ખિસકોલીબેનનું ઘર .
- ડો. ફાલ્ગુની રાઠોડ 'ફાગ'
એક સુંદરવન નામનું રળિયામણું મજાનું વન! આ સુંદર વનની તો વાત જ નિરાળી. જ્યાં જુઓ ત્યાં બધાં પંખીઓનાં ગાન સંભળાય. વૃક્ષો અપાર જોવા મળે. આ સુંદર વનમાં રહેતા બધાં પ્રાણીઓ તો ખૂબ ખુશખુશાલ હતાં. એનું મુખ્ય કારણ એમની મનગમતી તુનું આગમન થયું હતું - ચોમાસાનું! ચોમેર નજર કરો ત્યાં હરિયાળી જ હરિયાળી છવાઈ હતી. મોર, પોપટ, કોયલ કાબર, ચકલી તો વરસાદમાં વૃક્ષો ઉપર બેસી સરસ મજાનાં ગીતો ગાતાં હતાં. સિંહ, હાથી ,વાઘ, શિયાળ, વાંદરો બધા વરસાદનાં પાણીમાં છબછબિયાં કરતાં હતાં.
આ સુંદરવનમાં એક સુંદર મજાની ખિસકોલી પણ રહેતી હતી. એને ચોમાસુ ખૂબ પ્રિય, પણ એ આ ચોમાસાની તુમાં એક ઝાડ પાસે બેસીને ચુપચાપ રડી રહી હતી. એને ચોમાસામાં આમ ઝાડ નીચે બેસીને રડતા વાંદરાભાઈ જોઈ ગયા. એણે ખિસકોલીબેન પાસે જઈને પૂછયું, 'ઓ ખિસકોલીબેન, કેમ વરસાદમાં રડી રહ્યા છો? શું થયું? મને કહો, હું તમારી મદદ કરીશ.'
વાંદરાભાઈના પ્રશ્નનો તો ખિસકોલીબેને જવાબ જ ન આપ્યો. એ તો રડતી જ રહી. એટલે વાંદરાભાઈએ તો સુંદરવનનાં પક્ષીઓ અને પ્રાણીઓને ભેગા કર્યા ને બધા સાથે ખિસકોલીબેન પાસે લઈ ગયા. મોર અને પોપટ ખિસકોલીબેન પાસે જઈને કહે, 'બેન, રડો નહીં. શી તકલીફ છે? અમે તમારી મદદ કરીએ. રડવાથી થોડું કંઈ સમાધાન આવે?'
ખિસકોલીબેન રડતાં રડતાં બોલ્યાં, 'મેં ચોમાસું આવવાનું હોવાથી એક ઝાડના થડ પાસે મારું સુંદર મજાનું ઘર બનાવ્યું હતું. એમાં મેં ચાર માસ ચાલે એટલો ખોરાક લાવીને સંગ્રહ કર્યો હતો. હું પડોશમાં નીલ નદીને કાંઠે થોડાં સૂકાં લાકડાંની ગોઠવણ કરવા મારાં નાનાં બચ્ચાને લઈને ગઈ હતી. રોજની જેમ ફરતી ફરતી ત્યાંથી આવતી હતી. ત્યાં અચાનક કાળાં કાળાં વાદળો છવાઈ ગયાં, આકાશમાં વીજળી ચમકી ઉઠી ને વાવાઝોડું ફૂંકાયું. ધોધમાર વરસાદ તૂટી પડયો, હું ફટાફટ મારા ઘર તરફ દોડી. જોયું તો તે ઝાડ પડી ગયું હતું ને મારું ઘર તણાઈ ગયું હતું. હવે આ આખું ચોમાસું હું ક્યાં રહીશ? મારાં બાળકોને શું ખવડાવીશ? એની મને ચિંતા સતાવી રહી છે. મારાં નાનાં બચ્ચાંને હું ક્યાં રાખીશ?'
ત્યાં જ સુંદરવનના રાજા સિંહ બોલ્યા, 'ખિસકોલીબેન, તમે જરાક પણ ચિંતા નહીં કરો. આ આખુ ચોમાસું તમે રહી શકો એવા સરસ મજાના ઘરની વ્યવસ્થા કરું છું. તમારા માટે પાકું મકાન બનાવી આપું કે જેમાં તમે અને તમારાં બચ્ચા સુરક્ષિત રહેશો.'
સુંદરવનનાં બધાં જ પશુપંખીઓ ખિસકોલીબેનનું ઘર બનાવવા માટે પથ્થરો ભેગા કર્યા ને સુંદર મજાનું ઘર બનાવી આપ્યું. જરૂરી સામાન અને ખોરાકની પણ બધાએ ભેગા મળી વ્યવસ્થા કરી. આ જોઈને ખિસકોલીબેને તો સુંદરવનના તમામ પરિવારજનોનો સાચા હૃદયથી આભાર માન્યો. ખિસકોલીબેનનું ચોમાસું સુધરી ગયું.
એ તો ઝાડ પર ચડતી ઉતરતી સુંદરવનના પશુ પંખીઓ અને પોતાનાં બચ્ચાં સાથે વરસાદમાં ગીતો ગાવા લાગી.
'આવ્યું આવ્યું મજાનું ચોમાસું,
મિત્રો સંગાથે હરવા ફરવા,
આવ્યું મજાનું ચોમાસું!'
આમ ખિસકોલીબેન તો હસતાં-કૂદતાં ચોમાસામાં નવા ઘરમાં પોતાનાં બચ્ચાં સાથે મજાથી રહેવા લાગ્યાં.