લોભનું ફળ .

- એક દિવસ શેઠની દુકાનમાં આગ લાગી ગઈ. દુકાનમાં લાખો રૂપિયાનો સામાન હતો. તાળું લગાવેલા ગલ્લામાં રાખેલી રકમ પણ આગમાં ખાખ થઈ ગઈ.
- ચિરાગ એચ. શર્મા
એક સરસ મજાનું રંગપુર નામનું ગામ હતું. ગામમાં દીપચંદ શેઠ નામનો એક વેપારી રહે. ગામમાં કરિયાણાની તેની એક મોટી દુકાન હતી. દીપચંદ શેઠ ખૂબ લોભી હતા. તેઓ કોઈપણ વસ્તુ બે કે ત્રણ ગણા ભાવે વેચીને ખૂબ ઊંચો નફો લેતા અને લોકોને મૂર્ખ બનાવતા. તેઓ અનાજ, દાળ તથા કરિયાણામાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા. આમ, હરામની કમાણી કરી તેમણે થોડાં જ વર્ષોમાં ઘણા બધા રૂપિયા ભેગા કરી દીધા. તેમણે હવેલી જેવું ઘર. એમણે દુકાનો અને જમીન પણ ખરીદી હતી.
તેમને એકનો એક દીકરો. નામ તેનું મહેશ. મહેશને શેઠે ખૂબ લાડમાં ઉછર્યો હતો. તે જે પણ માંગે તે લાવીને હાજર કરી દે. મોંઘામાં મોંઘી વસ્તુ પણ તુરંત મંગાવી આપે. આથી મહેશ પણ ખૂબ જિદ્દી થઈ ગયો હતો. તે જે ઈચ્છે તે મેળવીને જ જંપતો. તેના પિતા પણ સારું કે ખોટું જોયા વિના તેની દરેક ઈચ્છા પૂરી કરતા.
કહેવાય છે ને કે કરેલાં કર્મ અહીં જ ભોગવવાં પડે છે... સમય ક્યારેય પણ બદલાઈ શકે છે. એક દિવસ શેઠની દુકાનમાં આગ લાગી ગઈ. દુકાનમાં લાખો રૂપિયાનો સામાન હતો. તાળું લગાવેલા ગલ્લામાં રાખેલી રકમ પણ આગમાં ખાખ થઈ ગઈ. જાણ થતાં જ દીપચંદ શેઠ નાના બાળકની જેમ ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમને આઘાત લાગ્યો હતો. એમને પોતે કરેલાં ખોટાં કામો યાદ આવવા લાગ્યાં. દેવું ચૂકવવા શેઠે ભેગું કરેલું સોનું, દુકાનો, જમીન અને ઘર પણ વેચવું પડયું.
હવે દિવસો બદલાઈ ગયા હતા. શેઠ હવે ભાડાની દુકાન કરવા મજબૂર બન્યા. તેમણે ફરી વેપાર શરૂ કર્યો, પણ હવે તે પ્રામાણિકતાથી કામ કરતા હતા. દીકરા મહેશ માટે તો રોજની જરૂરિયાતો પૂરી કરવી અઘરી બની ગઈ, કારણ કે તે ખૂબ ખર્ચાળ હતો. શેઠે દીકરાને પરિસ્થિતિ સમજાવી, પણ કરકસરથી જીવવું તેના માટે અઘરું હતું. તે ઘરમાં રોજ ઝઘડા કરવા લાગ્યો.
એક દિવસ ઘરે પરત ફરતા તેનો ગંભીર અકસ્માત થયો અને તે મૃત્યુ પામ્યો. દીપચંદ આ સમાચાર જાણી ભાંગી પડયા. તેમનાથી રડતાં રડતાં બોલાઈ ગયું, 'મારા ખરાબ કર્મોની સજાનું આવું પરિણામ?'
કર્મોનું ફળ દરેકે ભોગવવું પડે છે. ક્યારેય કોઈનું સારું કરવું પણ ખરાબ ન કરવું, કારણ કે ખોટાં કર્મોનું ફળ અહીં જ ભોગવવું પડે છે.









