- 'પંખીઓ રોજ આવે છે અને ફળો ખાય છે તેથી આપણા બગીચાની શોભા બગડે છે, તેથી તમે પંખીઓને કહી દો કે આપણા બગીચામાં ન આવે.'
- મેહુલ સુતરિયા
એક ખિસકોલીબેન હતાં. તેમણે એક સુંદર બગીચો બનાવ્યો હતો. ખિસકોલીબેન પોતાના બગીચાની સારસંભાળ પોતે જ રાખતાં. રોજ લીલાંછમ છોડ અને વૃક્ષોને જોઈને તેઓ ખૂબ ખુશ થતાં.
ખિસકોલીબેનના બગીચાની વચ્ચોવચ એક નાનું તળાવ હતું. રોજ સવારથી સાંજ અનેક પંખીઓખિસકોલીબેનના બગીચામાં આવતાં. બગીચામાં આવેલાં જાંબુ, જામફળ, સીતાફળ, દાડમના ઝાડ પર બેસીને પંખીઓ ફળ ખાતાં અને તળાવનું પાણી પીને મોજ કરતા.
પંખીઓ તો ગાતાં જાય-
બગીચો તો એટલો સુંદર,
લાગે જાણે મોટો સમંદર..!
ખિસકોલીબેન પોતાના બગીચામાં પંખીઓને જોઈને ખુશ થતાં. તેઓ પંખીઓને બગીચામાં આવકારતાં. પંખીઓ પણ ખિસકોલીબેનના ખૂબ વખાણ કરતાં.
આ બગીચામાં ખિસકોલીબેનનો મિત્ર કાગડો રહેતો હતો. તેને બીજાં પંખીઓ બગીચામાં આવે તે બિલકુલ ગમતું નહોતું. તેણે ખિસકોલીબેનને કહ્યું,'પંખીઓ રોજ આવે છે અને ફળો ખાય છે તેથી આપણા બગીચાની શોભા બગડે છે, તેથી તમે પંખીઓને કહી દો કે આપણા બગીચામાં ન આવે.'
ખિસકોલીબેનને તો કાગડાભાઈ પર બહુ વિશ્વાસ હતો. તેમણે તો પંખીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો. બીજા દિવસથી પંખીઓઆવતાં બંધ થઈ ગયાં. કાગડાભાઈ તો ખૂબ ખુશ થઈ ગયા, પણ ખિસકોલીબેનને ચેન ન પડે. તે તો આમ જાય ને તેમ જાય અને ગાતાં જાય-
'બગીચો મારો એટલો સુંદર, પણ લાગે એકદમ બંજર..!'
તેમને ગાતાં જોઈને કોયલબેન તેમની પાસે આવ્યાં અને તેમણે કહ્યું,'ખિસકોલીબેન, પંખીઓ વગર તમારો બગીચો એકદમ સૂનો-સૂનો લાગે છે. તમે કાગડાભાઈની વાતમાં આવીને પંખીઓ પર પ્રતિબંધ મૂક્યો તે યોગ્ય નથી. કાગડો તો પહેલેથી જ લુચ્ચો છે. તેને તમારી અને પંખીઓની મિત્રતાની ઈર્ષા આવતી હતી. તેથી તેણે તેમને ખોટી સલાહ આપી.'
ખિસકોલીબેનને તેમની ભૂલ સમજાઈ. તેમણે કાગડાને ખૂબ ઠપકો આપ્યો અને ફરીથી બગીચો તમામ પંખીઓ માટે ખુલ્લો મૂકી દીધો.
હવે પંખીઓથી બગીચો શોભીઉઠે છે અને પંખીઓ રોજ ગાય છે,
'બગીચો તો એટલો સુંદર, લાગે જાણે મોટો સમંદર..!'


