- 'પુસ્તકો આપણાં સાચા મિત્રો છે. આપણે પુસ્તકો સાથે દોસ્તી કરવી જોઇએ. તો આપણને ક્યારેય એકલું ન લાગે'
- બોલકા બતકબેનને બોલ બોલ કરવાની ટેવ એટલે વાંચવામાં મન લાગે નહીં. બીજાં બાળકો સાથે વાતોએ વળગે. બીજાં બાળકોને પણ વાંચવા ન દે
- કીર્તિ પટેલ 'ઓજસ'
એક હતું તળાવ. સુંદર અને રળિયામણું. તળાવમાં માછલી, દેડકા, કાચબા રહે. સાથે એક બતકોનું ટોળું રહે. એક બતકબેનને બોલ બોલ કરવાની ટેવ. એટલે એનું નામ બોલકા બતકબેન પાડેલું.
નિશાળમાં વેકેશન પડયું એટલે બાળકો નવરાં થયાં. બિજલબેને સમર કેમ્પ શરૂ કર્યાં. તળાવકાંઠે મોટું વડલાનું ઝાડ. ઘટાદાર વડલાની ઘટાદાર છાયા. બિજલબેન બધાં બાળકોને લઇ વડલા હેઠે આવ્યાં. બોલકી બતકબેને આ જોયું. બોલકા બતકબેન તો ગાવા લાગ્યાં:
'તળાવની પાળે, વડલાની હેઠે,
આવ્યાં છે નાનાં નાનાં બાળ,
એ તો કાલાં ઘેલાં લાગતાં ભાઈ...'
બોલકી બતકને ગાતાં સાંભળી બિજલબેને એને આવકાર્યાં. બોલકા બતકબેન તો ખુશ થયાં. સાવ બિજલબેનની નજીક બેસી ગયા. બોલકા બતકબેન ટેવ પ્રમાણે એક પછી એક પ્રશ્ન પૂછતાં જાય. બિજલબેન શાંતિથી જવાબ આપે.
બિજલબેને આજે બાળકોને 'પાણીની બચત' વિશે સમજાવ્યું. સુંદર માછલીનું ચિત્ર દોરાવ્યું. એમાં સુંદર મજાના રંગો પૂરાવ્યા. આટલી સુંદર પ્રવૃત્તિ જોઈ બોલકા બતકબેનથી રહેવાયું નહિ. બિજલબેને કહે, 'બિજલબેન, મને પણ આ સમરકેમ્પમાં બેસવા દેશો?'
બિજલબેને હા પાડી. બીજા દિવસે બોલકા બતકબેન સૌથી પહેલાં આવ્યાં. આજુબાજુની જગ્યા સ્વચ્છ કરી રાહ જોવા લાગ્યાં.
થોડીવારમાં બિજલબેન બાળકોને લઇ આવી પહોંચ્યાં. બિજલબેને આજની પ્રવૃત્તિની બધી જ તૈયારીઓ કરી લીધી.
આજે બિજલબેને બાળકોને પુસ્તકોનું મહત્ત્વ સમજાવ્યું. બાળકોને નાની નાની સુંદર વાર્તાઓની ચોપડી વાંચવા આપી.
બાળકો તો શાંતિથી વાંચવા લાગ્યાં. બોલકા બતકબેનને બોલ બોલ કરવાની ટેવ એટલે વાંચવામાં મન લાગે નહીં. બીજા બાળકો સાથે વાતોએ વળગે. બીજા બાળકોને પણ વાંચવા ન દે. છેવટે બિજલબેને એક યુક્તિ કરી. સૌ બાળકોને એમણે વાંચેલા પુસ્તકમાંથી પ્રશ્નો પૂછ્યાં. જેને બધા પ્રશ્નોના જવાબ સારી રીતે આવડે તેને ઇનામ! સૌ બાળકો ખૂબ ધ્યાનથી ચોપડી વાંચવા લાગ્યાં. બોલકા બતકબેન પણ વાંચવા મંડયાં. ઇનામ મળવાની આશામાં બોલકા બતકબેને ખૂબ સારી રીતે વાર્તાની ચોપડી વાંચી. વાર્તાનું નામ હતું 'હાથીદાદાની જય હો!' બોલકી બતકબેનને બધુ યાદ રહી ગયું. છેવટે બોલકી બતકબેન ઇનામ પણ જીત્યાં!
બિજલબેને બાળકોને સમજાવ્યું, 'પુસ્તકો આપણાં સાચા મિત્રો છે. આપણે પુસ્તકો સાથે દોસ્તી કરવી જોઇએ. તો આપણને ક્યારેય એકલું ન લાગે. નકામું બોલ બોલ કરવું એના કરતાં પુસ્તકો વાંચવા, જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી, નવું નવું શીખવું, ફૂલછોડને પાણી પાવું...'
બોલકા બતકબેનને બધું જ સમજાઈ ગયું. બિજલબેને સૌને અભિનંદન આપ્યાં. બોલકા બતકબેન ખૂબ હરખાયાં. બોલકા બતકબેન તો ગાવાં લાગ્યાં:
'પુસ્તકોની દોસ્તી સારી, નાનાં ભૂલકાંની ટેવ સારી,
બિજલબેનની વાત ન્યારી,
બોલકા બતકબેન સૌને પ્યારી...'


