ભગવાનનો અબોલ દરબાર .
- 'આ માનવ...તોબા! અમારો દુશ્મન છે એ. અમારા ચામડા, નખ, વગેરે માટે અમારા પર બંદૂકમાંથી ધાંય...ધાંય કરતી ગોળીઓ છોડે છે. અમારાં બચ્ચા ગભરાઈને રડવા લાગે છે. હવે તમે જ અમને માર્ગ બતાડો...'
- ભારતી પી. શાહ
એકવાર સર્જનહાર ભગવાન દેવીમા સાથે બેઠા બેઠા આ દુનિયા અંગે ચર્ચા કરી રહ્યાં હતાં.
સર્જનહાર ભગવાન બોલ્યા, 'દેવી, આ વિશ્વના અસંખ્ય જીવોનું મેં સર્જન કર્યું છે. કોઇ જીવ ખૂબ વિશાળકાય છે, તો કોઇ સૂક્ષ્મ. કોઈ ધરતી પર રહેનારા છે, તો કોઇ ઉડનારા. બધા સજીવોની જીવનપધ્ધતિ પણ વિવિધતાથી ભરેલી છે. આ બધા સજીવોમાં સૌથી બુદ્ધિશાળી મનુષ્ય છે, જે બધી રીતે સમર્થ, શક્તિમાન છે. બીજા બધા જીવો અબોલ છે. મને વિચાર આવે છે કે એકવાર આ અબોલ, અસમર્થ, અશક્તિમાન જીવોનો દરબાર બોલાવું, તેમની સાથે વાતચીત કરું.'
'સ્વામી, ખૂબ સરસ વિચાર છે. તમે જરૃરથી દરબાર ભરો. તમે સર્જન કરેલી આ ધરાની જીવસૃષ્ટિની પૂરેપૂરી જાણકારી તમે પ્રાપ્ત કરી શકશો. પૂરીપૂરી જાણકારી મળવાથી તેમાં કોઇ ફેરફાર કરવો હોય તો કરી શકાય. વળી કોઇ જીવને કોઇ ફરિયાદ કરવી હોય તો પણ તે કરી શકે,' દેવી બોલ્યાં.
ભગવાન પાસેથી સૂચના મળ્યા પછી મહામંત્રીજીએ ભગવાનનો દરબાર ભરવાનો ઢંઢેરો પિટાવ્યો, અને બધા જ અબોલ જીવોને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું.
નિયત કરેલા દિવસે અને સમયે ભગવાનના નિવાસસ્થાને દરબાર ભરાયો. ભગવાન અને દેવીમાએ સોનાના સિંહાસન પર બેઠક લીધી.
રાજદરબારના બીજા બધા મંત્રીઓ ઉપસ્થિત થયા. મહામંત્રી હાથમાં ચોપડા-કલમ સાથે આવી પહોંચ્યા.
વિશાળ હોલમાં દરબાર ભરાયો હતો. દરબારમાં નાના મોટા જમીન પર વસનારા, ઉડનારા, તરનારા તથા સૂક્ષ્મ જીવો આવીને ગોઠવાયા.
ભગવાનની અનુમતિ મળતાં જ મહામંત્રી ઊભા થયા અને બોલ્યા, 'પ્રજાજનો, આજના દરબારમાં તમારું સ્વાગત છે. ભગવાને તમારા બધા હાલચાલ જાણવા દરબાર ભર્યો છે. વારાફરતી દરેક સજીવસમૂહનો પ્રતિનિધિ પોતાના વિચાર અને ફરિયાદ રજુ કરી શકે છે.'
સહમંત્રી જાહેરાત કરીને બેસી ગયા.
સૌપ્રથમ વિશાળકાય પ્રાણીઓના સમૂહમાંથી ગજરાજ ઊભા થયા અને બોલ્યા, 'હે પ્રભુ, આપને અમારા સમૂહ તરફથી પ્રણામ. પ્રભુ, તમે અમારી કાયા ખૂબ વિશાળકાય બનાવી છે, પણ ઘણીવાર અમને ભરપેટ ભોજન મળતું નથી. ઘણીવાર અમે માનવશિકારીના ભોગ બનીએ છીએ. જંગલમાં માનવ અમારી પાસે મજૂરી કરાવે છે, લાકડાની હેરાફેરી કરાવે છે, પરંતુ ભરપેટ ભોજન આપતા નથી. અમારા દંતશૂળ ખેંચી કાઢે, કોઇકના શીંગડાં તો કોઇના લાંબા નખ ખેંચી કાઢે છે. બોલો, અમારે શું ઉપાય કરવો? આ માનવજાતને અમારી દયા જ નથી આવતી.''
