- દાદા કહે- 'આ રીંગણ છે, રીંગણામાં વિટામિન 'બી' અને ખનિજ તત્ત્વ હોય છે, તે લોહી શુદ્ધ કરે છે અને મગજને તંદુરસ્ત રાખે છે.' વિનય નાક ચડાવી બોલ્યો- 'પણ દાદા, આ રીંગણ તો મને ગમે જ નહીં.'
- ડો. પ્રજ્ઞા કેયૂર પુરોહિત 'શિવપ્રિયા'
પરીક્ષાઓ પૂર્ણ થઈ અને શાળામાં દિવાળીનું વેકેશન શરૂ થયું. પાંચમા ધોરણમાં ભણતા વિનયને મોબાઈલ અને ટીવી જોયા વગર ક્યાંય ચેન ન પડે. જમવામાં પણ ખૂબ નખરા કરે. બટેટા સિવાય કોઈપણ શાકભાજી એ ખાતો જ નહીં. તેની આ આદતથી મમ્મી- પાપા ખૂબ પરેશાન થઈ ગયા હતા. તેથી તેમણે દિવાળીની રજાઓમાં વિનયને ગામડું બતાવવા લઈ જવાનું નક્કી કર્યું. મમ્મી-પાપા સાથે વેકેશનમાં ગામડામાં વીતાવવાનું હતું એટલે વિનય ઉદાસ હતો, કારણકે તેણે પપ્પા પાસે સાંભળ્યું હતું કે ગામડામાં મોબાઈલ અને ટીવી વધારે જોવા ન મળે. ત્યાં નેટવર્ક પણ સરખું આવે નહી.
વિનય ઉદાસ થઈ ગુસ્સામાં બોલ્યો-
'ગામડે તો મોબાઇલ નથી, ટીવી પણ નથી. ત્યાં હું શું કરીશ?'
મમ્મી હસીને બોલ્યાં-
'અરે બેટા, ગામડે તો ટીવી કરતાં પણ વધારે મજા આવશે. ત્યાં ખેતરો, ઝાડ, ફૂલ છે. દાદા-દાદી સાથે ખૂબ મજા આવશે.'
અંતે વિનય જીદ છોડીને ગામડે જવા તૈયાર થયો.
ગામડે પહોંચ્યા બાદ વિનય બધાને મળીને આનંદિત થયો. ગામનું સુંદર સવારનું વાતાવરણ જોયું. ઘરના આંગણામાં રોપેલાં રંગબેરંગી ફૂલોની સુગંધ લેતાં- લેતાં એ દાદા સાથે ખેતરમાં ગયો. ત્યાં વાવેલાં જાતજાતનાં શાકભાજી જોયા. એકીટશે જોયા જ કર્યું. પછી ચકિત થઈ બોલ્યો-
'અરે દાદા! આટલાં બધાં શાકભાજી? મેં તો શહેરમાં ક્યારેય શાકભાજીના છોડ નથી જોયાં.'
દાદા હસીને બોલ્યા-
'હા બેટા, આ જ તો ગામડાનો ખજાનો છે.'
વિનયે થોડું વિચારી દાદાને પૂછયું -
'દાદાજી, આ શાકભાજી કેટલાં સુંદર લાગે છે, પણ મને આ બધાનો સ્વાદ કેમ સારો નથી લાગતો? મને તો એક બટેટા જ ભાવે છે...'
દાદાજી વિનયને સમજાવતા બોલ્યા-
'વિનય, શાકભાજીનો સ્વાદ અલગ- અલગ હોય, પરંતુ દરેકનું મહત્ત્વ ઘણું છે. આપણા શરીરની તંદુરસ્તી માટે બધાં શાકભાજી ખાવા જોઈએ.'
વિનય દાંત કકળાવી બોલ્યો.,.
'દાદાજી, બધાં શાકભાજી કેટલા અલગ અને વિચિત્ર સ્વાદના હોય મને તો એ ક્યારેય નથી ભાવતા!'
દાદાજી વિનયનો હાથ પકડી તેને બગીચામાં લઈ ગયા અને બધાં શાકભાજીનો પરિચય આપવા લાગ્યા,
'જો વિનય, આ ગાજર! તે જમીનની અંદર થાય છે, તેમાં વિટામિન 'એ' છે. ગાજર ખાવાથી તારી આંખો ચમકી ઊઠશે. રાત્રે અંધારામાં પણ તું વાઘ જેવો જોઈ શકીશ.'
વિનય આંખો મોટી કરીને કહે-
'સાચું દાદા? તો પછી હું રાત્રે પણ મોબાઈલ જોઈ શકુ?'
દાદા કહે -
'ના, બેટા, જો તું મોબાઈલ ને ટીવી વધારે જોયા કરીશ તો પછી ગાજર પણ તારી આંખો સારી નહીં કરી શકે, તેથી જો તારે આંખો ચમકદાર બનાવવી હોય તો ગાજર ખાવાના અને મોબાઈલ, ટી.વી ક્યારેક જ જોવાના.'
વિનય વિચારીને બોલ્યો-
'ભલે દાદા, હવે હું મોબાઈલ, ટી.વી વધુ નહીં જોઉં.'
'શાબાશ! બેટા, આ ટામેટાં જો, લાલ લાલ છે ને? તેમાં વિટામિન 'સી' છે. આનાથી તારી ત્વચા ગુલાબ જેવી ચમકશે.'
વિનય હસીને કહે-
'અરે! એટલે જ મમ્મી મને હંમેશા ટામેટાં ખાવાનું કહ્યા કરે છે.'
'આ રીંગણ છે, રીંગણામાં વિટામિન 'બી' અને ખનિજ તત્ત્વ હોય છે, તે લોહી શુદ્ધ કરે છે અને મગજને તંદુરસ્ત રાખે છે.'
