Get The App

જલપરીની જાદુઇપેન .

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
જલપરીની જાદુઇપેન                               . 1 - image

- 'ભલે. હું તને એક જાદુઈ પેન આપીશ, જે તારું બધું લેસન કરી દેશે, પરંતુ એક અઠવાડિયા સુધી તારે બધું જ લેસન સહેજ પણ આળસ કર્યા વગર સારા અક્ષરે આ પેનથી કરવું પડશે. પછી આ પેન જાતે જ બધું લખશે.' 

- ડો. પ્રજ્ઞા કેયૂર પુરોહિત 

રોહન ભણવામાં ખૂબ આળસુ હતો. શાળામાં એને રોજ શિક્ષક ઠપકો આપતા અને ઘણી વાર સજા પણ કરતા, કારણ કે એ રોજ લેસન કર્યા વગર જ શાળાએ આવતો. ઘરે મમ્મી પણ વારંવાર ટોકતી... પણ રોહનને તો માત્ર રમવામાં જ મજા આવતી.

એક દિવસ રોહન મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમવામાં એ ખૂબ હોશિયાર. એણે એવંુ બેટ ઘુમાવ્યું કે બોલ દૂર નદી પાસે ચાલ્યો ગયો. મિત્રોએ રોહનને જ નદી પાસે બોલ લેવા મોકલ્યો. રોહન ચારે બાજુ બોલ શોધતો આગળ વઘતો ગયો, પણ બોલ ક્યાંય મળ્યો નહીં. 

અચાનક એને એક પથ્થર પર બેસેલી જલપરી દેખાઈ. જલપરી ખૂબ સુંદર હતી.

રોહન આશ્ચર્યપૂર્વક પૂછયું, 'તમે જલપરી છો? મેં અગાઉ ક્યારેય જલપરી જોઈ નથી. મારાં દાદી ઘણી વાર મને જલપરીઓની વાર્તા કહેતાં.'

જલપરી હસતાં હસતાં બોલી, 'હા, હું જલપરી જ છું.'

રોહન ખુશ થઈ ગયો. એણે પૂછયું, 'મેં વાર્તામાં સાંભળ્યું હતું કે જલપરી પાસે જાદુઈ શક્તિ હોય છે. શું તમારી પાસે જાદુઈ શક્તિ છે?'

જલપરી રોહનની જિજ્ઞાસા જોઈને બોલી, 'હા, મારી પાસે જાદુઈ શક્તિ છે અને હું તને પણ આપી શકું. તારે શું જોઈએ? હું તને તે આપીશ.'

રોહનની ખુશીનો પાર ન રહ્યો. એ પોતાની વ્યથા જલપરી સમક્ષ ઠાલવવા લાગ્યો, 'મને લેસન કરવાની ખૂબ જ આળસ આવે છે એટલે મને મારા ટીચર અને મમ્મી રોજ ખિજાયાં કરે છે. તમે મને એવી જાદુઈ પેન આપોને, જે મારું બધું લેસન કરી દે!'

જલપરી ખડખડાટ હસી પડી. એ કહે, 'ભલે. હું તને એક જાદુઈ પેન આપીશ, જે તારું બધું લેસન કરી દેશે, પરંતુ એક અઠવાડિયા સુધી તારે બધું જ લેસન સહેજ પણ આળસ કર્યા વગર સારા અક્ષરે આ પેનથી કરવું પડશે. પછી આ પેન જાતે જ બધું લખશે.' 

રોહન જલપરી પાસેથી જાદુઈ પેન લઈને હરખાતો હરખાતો સીધો ઘરે ચાલ્યો ગયો. એણે પોતાનું બધું લેસન સારા અક્ષરે જાદુઈ પેનથી કરી લીધું. બીજા દિવસે શાળાએ શિક્ષકે એના અક્ષરના ખૂબ વખાણ કર્યા. રોહનના મિત્રો પણ એના ખૂબ વખાણ કરવા લાગ્યા. રોહન તો હરખાઈ ગયો. ઘરે મમ્મીને પણ આ જાણીને બહુ આનંદ થયો. એણે રોહનને એનું મનપસંદ જમવાનું બનાવી શાબાશી આપી. આ રીતે એક અઠવાડિયા સુધી ચાલ્યું. પણ ત્યાં સુધીમાં તો રોહનને લેસન કરવાનું ગમવા લાગ્યું. શાળાએ જવું ગમવા લાગ્યું. એને થયું કે જો મારું લેસન જાદુઈ પેન કરી નાખશે તો મને શીખવા નહીં મળે.

રોહન જાદુઈ પેનપાછી આપવા ફરી નદીકિનારે જલપરી પાસે ગયો. જલપરીને કહ્યું, 'હવે હું મારું લેસન જાતે કરી શકું છું. એટલે શાળાએ કે ઘરે મને કોઈ ઠપકો આપતા નથી. મને બધું શીખવું પણ ગમે છે. એટલે હવે મારે જાદુઈ પેનની જરૂર નથી. હવે મને લેસન કરવાની મજા આવે છે. આ તમારી જાદુઈ પેનની મારે હવે જરૂર નહીં પડે.'

જલપરી આ સાંભળી ખુશ થઈને બોલી, 'રોહન, આ પેન કોઈ જાદુઈ પેન નથી. આ તો સામાન્ય પેન જ છે. તારી અંદર રહેલી આવડતને તું ઓળખી શકે અને આળસ દૂર કરી શકે તે માટે મેં આ જાદુઈ પેનની યુક્તિ કરી હતી. તેં થોડા દિવસ માટે આળસ ન કરી એટલે તને લેસન કરવાની સારી આદત પડી ગઈ  અને તેના ફાયદા પણ સમજાયા. જો, મારી યુક્તિ કેવી સફળ થઈ!' 

રોહન જલપરીનો આભાર વ્યક્ત કરી બોલ્યો, 'તમે સાચું કહ્યું. હું તો આળસ કરીને સહુથી પાછળ રહી જાત. હવે હું કોઈ કામની ક્યારેય આળસ નહીં કરુ.' જલપરી ખુશ થઈને નદીમાં ચાલી ગઈ. રોહન એને પાણીમાં અદ્રશ્ય થતો જોતો રહ્યો...