- યોગેશ આર. જોશી
એક નાનકડા ગામડામાં એક ડોશીમા નાની ઝૂંપડી બનાવીને રહેતાં હતાં. ડોશીમા બિચારાં બહુ દુખિયારાં હતાં. એમના પતિનો વરસો અગાઉ સ્વર્ગવાસ થઈ ગયો હતો અને ડોશીમાને કોઈ છૈયા છોકરાં હતાં નહીં. એ થોડી ઘણી મહેનત-મજૂરી કરીને એના જીવનનું ગાડું ગબડાવતાં હતાં.
એક વાર ડોશીમાના સગામાં કોઈ લગ્ન પ્રસંગ આવ્યો હતો,એથી એને કપડાં, દાગીના તથા વ્યવહાર કરવા માટે પૈસાની જરૂર હતી. એમની પાસે તો એટલા પૈસા હતા નહીં,એથી એણે ચોરા ઉપર બેઠેલાં ત્રણ ચાર લબરમુછીયાઓને વિનંતી કરી, 'ગગાઓ, હું દુખિયારી ડોશી છું. મારે લગ્ન પ્રસંગમાં જવાનું છે. મને આશરે રૂપિયા એક હજાર જેટલી રકમની સગવડ કરી આપો તો ભગવાન તમારૃં ભલું કરશે. પછી હું ધીમે ધીમે કરીને તમારું કરજ ઉતારી દઈશ.'
આ છોકરાંઓ તો ટીખળખોર હતા. એમણે ડોશીમાની મશ્કરી કરતાં કહ્યું, 'માજી, અમે તો કંઈ કમાતા-ધમાતા નથી, પરંતુ તમે એક કામ કરો. ભગવાન વિષ્ણુને વિગતવાર પત્ર લખો! એ જરૂરથી મદદ કરશે.
ડોશીમા બિચારાં ખરેખર બહું ભોળાં હતાં. આ છોકરાંઓની વાતથી તેઓ ભોળવાઈ ગયાં. ડોશીમાએ ભગવાન વિષ્ણુને પત્ર લખ્યો-
'હે વિષ્ણુ ભગવાન... હે કરૂણાના કરનાર,
હું પૃથ્વીલોક ઉપર વસતી એક દુખિયારી ડોશી છું. મારા પરિવારમાં કોઈ નથી. મારે એક લગ્નમાં હાજરી આપવાની છે અને વ્યવહાર કરવાનો છે એટલે મને રૂપિયા એક હજારનું મની ઓર્ડર કરવા વિનંતી છે. આપ તો ખૂબ દયાળુ છો અને આપને કોઈ વસ્તુની ખોટ નથી. તો મુજ ગરીબ ઉપર તરસ ખાઈને મને એક હજારનું મની ઓર્ડર મોકલશોજી.
એ જ લિખિતંગ દુખિયારી ડોશી.'
પછી ડોશીમાએ સરનામું લખ્યું: ભગવાન શ્રી હરિ વિષ્ણુ, વિષ્ણુલોક, સ્વર્ગ વાયા નરક, મુકામ પોસ્ટ નભમંડળ!
આમ આખું પોસ્ટકાર્ડ લખીને ડોશીમાએ તેને ટપાલપેટીમાં નાખી દીધું. ડોશીમા પાસે મોબાઇલ તો હતો નહીં, એટલે પૈસા ઓનલાઇન પણ મળી શકે છે એવી એનો કશી ખબર જ નહીં. એને તો બસ, મની ઓર્ડરમાં ખબર પડે.