વિનય નાક ચડાવી બોલ્યો-
'પણ દાદા, આ રીંગણ તો મને ગમે જ નહીં.'
દાદાએ આંખો પહોળી કરી -
'રીંગણ તો શાકભાજીનો રાજા છે, જો તું એને ખાઈશ તો તું ગણિતના મુશ્કેલ પ્રશ્નો પણ સહેલાઈથી ઉકેલી શકીશ.'
વિનય ચકિત થઈ બોલ્યો-
'વાહ! તો પછી મારે ચોક્કસ રીંગણ ખાવા પડશે.'
'અને આ કોબી છે, તેમાં વિટામિન 'કે', 'સી' અને ફાઇબર છે. તે તારી રોગપ્રતિકારક શક્તિ વધારશે... આ કૂણા- કૂણા ગુવારમાં વિટામિન 'એ' અને ફાઈબર છે, જે પેટને સ્વસ્થ રાખે છે.'
વિનય દાદાને ચીડવતો હોય તેમ બોલ્યો-
'તો દાદા, તમે તો રોજ ગુવાર ખાઓ છો ને? એટલે જ તમારું પેટ મજબૂત છે!'
દાદા હસીને બીજા શાકભાજી બતાવા લાગ્યા.
'આ વટાણા છે. તેમાં વિટામિન 'કે' અને વિટામિન 'બી' હોય છે,એ ઊર્જા આપે છે, હાડકાં મજબૂત બનાવે છે.'
વિનય ખુશ થઈ બોલ્યો-
'તો પછી હું વટાણા ખાઈને ક્રિકેટ રમવા જાઉં તો બાઉન્ડરી મારી શકીશ?'
દાદા હસીને બોલ્યા-
' હા, ચોક્કસ, આ જો બીટ છે તે પણ જમીનની અંદર થાય છે, એ લાલ-લાલ છે, તેમાં લોહતત્ત્વ અને વિટામિન 'બી-નાઈન' છે, જે તારા શરીરમાં લોહી વધારશે અને ચહેરાની લાલિમા વધારશે.'
'આ મૂળા જો, તે પણ ગાજરની જેમ જમીનની અંદર થાય છે, તેમાં વિટામિન 'સી' અને ખનિજ તત્ત્વ છે, જે પાચન સારું કરે છે અને ત્વચા ચમકાવે છે... આ પાલક છે. તેમાં વિટામીન 'સી' અને લોહતત્ત્વ છે, જે તારા લોહીને મજબૂત બનાવશે.'
વિનય હાથ બતાવી બોલ્યો-
'તો પછી મારી મસલ્સ પોપાય જેવાં થઈ જશે ને દાદા?'
દાદા હસીને કહે-
'હા, હા, બિલ્કુલ!'
'અને આ રહી મેથી , તેમાં લોહતત્ત્વ, કેલ્શિયમ અને વિટામિન 'કે' છે. તે શરીરમાં તાકાત અને ગરમી રાખે છે, ખાસ કરીને શિયાળામાં.'
વિનય બોલ્યો-
'મમ્મી વારંવાર મેથીનાં થેપલા બનાવે છે? હવે હું બે નહીં, ચાર ખાઈશ!'
દાદા આનંદથી બોલ્યા-
બહુ સારું, હવે તો તું સાચો શાકભાજીનો મિત્ર બની ગયો!'
વિનય ચારે તરફ નજર કરી પૂછ્યું-
'દાદાજી, મને ગમતા બટેટા કેમ નથી વાવ્યા? તેમાંથી પણ શક્તિ મળે ને?'
'હા, વિનય તારા મનપસંદ બટેટા તને રમવા માટે ઊર્જા આપશે, કેમ કે તેમાં કાર્બોહાઇડ્રેટ અને વિટામિન 'બી' છે, પરંતુ તેને રોજ ખાવાથી બીજા વિટામિનનો અભાવ રહી જાય, તેથી બધા શાકભાજી વારાફરથી અને તુ અનુસાર ખાવા જોઈએ. બટેટા આપણા વિસ્તારમાં સહેલાઈથી નથી ઊગતા, કારણ કે દરેક શાકભાજીને પોતાની જમીન અને વાતાવરણ જોઈએ, એટલે બટાટા નથી વાવ્યા, હવે શિયાળાની શરૂઆત થઈ છે, એટલે આ બધા શાકભાજીનો જાદુ દેખાશે, તેથી તારે રોજ અલગ- અલગ શાકભાજી ખાવાના. '
આમ, વિનયના દાદાએ એને શાકભાજીની સંપૂર્ણ જાણકારી આપી દીધી.
તડકો વધી જતા બન્ને ઘરે પહોંચી ગયા. વિનયનાં મમ્મીએ તેને નાસ્તામાં પાલખનાં પરોઠા આપ્યા ત્યારે વિનય ખુશી થઈને બોલ્યો-
'વાહ, મમ્મી, પાલખથી હું ખુબ તાકતવર બની જઈશ.'
વિનયની વાત સાંભળી તેના મમ્મી તો અચરજમાં પડી ગયા અને હસીને બોલ્યાં-
'લાગે છે, દાદાજીએ તને શાકભાજીનો જાદુ શીખવી દીધો!'
વિનય પણ હસ્યો અને બોલ્યો-
'હા મમ્મી, હવે હું રોજ અલગ-અલગ શાકભાજી ખાઈશ અને મોબાઈલ, ટી.વી ક્યારેક જ જોઈશ!'
વિનયની વાત સાંભળી બધાએ એને શાબાશી આપી અને વાડીની તાજી- તાજી પાલખનાં પરોઠા ખાવાનો આનંદ માણ્યો.


