- હજૂરિયા આસપાસ હાજર હતા. રાજાજીને રીંગણ ભાવ્યાં, રાજી થઈને એમણે એ ખાધાં ને વખાણ્યાં ય ખરાં. હજૂરિયાઓએ પણ રીંગણની વાહવાહ કરવા માંડી. એક કહે, ''રાજાજી, રીંગણ એટલે બસ રીંગણ. એના જેવું બીજું એકે શાક નહિ.''
- હરીશ નાયક
જૂના જમાનાની આ વાત છે.
એક હતા રાજા. રાજાને રીંગણાં બહુ ભાવે, ભાવે બહુ તોય કોઈ રાજાને આપે નહિ. રાજાથી તે વળી રીંગણ ખવાય? એમને તો પરવળ ને વટાણા, વાલોળ ને તુવેર ને એવાં સારાં સારાં શાક જ ખવાય. એક દિવસ થયું એવું કે રસોડામાં નવો રસોઇયો આવેલો. એને બિચારાને આવી કશી ખબર નહિ. એણે તો રીંગણનું ચટાકેદાર ભડથું બનાવ્યું ને રાજાની થાળીમાં પીરસ્યું. રાજાને તો એ ભાવતું જ હતું. એમને તો ભાવતું ભોજન મળી ગયું. રાજા થઈ ગયા રાજી રાજી. વખાણ કરતાં જાય ને ખાતા જાય. ભાઈ, ખાવા જેવી જો કોઈ ચીજ હોય તો તે આ રીંગણ ને રીંગણનું ભડથું.
હજૂરિયા આસપાસ હાજર હતા. રાજાજીને રીંગણ ભાવ્યાં, રાજી થઈને એમણે એ ખાધાં ને વખાણ્યાંય ખરાં. હજૂરિયાઓએ પણ રીંગણની વાહવાહ કરવા માંડી. એક કહે, ''રાજાજી, રીંગણ એટલે બસ રીંગણ. એના જેવું બીજું એકે શાક નહિ.''
બીજો કહે : ''હાસ્તો વળી. રીંગણ એ તો શાકનો રાજા. બધાં શાકમાં એકમાત્ર વાહવાહ એની જ.''
ત્રીજો કહે : ''અરે એનો રંગ તો કમાલ! પરવળ કે ટીંડોરાનો રંગ એવો નહિ.''
ચોથો કહે : ''અરે રંગની જ ખૂબી છે એવું નથી. એના જેવો ઘાટ, એના જેવું રૂપ બીજે હોય તો બતાવો.''
પાંચમો કહે : ''અને એનો સ્વાદ! પૂછો ના વાત.''
''અરે એનું તો ડીંટું પણ રૂપાળું. શ્યામ રંગ રીંગણનો ને લીલો રંગ ડીંટાનો. જુઓ તો કેવાં શોભે છે!'' પહેલા હજૂરિયાએ કહ્યું : વળી બીજો કહે, ''શી એમાં લિજ્જત! ગુણમાંય પાછાં ગુણકારી. ખાઓ ને ખેલો.''
રાજાને રીંગણાં ભાવ્યાની વાત પછી તો બધે પ્રસરી ગઈ. દરબારમાં એનાં વખાણ થયાં. દરબારની ચર્ચા નગરમાં પહોંચી, શેરીએ પહોંચી, પાદર-ખેતર-વાડી બધે જ બસ રીંગણ વખણાય. રાજાને રીંગણ ભાવે એટલે પછી સહુને ભાવવા માંડે! રીંગણનું વાવેતર વધ્યું, રીંગણનો પાક વધ્યો. બજારમાં ઢગલેઢગલા રીંગણ આવે. પણ હવે બધા રીંગણનો ભાવ માગે. રાજાને ભાવે છે, રાજા ખાય છે એટલે એ સસ્તું હોય નહિ. રીંગણના ભાવ ઊંચા ગયા. મોંઘાં તોય લોકો રીંગણ તો ખરીદે અને ખાય.
હવે તો રાજાજીને રસોડે રોજ રીંગણનું શાક થાય. કોઈ દહાડો ઓળો કરે, કોઈ દહાડો રવૈયાં. થોડો સમય તો રાજાજીએ હોંશે હોંશે ખાધું, પણ પછી એમને એક દિવસ થયું કે આ શું? રોજ રીંગણાં, રોજ રીંગણાં! આ તે કંઈ વાત છે? રોજ તે કંઈ ભાવતાં હશે રીંગણ? એક દિવસ રાજાજી જમવા બેઠા. થાળીમાં રીંગણાંનું શાક આવ્યું. રાજા કહે, ''છી છી છી! આ શું? રીંગણાંનું તે કંઈ શાક છે? એના દીદાર તો જુઓ. જરા સમજો તો ખરા. રાજાની થાળીમાં તે વળી રીંગણાં હોતાં હશે?''
હજૂરિયાઓ તો હાજર જ હતા. રીંગણાંવાળી થાળી લઈ લીધી. બીજી નવી થાળી મુકાઈ ને નવેસરથી ભાવતાં ભોજન પીરસાયાં. એક હજૂરિયો કહે : ''અક્કલ વગરના લોક. રીંગણાંનું તે કંઈ શાક થાય? ને થાય તોય તે રાજાજીની થાળીમાં પીરસાય?''
બીજો કહે : ''એનો રંગ તો જુઓ. કાળો કાળો મેંશ.''
ત્રીજો કહે : ''રંગ કાળો ને પાછો ઘાટેય એવો કે દીઠોય ગમે નહિ એવો.''
ચોથો કહે : ''ને સ્વાદ એનો ચરકો. મોઢામાંય ન પેસે. ના ના, આ શાક તે ખવાતુું હશે!''
પાંચમો કહે : ''નહિ રૂપ, નહિ રંગ, નહિ સ્વાદ....બસ એમ જ રીંગણ! એ તે વળી ખવાતું હશે?''
પછી તો રાજાજીને રસોડે રીંગણ આવતાં બંધ થઈ ગયાં. બીજે દિવસે વાત દરબારમાં પહોંચી. રાજાજીને રીંગણ ભાવ્યાં નહિ. રાજાજીએ રીંગણ ખાધાં નહિ.
રીંગણ તે કંઈ ખાવા જેવું શાક છે? લોકોમાં વાત ચાલી. વાત ગામમાં ગઈ. ગામની શેરીઓમાં ગઈ. ખેતર-પાદર-વાડી બધે વાત પહોંચતાં વાર ન લાગી. રીંગણ તે કંઈ ખવાય? એનું તે કંઈ શાક થાય?
કોઈ રીંગણ ખરીદે જ નહિ. રીંગણના ઢગલેઢગલા, પણ કોઈ ભાવેય ન પૂછે. રીંગણના ભાવ ગગડી ગયા. મફતના ભાવે વેચાય પણ કોઈ લે નહિ. જે ખેડૂતોએ વાડીમાં રીંગણ વાવ્યાં હતાં તે રોવા લાગ્યા. એમનું તો વરસ નકામું ગયું. રીંગણ ઢોરને ખવડાવી દેવા પડયાં.


