સહુથી છેલ્લી ચીની .
- સહુથી પહેલો સૂરજ ઉગે છે, સહુથી પહેલો કૂકડો સહુથી પહેલાં ઉઠે સવારે, પાળે સોનાનો ટુકડો આજે છેલ્લા ભલે ને રહેતાં, થઇ જાશે તે પહેલાં જાગી ઉઠે, દોડ લગાવે, ઉડવા લાગે જે પહેલાં
- જેને પહેલાં રહેવું હોય તે ભલે ને દોડે પહેલાં...
- આપણાં નાના ચીનીબેન તો કદી ન ઊઠે વહેલાં...
- હરીશ નાયક
બિચારી ચીની! ઘરમાં એનો નંબર છેલ્લો હતો એટલે કદી એને પહેલું સ્થાન ન મળતું. તેને પહેલાં આવવાની જબરી હોંશ હતી. પણ તેના ત્રણ મોટાં ભાઈ-બહેનો હંમેશાં આગળ જ હોય.
તેનું નામ કંઇ ચીની ન હતું, પણ દેખાવમાં તે જરાક ચીની જેવી હતી અને નાની હતી એટલે નીચી પણ લાગતી. ઘરનાં બધાં તેને નીચી-ચીની ચીની-નીચી કહીને બોલાવતાં. એ ગમ્મતમાંથી તેનું નામ ચીની જ પડી ગયું. ચીની પહેલીવાર શાળાએ જઇને આવી તો ગીત શીખી લાવી. તે મોટી બડાસ હાંકીને કહેવા લાગી: 'જો મા! મને ગીત આવડે છે' તે ગાવા લાગી-
ઓ ઇશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ,
ગુણ તારા નીત ગાઈએ થાય અમારાં કામ.'
હજી તે ગીત ગાઈ રહે તે પહેલાં જ તેની મોટી બહેન બોલી ઉઠી: 'ઓહો! એ ગીત તો મેં જ પહેલું ગાયું હતું. હું તારા કરતાં ય નાની હતી ત્યારે એ ગીત મને આવડતું હતું. હેં ને મમ્મી!'
ચીની બિચારી નિરાશ થઇ જતી: અરેરે! આ ગીત પણ લોકો ગાઈ ગયા છે. મારો ક્યાંય નંબર પહેલો નહીં.
એક દિવસ તેણે રેતીનું મંદિર બનાવ્યું. તેના મનમાં કે મંદિર બનાવવામાં તે પહેલી હશે. પણ તેના ત્રણે ભાઈ બેન બોલી ઊઠયાં: 'ઓહો! એમાં શું? અમે તો એથીય મોટો મંદિર બનાવ્યાં છે અને ઉપર ધજા પણ ફરકાવી છે.'
ચાલો. ચીની ત્યાં પણ પહેલી નહીં.
તે ઘણી મોટી થઈ ત્યાં સુધી શીશીથી દૂધ પીતી હતી. ધીરે ધીરે તે વાડકીએથી દૂધ પીતી થઇ ગઈ. જ્યારે એ રીતે તેણે દૂધ પીધું ત્યારે તેને લાગ્યું કે તે જ પહેલી હશે. પણ ત્યાં જ એની બહેન ટીની બોલી ઊઠી: 'વાડકી દૂધ પીનાર તો હું જ પહેલી છું. તારા કરતાં કંઇ કેટલીય વહેલી હું વાડકીથી દૂધ પીતી થઇ ગઈ હતી, જો આમ.'
એમ કહી એનાથી થોડીક જ મોટી ટીની વાડકીનું દૂધ ગટગટાવી ગઈ.
ચીનીના દુ:ખનો તો પાર નહીં. એવું કયું કામ તે કરે કે જેથી તે પહેલી બની રહે?
પહેલાં આવવાનું ખરેખર અઘરું છે.
તેણે પહેલે પગથિયેથી ભૂસકો માર્યો. પછી બીજે પગથિયેથી. ત્રીજે પગથિયેથી ભૂસકો માર્યા બાદ તે રાજી થઈ. તે બધાંને કહેવા લાગી: 'આટલે ઊંચેથી ભૂસ્કો મારનાર હું જ પહેલી છું, બોલો.'
તેનો મોટો ભાઈ બોઘો આવીને કહે: 'ત્રીજા પગથિયેથી કૂદે છે તેમાંશી મોટી વાત? હું તારા જેવડો હતો ત્યારે ઓટલા પરથી આમ કૂદી જતો હતો.'
તેણે કૂદી બતાવ્યું.
'અને હવે તો ઠેઠ આટલેથી કૂદવામાંય હું પહેલો છું.' કહીને તેણે બારી પર ચઢીને નીચે ભૂસકો માર્યો.
લો, બોઘો પણ તેનાથી પહેલો જ નીકળી ગયો.
ચીની પોતાની ચિંતા કોને કહે?
તેણે માને એ વાત કહી તો મા હસવા લાગી. મમ્મી કહે: 'જે મોટા હોય તે જ પહેલાં હોય ને વળી!'
ચીનીએ પપ્પાને ફરિયાદ કરી: 'હું કોઈ પણ કામ પહેલું ન જ કરી શકું?'
પપ્પા ટ્રક ડ્રાઈવર હતા. લોકોનો સમાન તે એક શહેરમાંથી બીજા શહેરમાં લઇ જવાનું કામ કરતા.
તેઓ કહે: 'બેટા! તારી તકલીફ હું સમજી શકું છું. મારા ઘરમાં મારો નંબર છઠ્ઠો હતો. સદાય હું છઠ્ઠો જ રહ્યો છું. કદી હું પહેલો નથી આવ્યો. ચાલ, હું તને આજે મારી ટ્રકમાં ફરવા લઇ જાઉં.'
