બતક ચાલ્યાં તરવા .
- કિશોર પંડયા
- 'એવું લાગે છે કે તેને ઈજા થઈ છે. કદાચ તે ઊડી શકતી નથી! હું તેને સરળતાથી પકડી શકું. પછી તેને ખાઈ શકું છું!'
એક દિવસની વાત છે.
એક બતક અને તેના બચ્ચાં તળાવ તરફ જઈ રહ્યાં હતાં.
બતક ચાલે આગળ આગળ.
બચ્ચાંતેની પાછળ પાછળ.
બતકનાં બચ્ચાં તેમની માતાનીપાછળ પાછળ ચાલતા ખૂબ જ ખુશ હતા.જમીન પર ચાલવા કરતાં પાણીમાં તરવાનું તેમણે વધારે ગમતું. આથી બચ્ચાં ઉત્સાહથી ચાલતાં હતાં. બચ્ચાં રસ્તામાં આનંદથી ક્વેક-ક્વેક કરતાંગીતો ગાતાંહતાં.
અચાનક બતકે દૂર એક શિયાળ ઊભેલું જોયું. તે પહેલા તો ખૂબ જ ગભરાઈ ગઈ. પોતાનાં બચ્ચાં સાથે હતાં. બચ્ચાંને બચાવવાના હતાં.
તેણે એક ક્ષણમાં વિચાર કરી લીધો.
બચ્ચાંને તેને કહ્યું. 'હવે, હું બીજું કામ કરીને આવું છુ. તમે મારી પાછળ પાછળ આવશો નહીં. તમે ઝડપથી તળાવ પર પહોંચી જજો. ચાલો ઝડપથી ચાલોજોઈએ... તળાવ પર કોણ પહેલું પહોંચે છે? તમે જલ્દીથી તળાવમાં પહોંચો. હું પછી ત્યાં આવું છું...
દોડો બચ્ચાં આગળ આગળ,
હું આવું છું પાછળ પાછળ.
તળાવ વચ્ચે તરતાં રહેજો,
ક્વેક મોંએથી કરતાં રહેજો.'
બચ્ચાં તો ખુશ થતાં ઝડપથી તળાવ તરફ જવા લાગ્યાં.
માતાની આજ્ઞાા માની બચ્ચાં તળાવ તરફ જવા લાગ્યાં.
બતક વિચારતી હતી કે હવે શું કરવું.
તેણે જમીન પર એક તરફની પાંખ નીચે ખેંચીને ધીમે ધીમે આગળ પાછળ ચાલવા લાગી.
જ્યારે શિયાળે તેને આવી રીતે ચાલતા જોઈ ત્યારે તે ખુશ થઈ ગયું.
તેણે પોતાની જાતને કહ્યું, 'એવું લાગે છે કે તેને ઈજા થઈ છે. કદાચ તે ઊડી શકતી નથી! હું તેને સરળતાથી પકડી શકું. પછી તેને ખાઈ શકું છું!' શિયાળ બતકને પકડવાં તેની તરફ ધીમે ધીમે આવવા લાગ્યું.
માતા બતકે શિયાળને પોતાની તરફ આવતું જોયું. તે પણ એક તરફની પાંખ નીચે ખેંચીને જમીન પર ઘસડતી ઝડપથી આગળ વધી. શિયાળ તેની પાછળ દબાતે પગલે ચાલ્યું. બતક શિયાળને તળાવથી થોડે દૂર લઈ ગઈ. બતક માતાએ તેના બચ્ચાં તરફ નજર કરી.તેણે જોયું કે બચ્ચા તળાવ પર પહોંચી ગયા છે. બચ્ચાં તળાવમાં તરવા લાગ્યાં હતાં. તેથી તેને રાહત થઈ.હવે શિયાળ તેના બચ્ચાંને નુકસાન પહોંચાડી શકશે નહીં.
હવે પોતાનો જીવ બચાવવાનો હતો.
તેથી તેણેઊભા રહીને ઊંડો શ્વાસ લીધો. શિયાળને લાગ્યું કે બતક થાકી ગઈ છે. તે બતકની નજીક આવવા લાગ્યું.
જેવુ શિયાળ સાવ પાસે આવ્યું કે બતક ઝડપથી તેની પાંખો ફેલાવી અને હવામાં ઉડવાલાગી. શિયાળ તેણે ઊંચે ઊડતી જોઈ રહ્યું. શિયાળે તળાવ તરફ જોયું. બતકના બચ્ચાં ક્વેક ક્વેક કરતાં તળાવના પાણીમાં તરતાં હતાં.
ઊડતી ઊડતી બતક તળાવની મધ્યમાં નીચે ઉતરી. બતકનાં બચ્ચાં તેની સાથે મોજથી તરવા લાગ્યાં.
શિયાળ બતક અને તેના બચ્ચાં તરફ અવિશ્વાસથી જોઈ રહ્યું.
તે તેમનાં સુધી પહોંચી શકાય તેમ નહોતું. તેઓ તળાવની મધ્યમાં ક્વેક ક્વેકનો કલરવ કરતાં તરતાં હતાં.
બતક તરે આગળ આગળ
ક્વેક ક્વેકનો કલરવ કરતાં
બચ્ચાં તરે પાછળ પાછળ.