મદુરાઈનું વિશાળ મિનાક્ષી મંદિર
ત મિલનાડુનું મદુરાઈ મંદિરોના શહેર તરીકે જાણીતું છે. ત્યાં આવેલા સંખ્યાબંધ મંદિરોમાં સૌથી મોટું મિનાક્ષી મંદિર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને વિશ્વપ્રસિદ્ધ છે. વાઇગાઇ નદીના કિનારે મદુરાઈની મધ્યમાં આવેલા આ મંદિરને મિનાક્ષી સુંદરેશ્વર મંદિર કહે છે. છઠ્ઠી સદીમાં બંધાયેલા આ મંદિરને મોગલોએ લૂંટીને નાશ કર્યા બાદ ૧૪મી સદીમાં તે ફરીથી બંધાયેલું. આજે જોવા મળે છે તે ૧૪મી સદીમાં બંધાયેલું વિશાળ સંકુલ છે.
મંદિરનું સંકુલ ચાર વિભાગમાં વહેંચાયેલું છે. બહારની દીવાલમાં ચાર વિશાળ પ્રવેશદ્વારવાળું આ મંદિર ૧૪ એકરમાં ફેલાયેલું છે. મંદિરમાં ૧૪ ગગનચુંબી ગોપૂરમ છે. સૌથી ઊંચુ ગોપૂરમ ૧૭૦ ફૂટનું છે. ચાર ગોપૂરમ નવ માળના છે. બે નાના ગોપૂરમ સોનાનો ઢોળ ચડાવેલા છે. ગોપુરમ સુંદર નકશીકામવાળું અને રંગબેરંગી છે.
સંકુલમાં ૫૦ મીટર લાંબુ અને ૩૭ મીટર પહોળું તળાવ છે તેમાં સોનાના કમળની પ્રતિકૃતિ ધ્યાનાકર્ષક છે મંદિરના ગર્ભગૃહના ૯૮૫ સ્તંભો આકર્ષક છે. સંકુલમાં નાના મોટા અસંખ્ય મંદિરો છે. મંદિરના સંકુલમાં શિલ્પ અને ચિત્રકળા ઠાંસી ઠાંસીને ભરી છે. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.