- એક દિવસ ભોલુને એક સરસ મજાનો વિચાર આવ્યો- 'હવે મારો દોસ્ત ફુગ્ગો મોટો થઈ ગયો છે! ચાલો હવે એનાં લગ્ન કરીએ!'
- કિરીટ ગોસ્વામી
ભો લુએ એક વખત સરસ મજાનો ફુગ્ગો લીધો. એ ફુગ્ગો, એને ખૂબ ગમી ગયો. આખો દિવસ ફુગ્ગાને પોતાની સાથે જ રાખે.
ફુગ્ગો તો મસ્ત, ગોળમટોળ ફાંદવાળો અને એ ફાંદ પર પાછાં રંગબિરંગી ટપકાં! આવો સરસ ફુગ્ગો જોઇને ભોલુ તો ખૂબ હરખાય અને એના માટે ગીત ગાય...
'મારો રંગબિરંગી યાર...
ફુગ્ગો ફાંદાળો!
એની ફાંદે ટપકાં હજાર...
ફુગ્ગો ફાંદાળો!
એ તો હવાના લાડુ ખાય...
ફુગ્ગો ફાંદાળો!
એ તો ઝટથી તેડાઇ જાય...
ફુગ્ગો ફાંદાળો!
એને આકાશે હું છોડું...
ફુગ્ગો ફાંદાળો!
એની પાછળ-પાછળ દોડું...
ફુગ્ગો ફાંદાળો!
એનો દડો બનાવી રમું...
ફુગ્ગો ફાંદાળો!
મારી જેમ જ, એનેય હું ગમું..
ફુગ્ગો ફાંદાળો!
એની સાથે પડે બહુ મોજ...
ફુગ્ગો ફાંદાળો!
એને વ્હાલ કરું દરરોજ...
ફુગ્ગો ફાંદાળો!'
આમ, ભોલુ તો ફુગ્ગાને ખૂબ લાડ લડાવે અને રાજી થાય. ફુગ્ગો એનો બેસ્ટફ્રેન્ડ બની ગયો! જ્યાં જાય ત્યાં ફુગ્ગો તો સાથે જ હોય! બધાંય ફ્રેન્ડસને પણ ભોલુ અને ફુગ્ગાની દોસ્તીની ખબર પડી ગઇ. બધાંય આ દોસ્તીથી ખૂબ રાજી હતા.
દિવસો વીતવા લાગ્યા. એક દિવસ ભોલુને એક સરસ મજાનો વિચાર આવ્યો- 'હવે મારો દોસ્ત ફુગ્ગો મોટો થઈ ગયો છે! ચાલો હવે એનાં લગ્ન કરીએ!'
... અને પછી તરત આ વિચાર, તેણે તેના બધાંય ફ્રેન્ડસને કહ્યો. બધાએ તેના આ વિચારને આનંદથી આવકારી લીધો!
બધાને ફુગ્ગાનાં લગ્ન થાય એ વાત ખૂબ ગમી.
રાજુએ ભોલુને કહ્યું- 'તો પછી મારી પાસે મસ્ત પિપૂડી છે તે એની સાથે જ તારા ફુગ્ગાનાં લગ્ન કરીએ! બોલ,મંજૂર?'
'હા,હા,મંજૂર!' ભોલુએ હરખભેર રાજુની વાત સ્વીકારી લીધી અને પિપૂડી સાથે ફુગ્ગાનાં લગ્ન નક્કી કરી નાખ્યા!
લગ્નનો દિવસ આવી ગયો. ભોલુએ હરખે-હરખે ફુગ્ગાને સરસ મજાનો તૈયાર કર્યો. બધાંય ફ્રેન્ડસ ભેગા થયા.
ભોલુએ ગીત ઉપાડયું..
'ચાલો ને છોકરાંવ,
ફુગ્ગાની જાનમાં!
ફુગ્ગાનાં ગીત ગાવ,
ફુગ્ગાની જાનમાં!
કોણ-કોણ આવશે,
ફુગ્ગાની જાનમાં?
પીન્ટુડો આવશે,
ફુગ્ગાની જાનમાં!
કોણ-કોણ નાચશે,
ફુગ્ગાની જાનમાં?
ચિન્ટુડો નાચશે,
ફુગ્ગાની જાનમાં!
બોલો, શું જમશું,
ફુગ્ગાની જાનમાં?
રસગુલ્લા જમશું,
ફુગ્ગાની જાનમાં!
માભો બહુ પાડીએ,
ફુગ્ગાની જાનમાં?
સાફો લગાવીએ,
ફુગ્ગાની જાનમાં!
આભલે ઉડીએ,
ફુગ્ગાની જાનમાં!
મજા ખૂબ લૂંટીએ,
ફુગ્ગાની જાનમાં!'
...ને પછી એમ વાજતે-ગાજતે ફુગ્ગાની જાન, પિપૂડીના માંડવે પહોંચી અને ધામધૂમથી ફુગ્ગાનાં લગ્ન થયાં.
ભોલુ પણ રાજી,ફુગ્ગો પણ ખૂબ રાજી અને બધા ફ્રેન્ડસ પણ રાજી!