ગજરાજ વાતો પૂરી કરે તે પહેલાં વાઘ ઊભો થયો અને બોલ્યો, 'પ્રણામ, ભગવાન મહારાજ... તમે અમને માંસાહારી કેમ બનાવ્યા? અમારે પેટ ભરવા માટે અમારા વનના જ રહીશોને મારવા પડે છે. ઘણીવાર મારા ભાઈઓ વરૃ, ચિત્તો, સિંહ, રીંછ બધા ભૂખના માર્યા પરસ્પર લડી પડે છે. મને તમારી બનાવેલી આ કાર્યપદ્ધતિ ઠીક નથી લાગતી, અને આ માનવ...તોબા! અમારો દુશ્મન છે એ. અમારા ચામડા, નખ, વગેરે માટે અમારા પર બંદૂકમાંથી ધાંય..ધાંય કરતી ગોળીઓ છોડે છે. અમારાં બચ્ચા ગભરાઈને રડવા લાગે છે. હવે તમે જ અમને માર્ગ બતાડો...'
ભગવાન ફરિયાદ સાંભળીને ચૂપ બેસી રહ્યા અને વિચારવા લાગ્યા. પછી તેઓ મહામંત્રી સાથે ચર્ચા કરતા હતા ત્યાં પક્ષીરાજ મોર પધાર્યા અને બોલ્યા, 'હે પ્રભુ, અમારા પ્રણામ સ્વીકારો. હું તમારી સમક્ષ અમારા પંખી પરિવાર વતી ફરિયાદ કરવા માંગુ છું.'
'તમારે પંખીઓને વળી શું ફરિયાદ છે? તમે તો આકાશમાં ઊંચે ઉડો છો, તો પછી તમને કોણ હેરાન કરી શકે?' પ્રભુએ પૂછ્યું.
'આખો દિવસ તો ઊંચે ના ઉડીએને? ભોજન માટે, સૂવા માટે નીચે તો આવવું પડેને...! આ માનવજાત અમારાં પક્ષીઓના ઇંડાં લઇ લે છે. આ મરઘીનાં તો એક પણ ઇંડા છોડે નહી. તેના ઇંડામાંથી ઓમલેટ, કેક બનાવીને મસ્તીથી ખાશે. માત્ર ઇંડાં જ નહીં, પરંતુ બિચારી મરઘીને પણ મારીને ખાઈ જશે. આ લોકો મારાં પીંછાંને પણ નથી છોડતાં. મારું સ્થાન તો શ્રીકૃષ્ણના મસ્તક પર છે, પરંતુ આ મનુષ્યો મારાં પીંછામાંથી પંખા, સાવરણી, વગેરે બનાવશે અને વટથી વાપરશે. તેઓ મારા સાથીઓ અને હું આકાશમાં ઊડતા હોઇએ ત્યારે અમને બંદૂકથી ગોળી મારી પાડવાની હરીફાઈ રાખે. હવે તમે જ અમને કહો કે અમે ક્યાં જઇએ? ક્યાં છે અમારી સલામતી?'
મોરની વાતને આગળ વધારતાં કબૂતર બોલ્યું, 'મહારાજ, વળી આ ઉત્તરાયણ...તોબા! અમારા કેટલાય જાતભાઈ ઓના ભોગ લેવાય છે. કોઇની પાંખ, કોઇની ગરદન કપાઈ જાય... કેટલાય ઘાયલ થાય અનએ કેટલાય મરે...'
આટલું બોલીને કવિ કબૂતર રડવા લાગ્યું. તેની સાથે બીજા પક્ષીઓ પણ રડવા લાગ્યાં. દેવીમા ઊભાં થયાં, અને રડતાં પક્ષીઓને આશ્વાસન આપી શાંત પાડવા લાગ્યાં.
એટલામાં ચૂં...ચૂં... કરતી ઉંદરોની હાર કતારબંધ આવી પહોંચી. ઉંદરોની પાછળ પાછળ કીડી, મંકોડા, વંદા બધા કતારબંધ આવતાં ગયાં.
ઉંદરે બે હાથ જોડીને પ્રભુને પ્રણામ કર્યા અને બોલ્યા, 'હે ભગવાન, આમ તો તમે મને ગણપતિ બાપાનું વાહન બનાવ્યું છે. હું ઇમાનદારીપૂર્વક મારી ફરજ નિભાવું છું. લોકો મને પેટભરીને ભોજન આપતા નથી. મને જોતાં જ મારવા મારી પાછળ પડી જાય છે. ભોજન માટે હું છાનોમાનો લોકોના ઘરમાં ઘૂસી જાઉં તો પકડીને પિંજરામાં પૂરે છે. માનવ ગરદન ઊંચી રાખીને ચાલે, વટ મારે પરંતુ તેમના પગ નીચે, તેમના વાહન નીચે અમારા જાતભાઈ કીડી, મંકોડા, વંદા ચગદાઈ જાય છે તેનું શું?અમે નાના છીએ એટલે અમારી કોઇ કિંમત જ નહીં? વળી આ મધમાખી બહેનોની દશા તો જુઓ. તેમણે કેટલી મહેનત કરીને મધ બનાવ્યું હોય અને નિષ્ઠુર માનવ તેમને મારીને બધું મધ ઉપાડી જાય. અમને કોઇ ગણતું જ નથી...અમારે ક્યાં જવું અને શું કરવું?'