પોસ્ટમેને સાંજના સમયે બધી ટપાલો એકઠી કરીને સોર્ટિંગ કરવાની શરૂઆત કરી. થોડીવારમાં એના હાથમાં પેલાં ડોશીમાનો કાગળ આવ્યો. સરનામું વાંચતાં એને બહુ નવાઈ લાગી. એણે આખો પત્ર વાંચ્યો. એને લાગ્યું કે કોઈ ટીખળખોર વ્યક્તિએ આવી હરકત કરી હશે. છતાં એણે ડોશીમાનો પત્ર પોસ્ટ માસ્તર પાસે રજૂ કર્યો. પોસ્ટ માસ્તરે પત્ર વાંચીને બધા જ પાસ્ટમેનોની તાત્કાલિક મીટિંગ બોલાવી. એમણે સૌની સામે ડોશીમાંનું પોસ્ટકાર્ડ વાંચી સંભળાવ્યો.
તમામ પોસ્ટમેને પોતપોતાના વિચારો રજૂ કર્યા. છેવટે પોસ્ટ માસ્તરે દરેકને વિનંતી કરી કે આપણે સૌ યથાયોગ્ય ફાળો ભેગો કરીએ અને જે રકમ ભેગી થાય તે ડોશીમાને મનીઓર્ડરમાં મોકલી દઈએ. સઘળા પોસ્ટમેને યથા શક્તિ ફાળો આપ્યો. રકમ ગણતાં કુલ સાતસો રૂપિયા ભેગાં થયા હતા. મુખ્ય પોસ્ટમેને દલીલ કરી કે ડોશીમાએ તો એક હજાર રૂપિયા માંગ્યા છે અને આપણી પાસે માત્ર સાતસો રૂપિયા જ ભેગાં થયાં છે.
પોસ્ટ માસ્તરે કહ્યું, 'ભલે સાતસો રૂપિયા ભેગાં થયાં. એ રકમ આપણે ગરીબ ડોશીને મનીઆર્ડર કરી દઈએ તો ડોશીમાને તો કામ લાગવાના જ છે.'
આમ કહીને પોસ્ટ માસ્તરે જાતે ડોશીને સાતસો રૂપિયાનું મનીઆર્ડર કરી દીધું.
થોડા દિવસો પછી ડોશીમાને મનીઆર્ડર મળ્યું. એમણે તો ઈશ્વરનો પાડ માન્યો, પરંતુ રકમ ગણતાં માત્ર સાતસો રૂપિયા જ નીકળ્યા. ડોશીમા નિરાશ થઈ ગયાં. છતાંય એમણે તરત ભગવાનને બીજો પત્ર લખ્યો. એમાં લખ્યું:
' હે પરમ કૃપાળુ પરમાત્મા,
તમારૃં ખાતું એકદમ ચોક્કસ છે. મારા પત્રની કદર કરીને મુજ દુખિયારી ડોશીને તમે તાત્કાલિક મનીઆર્ડર કરી દીધો એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું, પરંતુ મને એક વાત ખટકી કે તમે મને હજાર રૂપિયાને બદલે માત્ર સાતસો જ મોકલ્યા છે. બાકીનાં ત્રણસો રૂપિયા પોસ્ટ ખાતું ખાઈ ગયું લાગે છે...'
આમ લખીને ડોશીએ આ પોસ્ટકાર્ડ પણ ટપાલ પેટીમાં નાંખી દીધું. ફરીથી આ બીજો પત્ર એ પોસ્ટમેન ગયો પોસ્ટ માસ્ટર પાસે. પોસ્ટ માસ્તરને ટપાલ વાંચીને ખૂબ આશ્ચર્ય થયું, આઘાત પણ લાગ્યો. તેઓ મનોમન બોલ્યા, 'આ કળિયુગમાં ભલાઈનો જમાનો રહ્યો નથી. મેં તો ડોશીમાનુ ભલું કરવાનું વિચાર્યું હતું, પણ આ તો ઘરમ કરતાં ધાડ પડી.'
આમ વિચારીને પોસ્ટ માસ્તર લમણે હાથ ધરીને બેસી ગયા.
આમ, ક્યારેય કોઈનું ભલું કરવા છતાં પણ બદનામ થવાનો વારો આવે છે!


