ધરતીનું વાજિંત્ર સ્વર્ગનું ગાન .
- રાવણ જાગી ઊઠયો. જઈને જોયું તો યુદ્ધ જામ્યું હતું. એક બાજુ ચાંદલો હતો, બીજી બાજુ હતા બે વરુ.વરુ ઘેટાંઓ તરફ આગળ વધતાં હતાં. ચાંદલો તેમને આગળ વધવા દેતો ન હતો. તેમાંથી જામી હતી લડાઈ.
- રાવણ! આ ઘોડું નથી, દેવનો દીકરો છે
- એનો રુઆબ જુદો, એની હણહણાટી જુદી
- જઈને જુએ છે તો ઘોડાનું એક બચ્ચું. રૂપ તો જાણે ચાંદલો જોઈ લો. હા, તે રાતના ચાંદલો ન હતો. આકાશમાંથી જાણે ચાંદલો જ ધરતી પર આવી પડયો હતો.
એ ક દિવસ બહાર એક ગાયક આવ્યો. તેના હાથમાં રાવણહથ્થો હતો. એ વાજિંત્ર ઉપર તે મધુરું તાન છેડી સરસ મજાની ગીતકથાઓ કહેતો હતો.
બાળકો ટોળે વળ્યાં હતાં. ગાયકની ગાનકથાઓ ખૂટતી જ ન હતી. તેણે સુંદર રાગ આલાપીને વનરાજ ચાવડાની વાત કહી અને સિદ્ધારાજ જયસિંહની વાત કહી, કાદુ મકરાણીની વાત કહી અને રાણી મિનળદેવીની વાત કહી, રા'ખેંગારની વાત કહી અને રા'નવઘણની વાત કહી; જસમા ઓડણની વાત કહી અને શેણી વિજાણંદની વાત કહી.
તેની વાતો ખૂટતી જ ન હતી. જેવી હલકથી તે ગાતો હતો, એવી જ હલકથી તે રાવણહથ્થો વગાડતો હતો. ગાન અને તાન બંને એવાં એક થઈ જતાં કે સામે દ્રશ્યો ખડાં થતાં. વાર્તા ચિત્રપટની જેમ સામે ભજવાતી નજરે પડતી.
એકાએક મારી નજર એના રાવણહથ્થા ઉપર પડી. રાવણહથ્થાના ઉપરના ભાગ પર ઘોડાનું મોઢું હતું. એટલે કે ઉપરનો ભાગ ઘોડાના મોઢાના આકારનો હતો.
મને કુતૂહલ થયું. મેં પૂછયું, 'કવિરાજ! તમારા આ વાજિંત્રનું મોઢું ઘોડાનું કેમ છે? ઘોડાને અને સંગીતને શું લાગેવળગે?'
ટેંઉં...દેંઉં...! ટેંટુંએ.... ટેંટુંએ....!
તેણે રાવણહથ્થાના તાર ઝણઝણાવ્યા. ઘોડાના માથાની આસકા લીધી. આંખ બંધ કરી. તે તેની કોઈ દુનિયામાં ખોવાઈ ગયો. સેંકડાંે વર્ષો પહેલાંની દુનિયામાં તે ગુમ થઈ ગયો. વાજિંત્રના તાર ઝણઝણતા રહ્યા. ગાયકની બંધ આંખોમાં ચમક વરતાતી ગઈ.
ગાયક જાણે સપનામાં ખોવાઈ ગયો હતો, ભૂતકાળમાં અદ્રશ્ય થઈ ગયો હતો. સદેહે સ્વર્ગમાં પહોંચી ગયો હતો. તેનું વાજિંત્ર અલૌકિક સંગીત છેડવા લાગ્યું.
એક લાંબો દર્દભર્યો રાગ આલાપીને ગાયકે વાત છેડી...
સેંકડોં વર્ષ પહેલાંની વાત છે. એક ગાયક હતો. નામ તેનું રાવણ.
એના ગળામાં સાત રાગિણી અને આઠ સૂર બિરાજેલા હતા. આઠ ધૂન અને નવ તાલની સંગીતિકાથી ગળાના તાર ગૂંથાયેલા હતા. દશ કલાક સુધી તે એકધારું ગાઈ શકતો અને અગિયાર દિવસ સુધી તેના સંગીતના જલસા ચાલતા.
એનું ગાન સાંભળવા આકાશનાં વાદળો થંભી જતાં, સરિતાનાં નીર રોકાઈ જતાં, પવન ગતિ ભૂલી જતો અને મુસાફરો તો આગળ વધતાં જ નહીં.
સાચે જ સ્વર્ગીય સંગીતનો એ ગાનારો હતો.
પણ હતો એ જાતનો ભરવાડ. પોતાનાં વીસેક ઘેટાં-બકરાં હતાં. તે સીમમાં ચારે અને ગુજરાન ચલાવે.
બપોરે એનું પશુધણ આરામ કરતું હોય, ત્યારે ગજબની રાગ-રાગિણી છેડે.
એના સંગીતની તે શું વાત કહું? કહે છે કે કાન દઈને એ ગાન સાંભળવા પર્વતો પોતાનું માથું નજીક લાવતા હતા અને નદી વહેણ બદલતી હતી. આકાશ વધુ નીચે ઝૂકતું હતું અને પૃથ્વી પોતાનું માથું ઊંચકતી હતી.
એ રાવણ હતો ગરીબ, પણ હતો ખાનદાનનો દીકરો. પાસ-પાડોશમાં એની ખ્યાતી ભારે.
એક દિવસ... ટ્રેઉં... ટ્રેઉં...
એક દિવસ એના ગાન-તાનમાં એ ભાન ભૂલ્યો, સમયનું ભાન રહ્યું નહીં. ગાનમાં ને ગાનમાં બપોર વહી ગઈ, સંધ્યા પસાર થઈ ગઈ. રાત્રીનાં અંધારાં ઊતરી આવ્યાં.
એકદમ સફાળો જાગી જઈને એ કહે : 'ચલો ભાંડુરાંઓ, આજે તો ગાન જ ગાન થયું. તમે ચેતવ્યો નહીં અને મને તો ભાન જ શાનું રહે?'
ઝડપથી તે ઘર ભણી જવા લાગ્યો.
ત્યારે જ કોઈકના કણસવાનો અવાજ આવ્યો.
દયાળુ રાવણનું હૈયું દયાથી પીગળી ગયું. તે એ દુ:ખી સ્વર તરફ ગયો.
જઈને જુએ છે તો ઘોડાનું એક બચ્ચું. તાજું જ જન્મેલું હશે! રૂપ તો જાણે ચાંદલો જોઈ લો. હા, તે રાતના ચાંદલો ન હતો. આકાશમાંથી જાણે ચાંદલો જ ધરતી પર આવી પડયો હતો.
રાવણે આજુબાજુ જોયું. ચાંદલાની મા ન હતી.
તે આમ તેમ ચારો શોધવા ગઈ હશે! રાવણે ચારે બાજુ શોધ કરી. પણ ના, માતા ન મળી. જરૂર બિચારીને કંઈ થઈ ગયું. જરૂર કોઈક જંગલી પશુ....
રાવણે હળવે રહીને વછેરાને ઉપાડયું. જાણે રેશમનું રૂ... વજન કંઈ જ નહીં. હાથમાં તો જાણે ગલીપચી થાય!
ચાંદલાને લઈને એ ગામમાં ગયો. લોકો આવા સુંદર વછેરાને જોવા મળ્યા.
પાડોસીઓ કહે : 'રાવણ! આ ઘોડું નથી, દેવનો દીકરો છે. સાચવીને ઉછેરજે બાપ!'
સાચવીને શું, રાવણ તો દેવની જેમ જ એને નવડાવે, ધોવડાવે, ખવડાવે, પિવડાવે અને સરભરા કરે.
પાડોસીઓ પણ એને મદદ કરે.
જોતજોતામાં ચાંદલો સોળે કળાએ ખીલી ઊઠયો. એવી વિશાળ દેહ ધરી કે ઘોડો હોવા છતાં લોકો કહેવા લાગ્યા, 'રાવણ! આ તો હથ્થો છે હથ્થો.'
હથ્થો એટલે હાથી. રાવણ તો ચાંદલાને જોઈ જોઈને કાલોઘેલો થઈ જાય. એને જાતજાતનાં ગાન સંભળાવે. પોતાની નવી રાગિણી તો સહુ પ્રથમ તેની જ આગળ રજૂ કરે.
રાવણનું જીવન આમ ચાંદલામાં અને સંગીતમાં એકાકાર થઈ ગયું. સામે ચાંદલો અને દિલમાં સંગીત, એ જ રાવણનું જીવન.
ઈંહીંહીંહીં....!
એક વાર મધરાતના ચાંદલો ચીસ પાડી ઊઠયો.
એની એ ચીસો વધતી જ ગઈ.
ચાંદલો વાડામાં જ રહેતો હતો. બીજાં ઘેટા-બકરાંનો જાણે કે ઉપરી હતો, સંરક્ષક હતો.
તેની હણહણાટી વધતી જ ગઈ.
રાવણ જાગી ઊઠયો. જઈને જોયું તો યુદ્ધ જામ્યું હતું. એક બાજુ ચાંદલો હતો, બીજી બાજુ હતા બે વરુ.
વરુ ઘેટાંઓ તરફ આગળ વધતાં હતાં. ચાંદલો તેમને આગળ વધવા દેતો ન હતો. તેમાંથી જામી હતી લડાઈ.
વરુઓ તરાપ મારતા હતા, ચાંદલો તેમને એકએક એવી લાત ફટકારતો હતો કે વરુઓ 'ટેં...' જ થઈ જાય.
રાવણે જોયું તો છક થઈ ગયો. તેનો ચાંદલો હથ્થો ન હતો, સાવજ હતો સાવજ. કોઈ ઘેટાને ઊની આંચ આવવા દેતો ન હતો.
ઊછળીને તેણે ચાંદલા ઉપર બેઠક લીધી અને પછી ફટકારવા માંડયા વરુને.
રાવણ તથા હથ્થા બંને ભેગા થયેલા જોઈ વરુઓ ભાગ્યા. રાવણે ચાંદલાને તેમની પાછળ દોડાવ્યો. જંગલમાં દૂર સુધી વરુઓની પાછળ દોડીને તેમને એવા તો ફટકાર્યા કે બંને શેતાનો લોહી ઓકી ગયા.
ચાંદલાના ગળાને ઠપકારીને રાવણ કહે : 'શાબાશ બાપ! શાબાશ વીર! હવે આ વરુડા તો શું એના બાપ ઓલ્યા સાવજડાય કહી આ તરફ નહીં ફરકે.'
ત્યાર બાદ તો રાવણ તથા ચાંદલો વધુ એક થઈ ગયા. એક જીવ જ થઈ ગયા.
ટેંટુએ...ટેંટુંએ.....
એક વાર બાજુના રાજાએ જાહેરાત કરી. એની રૂપરૂપના અંબાર સમી કન્યાને માટે યોગ્ય મુરતિયો મળતો ન હતો. પંડિતો અને પ્રધાનોની સલાહથી રાજાએ એક દોડ યોજી - ઘોડાદોડ.
રાજાએ જાહેરાત કરી કે જે એ દોડમાં પહેલું આવશે તેને રાજા રાજકુંવરી
પરણાવશે ને મોટું ઈનામ આપશે.
સાથીદારો કહેવા લાગ્યા : 'રાવણ! તું પણ ઊપડી જા દોડમાં. ચાંદલા જેવો ઘોડો દુનિયામાં થયો નથી અને થશે નહીં. ચાંદલો જરૂર જીતી જશે. તારું નસીબ ફરી જશે.'
પણ રાવણ કહે : 'ભાઈઓ! ધરતી પર રહેવું અને આકાશનાં સમણાં વળી શે જોવાં! હું ભલો, મારો ચાંદલો ભલો અને ગામનું આ પાદર ભલું. અમેય આ સીમના, આ નદીના, આ ઝાડપાનના, આ પવનના, આ આકાશના રાજા જેવા જ છીએ અને મન ફાવે ત્યાં ફરીએ છીએ.'
છતાં ગામલોકોએ આગ્રહ કર્યો. કહે : 'અલ્યા રાવણ! મનોમન જ રાજો થઈને ફરશે કે? કંઈ ગામની દેખભાળનોય ખ્યાલ છે કે નહીં? તું જીતશે તો વળી રાજાની નજર આ ગામ ઉપરેય પડશે. અને થોડા કૂવા-હવાડા થશે, વૈદ વ્યવહાર વધશે, ધર્મશાળાઓ-મંદિરો સ્થપાશે અને પટેલ મુખી કે જમાદાર રહેશે તો ગામેય સચવાશે, ગામની આબરૂય વધશે.'
રાવણ તૈયાર થયો. સાથે ચાંદલાની દોડ જોવા બીજા સાથીદારો પણ ઊપડયા.
મુકરર સમયે દોડ જામી. શું ઘોડાઓ આવ્યા હતા! કોઈ અરબસ્તાની તો કોઈ ઈરાની, કોઈ પંચકલ્યાણી તો કોઈ કાઠી કોઈ દક્ષિણી તો કોઈ પશ્ચિમી, કોઈ લંબકર્ણ તો કોઈ લંબમુખ. પણ એ બધામાં ચાંદલો તો હથ્થો જ લાગે. એનો દેખાવ જુદો. એનો રુઆબ જુદો, એની હણહણાટી જુદી.
અને... ઉપર બેઠેલો રાવણ તો પાદશાહ જેવો લાગતો હતો પાદશાહ જેવો. ઓલ્યો રાજાય એની આગળ ઝાંખો પડી જતો હતો.
ટેંઉં...ટ્રેંઉં...! ટેંટુંએ...ટેંટુંએ...!
ડંકા નિશાન રણક્યાં, ઝાંઝ ઝણક્યાં, ઘોડા હણહણ્યા અને એ દોડ શરૂ થઈ.
દબડાક... દબડાક... દબડાક...દબડાક...!
જમીન ખોદાઈ જવા લાગી. કાળજાં ધબકવા લાગ્યાં, આકાશ ધૂ્રજવા લાગ્યું. પવન સુસવાટા દેવા લાગ્યો.
આખો દિવસ ઘોડા દોડયા. ગામ, પાદર, સીમ, જંગલને પૂરાં અગિયાર ચક્કર થયાં. કંઈ કેટલાય ઘોડા તો રસ્તામાં જ આંટી ખાઈ ગયા. કંઈકના ટાંટિયા એકી બેકી રમી ગયા, તો કંઈકના શ્વાસ અધ્ધર ચડી ગયા. કંઈકના અસવારો ગુલાંટ ખાઈ ગયા, તો કંઈકના અસવારો ઘોડા પર જ બેહોશ થઈ ગયા.
સાંજ પડી. માત્ર સાત ઘોડા પાછા ફર્યા.
તેમાં રાવણ સહુથી આગળ હતો. જાણે હમણાં જ દોડ શરૂ થઈ હોય તેમ ચાંદલો ઊછળી ઊછળીને સહુથી આગળ આવતો હતો. નજીક આવતાં આવતાં તો એ હથ્થો વાદળ જેવડો વિશાળ લાગવા માંડયો.
પાછળના ઘોડા એટલા પાછળ રહી ગયા કે વાત ન પૂછો.
ચાંદલો દોડ જીતી ગયો. રાવણ વિજેતા સાબિત થયો.
શાબાશ રાવણ! શાબાશ હથ્થા!! શાબાશ રે ચાંદલા શાબાશ!!!
ટ્રેંઉં... ટ્રેંઉં...! ટેંટુંએ....ટેંટુંએ...!!
છાતી કાઢીને રાવણ આગળ વધ્યો.
પણ રાજાની નજર તો પેલા ચાંદલા ઉપર જ હતી.
પછી શું થયું?
આવતા શનિવારે વાત!