ભગવાન ફરી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવો કેવી રીતે? ભગવાન કપાળે હાથ દઇને બેસી રહ્યાં. થોડીવારમાં બેં...બેં... હોંચી... હોંચી અવાજ કરતાં બકરી, ગધેડા, ગાય, ભેંસ આવી પહોંચ્યાં. બધાએ પ્રભુને ઝૂકી ઝૂકીને પ્રણામ કર્યા.
ગાય બોલી, 'હે પ્રભુ, અમારા ંબચ્ચાંના પેટ ભરવાને બદલે અમે અમારું દૂધ માનવજાતને આપીએ છીએ. માનવ મઝેથી તેમાંથી દહીં, માખણ, ચીઝ, પનીર, ઘી બનાવીને ખાય છે. આ બિચારો ગધેડો...અર્રર...માનવજાત માટે ભાર ઉપાડે અને બદલામાં મળે ડફણાં. ઘોડાને મળે છે ચાબૂકનો માર! હવે તમે જ કહો કે આ માનવજાતનું કરવું શું?'
પછી અળસિયાં, સાપ, માછલાં વગેરે આવીને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યાં.
આ રીતે બધા અબોલ જાનવરોએ પોતપોતાની ફરિયાદ રજૂ કરી. ભગવાનની મુંઝવણનો પાર ના રહ્યો. ભગવાન વિચારવા લાગ્યા. પછી બોલ્યા, 'દેવી તમને નથી લાગતું કે ભલે માનવ બુદ્ધિશાળી ગણાય, પરંતુ તે તો સૌથી વધુ ખતરનાક જાનવર છે. આ બધાં તો અબોલ છે. તેમને માત્ર શાંતિથી પેટ ભરવા મળે એટલે બસ...જ્યારે માનવ ધનલોભી, સત્તાલોભી, આરામથી જીવવા માટે કાવાદાવા કરનારો જીવ બની ગયો છે.'
'સ્વામી, તમારી વાત તદ્દન સાચી છે. દિવસે અને દિવસે માનવ બદતર બનતો જાય છે,' દેવીમાએ જવાબ આપ્યો.
ભગવાને પોતાના શાણા મંત્રી અને બીજા મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી.
પછી ભગવાન ઊભા થયા અને બોલ્યા, 'મારાં બાળકો, અમે તમારી ફરિયાદો સાંભળી. મને લાગે છે કે આ માનવજાત માટે અમારે કોઇક કડક પગલાં લેવા પડશે. મેં ચિત્રગુપ્તને બધું સમજાવી દીધું છે. ચિત્રગુપ્તજી દરેક માનવનાં પાપ-પુણ્યના, તેમનાં સારાં-ખોટાં કર્મના હિસાબ લખશે. દરેક માનવને તેના કર્મ મુજબ સજા મળે તેવી પદ્ધતિ તૈયાર કરી છે. માનવ ભલે આકાશને આંબવા પ્રયત્ન કરે, પણ તે પોતે પરસ્પરની, માંહેમાંહેની લડાઈમાં નાશ પામશે. માનવ ગર્વભેર બોંબ, અણુબોંબ, ઘાતક શસ્ત્રો બનાવે છે, પણ તે નથી જાણતો કે અમારી ઓટોમેટિક પદ્ધતિના કારણે આ ઘાતક હથિયારો તેમનો જીવ લેશે. હું જાણું છું કે માનવોને કારણ બધા અબોલજીવોને ખૂબ જ સહન કરવું પડે છે. તમે બધા તમારા આવાસે જાવ, હળીમળીને સંપીને એકતાથી સાવધાન બનીને રહેજો, સત્કર્મ કરજો.'
ભગવાનની વાત સાંભળી બધા અબોલ જીવો ત્યાંથી વિદાય થયા.
ભગવાન ક્યારેય લાઠી લઇને મારવા નથી આવતો. તેની અદ્ભૂત, અકલ્પનીય પદ્ધતિ દ્વારા દરેક સજીવને તેના કર્મ મજુબ સુખદુ:ખ મળ્યા જ કરે છે. ખરેખર ગોડ ઇઝ ગ્રેટ...