Get The App

મોબાઈલની માયાજાળ .

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
મોબાઈલની માયાજાળ                                                    . 1 - image

- 'આ ફોન તો જાદુઈ લાગે છે. હવેથી આ ફોન મારો. આ ફોનમાંથી જેમ વાનગીઓ નીકળી તે જ રીતે રૂપિયા-પૈસા, ઘરેણાં અને અન્ય વસ્તુઓ પણ નીકળી શકશે.'

વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર

રાજપુર નામે એક શહેર. જેમાં અશોકભાઈ તેની પત્ની અનિતા અને પુત્ર આલોક સાથે રહે. અશોકભાઈ એક ઓફિસમાં કામ કરે.

એક દિવસ અશોકભાઈને ઓફિસેથી પાછા ફરતાં મોડું થઈ ગયું અને રાત પડી ગઈ. અશોકભાઈ સૂમસામ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને એક મોબાઈલની રિંગ સંભળાઈ. તેણે આજુબાજુ જોયું તો દૂર એક ઝાડ નીચે એક મોબાઈલ રણકતો હતો, જેની ફ્લેશ લાઈટ ઝબકારા મારતી હતી. અશોકભાઈએ વિચાર્યું, 'આવતીકાલે પોલીસ સ્ટેશને આ મોબાઈલ જમા કરાવી દઈશ.' તેઓ મોબાઈલ ઘરે લાવ્યા.

ઘરે આવીને અશોકભાઈ પોતાના રૂમમાં ફ્રેશ થવા માટે ગયા. ખિસ્સામાંથી મોબાઈલ ટેબલ પર મૂકતાં સ્ક્રીનને ટચ થતાં જ મોબાઈલ ઑન થઈ ગયો. તેમાં અવનવી વાનગીઓનાં વીડિયો આવી રહ્યા હતા. તેમનાથી ભૂલથી મોબાઈલ પર ટેપ થઈ જતાં તેમાંથી પીઝા, પાસ્તા, પાંઉંભાજી, ઇડલી-વડા જેવી વાનગીઓના થાળ નીકળવા માંડયા! 

અવાજ સાંભળીને અનિતા દોડીને રૂમમાં આવી અને આશ્ચર્યથી અશોકભાઈને બધું પૂછવા લાગી.

અશોકભાઈએ પત્નીને બધી વાત કરી અને કહ્યું કે, 'આ ફોન ગરબડ લાગે છે. લાવ, તેને હું દૂર ફેંકી આવું.' 

પણ અનિતા બહુ લાલચુ અને ચતુર સ્ત્રી હતી. તે ખૂબ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, 'આ ફોન તો જાદુઈ લાગે છે. હવેથી આ ફોન મારો. આ ફોનમાંથી જેમ વાનગીઓ નીકળી તે જ રીતે રૂપિયા-પૈસા, ઘરેણાં અને અન્ય વસ્તુઓ પણ નીકળી શકશે.'

અશોકભાઈએ તેને ઘણી સમજાવી પણ તે ન માની. તેણે મોબાઈલમાંથી અવનવાં ઘરેણાં, મોંઘીદાટ સાડીઓ, પુત્ર આલોક માટે કપડાં-રમકડાં મેળવ્યાં. એટલું જ નહીં, આલીશાન બંગલો અને નવી કાર પણ મોબાઈલમાંથી મેળવ્યાં.

ત્યારબાદ ફોન કબાટમાં મૂકી, મોંઘીદાટ સાડી અને ભારેખમ ઘરેણાં પહેરીને તે પડોશમાં અમીરીનું પ્રદર્શન કરવા ગઈ. બધા તેને પૂછવા લાગ્યા કે, 'તમારું આમ અચાનક અમીર થઈ જવાનું કારણ શું?' પણ અનિતાએ મોબાઈલ વિશે કોઈને કશું કહ્યું નહીં. એ ગોળ-ગોળ જવાબ આપીને ઘરે આવી ગઈ.

પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને તેને ખૂબ આઘાત લાગ્યો. આલોક હાથમાં જાદુઈ મોબાઈલ પકડીને, ધૂ્રજતો-ધૂ્રજતો ઘરની બહાર ઊભો હતો. ઘરની અંદરના ઓરડામાંથી એક સિંહની ગર્જનાઓ સંભળાતી હતી. અનિતાએ દીકરાને પૂછ્યું, 'આ બધું શું છે?' ત્યારે આલોક રડતાં-રડતાં બોલ્યો, 'મમ્મી, હું પ્રાણીઓનાં કરતબ વિશે વીડિયો જોતો હતો, તેમાંથી આ સિંહ કૂદીને બહાર આવી ગયો. અને મેં રૂમ બંધ કરી દીધો.''

અંદર ગુસ્સે ભરાયેલો સિંહ પંજા મારી-મારીને દરવાજો તોડવાની કોશિશ કરી રહ્યો હતો. અનિતાએ તરત જ ફોન કરીને પોતાનાં પતિને બોલાવી લીધાં. અશોકભાઈએ આવીને ગુસ્સાથી કહ્યું, 'તને આ ફોન વાપરવાની મેં ના પાડી હતીને, હવે જોઈ લે પરિણામ!'

ત્યાં તો પેલો સિંહ દરવાજો તોડીને બહાર આવી ગયા. અશોકભાઈને કશું ન સૂઝતાં તેણે દીકરાના હાથમાંથી મોબાઈલ લઈને તેને સ્વિચ ઓફ કરી દીધો. તે સાથે જ સિંહ પણ ગાયબ થઈ ગયો અને સાથે-સાથે બધી જાદુઈ વસ્તુઓ પણ અદ્રશ્ય થઈ ગઈ!

હવે અનિતાને પારાવાર પસ્તાવો થયો. તેણે અશોકભાઈની માફી માગી. અશોકભાઈ પેલા મોબાઈલને દૂર એક ઊંડો ખાડો ખોદીને દાટી આવ્યા... અને આ રીતે સૌ માયાવી મોબાઈલની મોહજાળમાંથી મુક્ત થયા.