Get The App

ખલી ખિસકોલીની શિખામણ .

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ખલી ખિસકોલીની શિખામણ                            . 1 - image

- 'આપણે થર્ટીફર્સ્ટ ડિસેમ્બરે કેટલી સરસ પાર્ટી કરી હતી. પછી આપણે ઉતરાણ પર મસ્ત પતંગો ચગાવ્યા. નવા વરસનો આ હજુ પહેલો જ મહિનો છે. આ વર્ષે આપણે ઘણું બધું નવું નવું કરવાનું છે.'

મધુરવનમા આજે ખૂબ ચહલપહલ હતી. છોગાળો સસલો અને ભીનો કાચબો જંગલને શણગારી રહ્યાં હતાં. કુકુ કોયલ અને કાળુ કાગડો ગીત ગાવાની તૈયારી કરી રહ્યાં હતાં. જંગલનો રાજા કેસરી  જંગલમાં તૈયારી કેવી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા નીકળ્યો હતો. ત્યાં તેના કાને એક અવાજ અથડાયો. એ એક ઝાડની પાછળ છુપાઈને ઊભો રહી ગયો.

તેણે જોયું તો કલ્લુ વાઘ એક પથ્થર પર ઉદાસ થઈને બેઠો હતો અને ખલી ખિસકોલી તેની આજુબાજુ ઉછળકૂદ કરતી હતી. કલ્લુ વાઘના ખભા પર બેસીને એ બોલી, 'કેમ કલ્લુદાદા, આજે તમે આમ ઉદાસ કેમ બેઠા છો? હમણાં જ સૌએ નવું વર્ષ બેઠું, આપણે ઉત્તરાયણ ઉજવી. જુઓ બધાં પ્રાણીઓ કેવાં ખુશ છે. ..'

'ખલી, હું વિચારી રહ્યો છું કે ગયું આખું વરસ વીતી ગયું, આ વર્ષનાં પણ પહેલાં ત્રણ અઠવાડિયાં હમણાં પૂરાં થઈ જશે, પણ હું મારી આળસ છોડી શક્યો નથી. મારો ગુસ્સો તો સાતમા આસમાને રહ્યો. મારે બધાં જ પ્રાણીઓ સાથે હળીમળીને રહેવું છે, પણ એ હું કરી શક્યો નહીં. એનું દુખ છે.'

ખલી હસતાં હસતાં બોલી, 'બસ, આટલી જ વાત છે? એમાં તમે ઉદાસ થઈ ગયા? જુઓ, જૂના વરસનાં પાનાં તો ભરાઈ ગયાં. હવે એમાં કંઈ બદલી શકાશે નહીં. આપણે ગયા વર્ષની ભૂલો પર રડવાને બદલે તેમાંથી શીખ લેવી જોઈએ અને નવા વર્ષનાં કોરા પાનાં પર નવી શરૂઆત કરવી જોઈએ.'

ખલીની વાત સાંભળીને સાવજ કેસરી ઝાડ પાછળથી બહાર નીકળતા બોલ્યો, 'અરે, ખલીબેન તમે તો નાનાં છો, પણ ખૂબ જ સમજદારીભરી વાતો કરો છો. આ વાત તો ઘણાં બધાં પ્રાણીઓને ઉપયોગી થશે. ચાલો, આપણે અત્યારે જે સભા ભરાઈ છે ત્યાં આ વાત કરીએ.'

'હા, ચાલોને કેસરીદાદા, આપણે બધાં ત્યાં જઈએ,' ખલી ખિસકોલી ઉછળકૂદ કરતી બોલી.

કલ્લુ વાઘ અને ખલી ખિસકોલી સભામાં પહોંચી ગયાં. સાવજ કેસરી બોલ્યો, 'નવું વરસ થઈ ચૂક્યું છે. આપણે થર્ટીફર્સ્ટ ડિસેમ્બરે કેટલી સરસ પાર્ટી કરી હતી. પછી આપણે ઉતરાણ પર મસ્ત પતંગો ચગાવ્યા. નવા વરસનો આ હજુ પહેલો જ મહિનો છે. આ વર્ષે આપણે ઘણું બધું નવું નવું કરવાનું છે. વીતેલા વરસમાંથી આપણે ઘણું શીખવાનું છે. ખલીબેન તેની વાત કરશે.'

ખલીબેન ગળું ખંખારીને વાતની શરૂઆત કરી, 'જુઓ, આજે આપણે બધા મજા અને મસ્તી કરવા ભેગાં થયાં છીએ એટલે સાવ ટૂંકમાં મારી વાત પૂરી કરીશ. પાન ખરી પડયાં છે. તે પાછાં આવતાં નથી, પણ જે નવી કૂંપળ ફૂટે છે તેનો આનંદ માણીએ. જે ભૂલો થઈ છે તે સ્વીકારીને માફી માગી લઈએ ને નવી શરૂઆત કરીએ. નવું વર્ષ બધી નવી નવી તકો લઈને આવ્યું છે. હજુય આપણામાંથી ઘણાં પ્રાણીઓને અફસોસ છે કે નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો તો પણ તેમનામાં કશું પરિવર્તન આવ્યું નથી. આપણે અફસોસ કરવાને બદલે જાગૃત થઈ જઈએ અને નવી ટેવો, સારી ટેવો પાડીએ.'

બધાએ ખલીબેનની વાતને તાળી પાડીને વધાવી લીધી. સાવજ કેસરી બોલ્યા, 'અંધકારને પકડી રાખવાથી પ્રકાશ નહીં દેખાય. જૂની ભૂલોમાંથી શીખીને આ વર્ષમાં ઉત્સાહપૂર્વક જીવીએ ને આગળ વધીએ.'

આ વાત સાંભળતાં મધુરવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયું.