇ ગયા. રાજા દશરથને ય કદાચ આ વાતની ગંધ આવી ગઇ હશે, તેઓ કૈકેયી સાથોસાથ મંથરાને ય મહત્વ આપવા લાગ્યા.

અને એમ તો કૈકેયી જાતે ય હોશિયાર હતી. તે યુધ્ધમાં ય રાજા દશરથ સાથે જતી. જ્યારે રાજા દશરથ મયદાનવ સાથે લડવા ગયા ત્યારે જ પેલી ઘટના કે દુર્ઘટના બની. રથનું પૈડું ઢીલું પડી ગયું. કૈકેયીએ બે આંગળીઓ ખોસી, રથને દોડતો રાખ્યો. રાજા દશરથ યુધ્ધમાં જીત્યા. 

તેમણે બે આંગળીના બદલમાં બે વચન માગવાનું કહ્યું. કૈકેયીએ વેદનાની વચમાં વહાલ દાખવતા કહ્યું : ''જરૂર પડે ત્યારે માગી લઇશ.''

મંથરાએ કૈકેયીની બંન્ને આંગળીઓનો ઉપાય કર્યો અને બંન્ને વચન યાદ રાખ્યા તથા રખાવ્યા.

વર્ષો બાદ જ્યારે ગાદીના વારસનો પ્રશ્ન ઊભો થયો ત્યારે રિવાજ મુજબ રામને જ ગાદી આપવાનું નક્કી થયું. બીજા ત્રણ ભાઇઓને પંત તથા નાયબ બનાવવાની યોજના જાહેર થઇ. રામ કૌશલ્યાના પુત્ર હતા, લક્ષ્મણ-શત્રુઘ્ન સુમિત્રાના પુત્ર હતા, ભરત કૈકેયીનો પુત્ર હતો.

મંથરાએ અહીં જ ચિંતા પ્રગટ કરી.

તેણે કૈકેયીને કહ્યું : ''મહારાણી, આ રાજ્યાભિષેક રોકો. જો શ્રીરામ રાજા બનશે તો તેની માતા કૌશલ્યા મહારાણીબા બની જશે. તેમના જ માન-પાન વધી જશે. પછી આગળ ઉપર પણ મહારાણી કૈકેયીબા તમે જ સહાયક રહેશો. ન તમારૂં વજન રહેશે કે ન તમારા પુત્ર ભરતભાઇનો કોઇ હક્ક રહેશે.''

કૈકેયીને વાત સમજાઇ. તેણે પૂછ્યું : ''તો શું કરૂં ? રાજ્ય તો મોટાને જ મળે ને!''

મંથરા કહે : ''એવું જરૂરી નથી. રાજ કોઇ પણ સંજોગોમાં આપણાં ભરતને ભરતને અને ભરતને જ મળવું જોઇએ.''

કૈકેયી કહે : ''એ કેવી રીતે શક્ય બને ?''

મંથરા કહે : ''બે વચનથી. પત્તાંના રાજા જેવા બે વચન તમારી પાસે અનામત છે. રાજા દશરથને યાદ અપાવો એ બે વચન. અન માગો ભરતને માટે માટે ગાદી. એક વચનમાં શ્રીરામને ચૌદ વર્ષના વનવાસની માગણી કરો. બીજા વચનમાં ભરતભાઈને અયોધ્યાની ગાદી.''

થોડીક સમજાવવી પડી કૈકેયીને પણ સામાના માથા ફેરવી નાખવામાં મંથરા નિપૂણ હતી. બધી જ વિધિઓ કૈકેયીને શીખવી દીધી.

સમસ્ત રાજ્યોના ભાગ્ય પલટાવી નાખવામાં આવી મંથરાઓ જ ફાવતી હોય છે.

જ્યારે મહારાજા દશરથે આ વચન-કથા સાંભળી ત્યારે તેમને માટે એ વચન-વ્યથા બની ગઈ. તેમણે કૈકેયીને કહ્યું : ''મહારાણી ! તમે આ શું માગ્યું ?''

મંથરાની ચઢાવેલી કૈકેયીએ કહી દીધું : ''જે માગ્યું તે બરાબર છે. આપનો જીવ કોચવાતો હોય તો હું મારે આ ચાલી કોપભવનમાં. શ્રીરામ વનમાં જાય, ભરતનો રાજ્યાભિષેક થાય, પછી જ મને જોવા-મળવા પધારજો.''

રૂષણા સાથેનો અભિનય કરી મહારાણી કૈકેયી કોપભવનમાં એટલે કે મંથરાભવનમાં ચાલી ગઈ.

પછી જે થવાનું હતું તે જ થયું. અથવા કહો કે ન થવાનું થયું, અણધાર્યું જ થયું.

દશરથે શ્રીરામને ચૌદ વર્ષના વનવાસનો આદેશ આપ્યો, અલબત્ત કકળતા કાળજાંએ. રામ સાથે વળી સીતાજી અને ભાઈ લક્ષ્મણ પણ વનમાં જવા તૈયાર થયા. રામાયણની કથાએ જબરો પલટો ખાધો.

રાજા દશરથ તરફડી તરફડીને મૃત્યુ પામ્યા. મામાને ઘરેથી પધારેલા ભરતે માતાને ઠપકો આપ્યો. પોતે ગાદી ન જ સ્વીકારી. શ્રીરામની પાદૂકા સિંહાસન પર ગોઠવી, તેને નમન-વંદન કરી રાજ્ય સંભાળ્યું.

કૈકેયી બોલી ઊઠી : ''મંથરામા ! આ શું થયું ?''

આવી ક્ષણે મંથરાઓ જે કરતી હોય છે તે જ મંથરાએ કહ્યું : ''ચિંતા ના કરો મહારાણી કૈકેયી, સહુ સારા-વાના થશે. સારા જ વાના થશે.''

Tags :