ચીની પિતા સાથે ટ્રકમાં ફરવા નીકળી. તે બહુ રાજી થઇ ગઈ. પૂછવા લાગી: 'પપ્પા! આપની સાથે ટ્રકમાં ફરવા તો હું જ પહેલી આવું છું ને?'
'ના રે બેટા!' પપ્પાએ કહ્યું: 'તારા જેવડા હતા ત્યારે બોઘો, ટીની, પિંકી બધાંય આવી ચૂક્યાં છે. અરે, તારી મા પણ ઘણી વખત ફરી ચૂકી છે.'
ચીનીને આ ન ગમ્યું. તેણે પૂછ્યું: 'પપ્પા! હું એવું કુયં કામ કરું કે જેથી હું જ પહેલી આવું. એ કામ મેં જ કર્યું હોય, બીજા કોઇએ નહીં.'
એક પક્ષી તરફ આંગળી બતાવી પપ્પાજી કહે: 'તું જો ઊડવા લાગે તો એવી તું જ પહેલી છોકરી હોઈ શકે!'
લો, ચીનીને તો ઊડવાનાં સપનાં આવવા લાગ્યાં. હા વળી, હજી સુધી કોઈ ઊડતી છોકરી જોઈ નથી. બોઘો, ટીની, પિંકી તો કદી નથી ઊડયા, કદી નહીં.
પણ એ રીતે ઉડાય કેવી રીતે?
તે રોજ પપ્પાને કહેવા લાગી: 'મારે ઊડવું છે, મારે ઊડવું છે.'
ચીનીનું નસીબ કહો કે એક વખત તેને એ લાભ મળી જ ગયો. વાત એવી બની કે કંપનીની ચાલુ ટ્રક સાવ જૂની થઇ ગઈ હતી. કંપની એક નવી ટ્રક લેવા માગતી હતી. તેવામાં કંપનીને વિદેશનું મોટું કામ મળી ગયું.
જહાજમાંથી ઉતરતો કીમતી સામાન તાબડતોડ લઇ આવવાનો હતો. વિલંબ જરા પણ ચાલે તેવો ન હતો. જો એ સામાન સાચવીને વહેલો લાવવામાં આવે તો કંપનીને ઘણો મોટો ફાયદો થતો હતો.
સાહેબે પપ્પાને કહ્યું: 'તમે અત્યારે જ વિમાનમાં ઉપડી જાવ. મુંબઇ કંપનીએ આપણે માટે નવી ટ્રક તૈયાર રાખી છે. એ ટ્રક લઇ તમે બંદરે પહોંચો. જહાંજમાંનો સામાન સાચવીને ટ્રકમાં ભરી દો અને વહેલી તકે સામાન અહીં લઇ આવો. આપણે એ સામાન સમયસર પહોંચાડીશું તો જલસા થઇ જશે, જલસા.'
પપ્પાજી કહે: 'સાહેબ! એક અરજ છે. મારી નાની છોકરીને સાથે લઇ જાઉં? એના પૈસા તમે મારા પગારમાંથી કાપજો. બિચારી ચીનીને ઊડવાનું બહુ જ મન છે.'
સાહેબ નવા વેપારની ખુશીમાં હતા. તેઓ કહે: 'ભલે લઇ જાવ.'
પપ્પાજીએ તો આવીને ચીનીને ઝટપટ તૈયાર કરી. કહ્યું કંઇ જ નહીં. વિમાન મથકે પહોંચીને બંને જ્યારે વિમાનમાં બેઠા ત્યારે જ ચીનીને પોતાની સફરનો ખ્યાલ આવ્યો.
અને ગૂં ઉં ઉં ઉં... એ ઇ લો અલ્યા આ વિમાન તો ઉડવા પણ લાગ્યું. દોડતાં વાદળો અને દોડતું આકાશ. ચીની તો નીચે જુએ અને આજુબાજુ જુએ. તે સાચે જ ઉડતી હતી.
તેણે પપ્પાને પૂછ્યું: 'પપ્પાજી! બોઘો, ટીની, પિંકી કોઈ આ રીતે ઉડયાં છે ખરા?'
પપ્પા કહે: 'ના રે બેટા, કોઈ તો શું, હું પણ કદી નથી ઉડયો. આવું કામ જ મને આજે પહેલું મળ્યું.'
'ત્યારે તો તમે પહેલાં અને હું પણ પહેલી.'
ચીની રાજી થઇ થઇને બોલવા લાગી. ગાવા લાગી.
મુંબઇથી તેમણે નવી ટ્રક લીધી. નવી ટ્રકમાં નવો સામાન ભર્યો અને મારતી ટ્રકે તેઓ પાછા અમદાવાદ આવી પહોંચ્યા.
ઘેર પહોંચતાં જ ચીની બધાને કહેવા લાગી: 'હું પહેલી ઊડી, હું પહેલી ઊડી.'
પપ્પા કહે: 'હું નહીં કે?'
ચીની કહે: 'બોઘા, ટીની, પિંકી! સાંભળો. હું આકાશમાં પહેલી ઉડી અને નવી ટ્રકમાં પણ પહેલી જ બેઠી.'
હંમેશાં પહેલાં રહેતાં બોઘો, ટીની, પિંકી, શું બોલે? સો દિવસ બોઘા, ટીની, પિંકીના હોય તો એક દિવસ ચીનીનો પણ હોય. ખરો કે નહીંં?
સહુથી પહેલો સૂરજ ઊગે છે, સહુથી પહેલો કૂકડો
સહુથી પહેલાં ઉઠે સવારે, પામે સોનાનો ટુકડો.