Get The App

પવનની મજા .

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
પવનની મજા                                          . 1 - image

- કિશોર પંડયા

- એક નાના છોકરાની ટોપી તેના માથા પરથી ઊડી. સરસ મજાની ટોપીને ગુલાબી દોરી બાંધી હતી. ટોપી ઝડપથી દૂર સાયકલનાં પૈડાની જેમ દોડી રહી હતી. નાનો છોકરો ટોપી પાછળ દોડતો હતો. પરંતુ ટોપી પવનમાં આગળ અને છોકરો તેની પાછળ.

તે દિવસે સારો પવન ફૂંકાતો હતો. પતંગ ઉડાડવાની મજા આવતી હતી. દરેકને આનંદ આવતો હતો. પવન સર સર સીટી વગાડતા ેહતો અને ઉત્તરથી દક્ષિણ દિશામાં દોડતો હતો.

ઊંચા ઝાડની ટોચ કરતાં પણ ઊંચે પવનમાં પતંગ રમતો હતો. વળી, ક્યારેક જમણી તો ક્યારેક ડાબી બાજુ ગલોટીયા ખાતો હતો. એક જણે તો પોતાના પતંગને લાંબુ પૂછડું બાંધ્યું હતું. પતંગ જાણે કહેતો હતો-

મારી સાથે આવો

આભે ઊડી નાચો.

હું ક્યાં જાતે ઉડું?

આ પવન મને ઉડાવે છે...

દરેકનું મન પણ આવું જ કહેતું હતું. ધાબા પર સંગીત વાગતું હતું. આવા આનંદી વાતાવરણમાં સહુ કોઈ નાચતાં હતાં. કપડાંની દોરી પર કપડાં નાચતાં હતાં, ઝાડની ડાળીઓ પર પાંદડાં નાચતાં હતાં, કાગળના ઝીણા ટુકડા શેરીમાં નાચી રહ્યા હતા.

એક નાના છોકરાની ટોપી તેના માથા પરથી ઊડી. સરસ મજાની ટોપીને ગુલાબી દોરી બાંધી હતી. ટોપી ઝડપથી દૂર સાયકલનાં પૈડાની જેમ દોડી રહી હતી.

નાનો છોકરો ટોપી પાછળ દોડતો હતો. પરંતુ ટોપી પવનમાં આગળ અને છોકરો તેની પાછળ. પવન તેને દોડાવતો હતો અને તે દોડતો હતો. છેવટે તેને રસ્તાની વચમાં ટોપી હાથમાં આવે તેવું લાગ્યું.

ટોપી ટોપી ઊભી રે,

હું ક્યાંથી ઊભી રહું?

ટોપી કહે-

હું ક્યાં જાતે દોડું છું?

આ પવન મને દોડાવે છે.  

'હવે હું તે લઈ લઈશ,' છોકરાએ દોડતાં કહ્યું. તે ટોપી માટે હાથ લંબાવતો હતો ત્યાં જ પવન આવતાં ટોપી ફરીથી વાંદરાની જેમ કૂદકો મારી આગળ જવા લાગી.

'મને કોઈ પકડી શકશે નહીં,' ટોપીએ ગર્વથી વિચાર્યું, 'મને ખબર નથી કે હું ક્યાં સુધી જઈશ.'

એટલામાં જ પવને તેને એક ગલીમાં ધકેલી દીધી અને ત્યાં એક બાંકડા પાછળ મૂકી દીધી. નાનકડા છોકરાએ ગલીમાં જોયું તો તેની ટોપી ક્યાંય દેખાતી ન હતી.

'મારી નવી ટોપી તું ક્યાં છે?' તેણે બૂમ પાડી.

'હું જાણું છું,' પવન હસ્યો, અને તે બાંકડાની પાસે ફૂંકાયો. ટોપીના ગુલાબી દોરીના છેડાને ત્યાં સુધી ફફડાવતો રહ્યો જ્યાં સુધી નાના છોકરાની નજર તેના પર પડી.

'હુર્રે!' તેણે કહ્યું અને તે ઉતાવળમાં ટોપી લેવા દોડયો, 'પવનને મારી નવી ટોપી ફરીથી નહીં મળે.' 

તેણે તેને તેના માથા પર મૂકી અને ઘર આવ્યું ત્યાં સુધી બંને હાથ માથા પર મૂકી રાખ્યા.

પરંતુ કપડાંની દોરી પરનાં કપડાં, વૃક્ષો પરનાં પાંદડાં અને શેરીમાં કાગળના ટુકડા અને હવામાં ઉડતા પતંગની વાત કરીએ તો, તેઓ પવન ફૂંકાય ત્યાં સુધી આકાશને હરાવવા માટે નૃત્ય કરતાં હતાં.