માણસનો સૌથી મોટો અવયવ ચામડી .
મનુષ્યના શરીરમાં હૃદય, ફેફસાં, કિડની વગેરે અવયવો પોતપોતાના અલગ તંત્રમાં રહીને એકબીજા સાથે સુમેળ રાખી કામ કરે છે. શરીરની ચામડી એ બાહ્ય આવરણ તો છે જ પણ આંતરિક અવયવ જેવું જ કામ કરે છે. ચામડીને ત્રણ પડ હોય છે. સૌથી ઉપલા પડમાં કેરાટિનોસાઈટ્સ કોશ ોહોય છે. આ આવરણ રૃવાંટી, વાળ, નખ અને મૃત કોશોને બહાર ધકેલવાનું કામ કરે છે. ઉપલું પડ જાડું હોય છે. તે સ્થિતિસ્થાપક હોય છે અને બહારના રજકણો વગેરેથી રક્ષણ આપે છે. ચામડીના બીજા આવરણમાં રક્તવાહિની અને જ્ઞાનતંતુઓ હોય છે. આ પડ ગરમી, ઠંડી અને સ્પર્શનું જ્ઞાન કરાવે છે. આ પડમાં પ્રસ્વેદગ્રંથિઓ પરસેવો ઉત્પન્ન કરી શરીરનું તાપમાન જાળવી રાખે છે. ચામડી આવી જટિલ રચના ધરાવતી હોય છતાં આપણા હાથ પગ અને અન્ય અંગોને હલનચલન સરળતાથી થાય તેટલી સ્થિતિસ્થાપક પણ છે. ચામડીના એક ચોરસ ઇંચ વિસ્તારમાં આવેલી રક્તવાહિનીઓની કુલ લંબાઈ લગભગ ૨૫ ફૂટ થાય. ચામડી શરીરનો સૌથી મોટો અવયવ છે. પુખ્ત ઉંમરના માણસની ચામડીનો વિસ્તાર લગભગ ૨૦ ચોરસફૂટ થાય. ચામડીમાં મેલાનીન નામનું દ્રવ્ય તેને રંગ આપે છે. આ દ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે. વધુ સૂર્યપ્રકાશવાળા ગરમ પ્રદેશોમાં રહેતા લોકોમાં આ દ્રવ્ય વધુ હોય છે એટલે તેમની ચામડી કાળી હોય છે. ઠંડા પ્રદેશમાં રહેતા લોકોની ચામડી ગોરી હોય છે.