- આ પેલા કાદવિયાનું જ કારસ્તાન!
- ભૂંડ પણ અસ્સલ રૂપમાં આવી ગયું...
- કોઈનાં શિંગડાં અદૃશ્ય થયાં હતાં અને બીજાને મળી ગયાં હતાં. કોઈનાં પૂંછડાં બીજે ચોંટી ગયાં હતાં અને તેઓ પૂંછ-વિહીન બની ગયા હતા. જિરાફની ડોક એકદમ ટૂંકી થઈને દેહને ચોંટી ગઈ હતી. ઝીબ્રાને જિરાફનું માથું મળી ગયું હતું...
(ગયા અંકમાં તમે વાંચ્યું કે જંગલમાં એક નાનકડું ભૂંડ હતું. જેને પોતાના સીધા-સપાટ- સફેદ દેખાવ બદલ શરમ આવતી હતી. વનદેવતા એને બે વરદાન આપે છે. પરિણામે જંગલનાં બધાં પશુ-પક્ષીઓના રંગ આ ભૂંડને મળી ગયા અને અન્ય પ્રાણીઓ રગંહીન, સફેદ બની ગયાં! સૌંદર્ય-પરેડમાં ભાગ લેવા માટે ના-ના કરનાનું ભૂંડ હવે હા-હા કરવા લાગ્યું. હવે આગળ...)
બધામાં જુઓ તો નાનકડું ભૂંડ એકલું જ રૂડું રૂપાળું રળિયામણું હતું. પરેડના પાંચે પાંચ ઇનામ એને જ મળી જાય. અરે ઇનામ આપનારાઓ સામે દોડીને એને ઇનામ આપી દે.
તેમણે બનાવટી રંગો રંગી જોયા. પણ નકલ તે નકલ. બનાવટ કંઈ અસ્સલ લાગે! રંગ લાગ્યો નથી કે ઊતર્યો નથી. ઊલટાનું કૃત્રિમ રંગથી તો તેઓ વધારે ભૂંડા લાગવા લાગ્યા. સાચું પૂછો તો હવે તેઓ જ ભૂંડ હતા અને ભૂંડ તો જાણે રંગમહેલનો રાજકુમાર! બધા છકેલ ઢગેલ! પશું પંખીઓએ પાણીમાં જોયું પાણીનો અરીસો ય શરમાઈ ગયો. પોતપોતાનું રૂપ જોઈ બધા હાય-હાય કરી ગયાં. ક્યાં મોઢું સંતાડવું એ ય કોઈને સૂઝ્યું નહીં. કોઈ ઝાડ પાછળ સંતાયું. કોઈ ઝાડ પર ચઢી ગયું. કોઈ ગુફામાં પેસી ગયું તો કોઈએ કૂવો પૂર્યો.
ધોળો કાગડો કા-કા કરીને કહેતો હતો - 'એથી કંઈ રંગ નહીં આવે. એથી તમે પહેલા જેવા રૂડા રૂપાળા નહીં બનો. રંગ તો રંગથી જ આવે. બાકી ધોળા એટલે ધોળા. જે ધોળકું ઢોળાયું છે તે નહીં જ મીટે, નહીં જ ફીટે, નહીં જ દૂર થાય.'
બધાં પશુઓ ભેગા થયાં. જાણે ધવલગિરિએ હુમલો કર્યો. તેઓ એક સાથે જ બોલવા લાગ્યા- એ ભુંડિયા, એ બેબી ભૂંડ, એ ટેણિયા-મેણિયા ફેણિયા... અમારા રંગ પાછા આપી દે, તરત ને તરત પરત કર અમારા રંગ નહીં તો તને એવું ઝાપટીશું ને કે કાદવમાંય સંતાવા નહીં પામે.
રંગમાં આવેલું રંગીન ભૂંડ કહે - 'એ કંઈ તમારા રંગ-રોગાન ને છાપ છપકાર નથી. એ બધી અમારી કળા છે, કાબેલિયત છે, કુદરત છે.'
'સમજે છે શું તારા મનમાં મતિહીન ભૂંડ?'
'એ જ કે આ રૂપ રંગ અમને આકાશ તરફથી મળ્યા છે. હવે અમે ભૂંડો જ જંગલભરમાં રૂડાં રૂપાળા બની રહીશું જેને દેવદૂતના આશિષ મળે, તેના શીશ હંમેશા ઊંચા જ રહે.'
'અલ્યા એ ટમટમિયા અને ડમડમિયા એ રંગ અમારા છે, અમારા છે, અમારા છે. પરેડ શરૂ થાય તે પહેલાં જો નથી આપ્યા ને તો તને પીંખી નાખીશું, ઝીંકી નાખીશું, ચીંખી નાખીશું?
ભુંડિયું ગભરાયું હો! કે આ વળી તેણે શું કરી નાખ્યું?
તે તો પહોંચ્યું ઊંચા પહાડ પર. પહાડના શિખર પર. પૂનમની ચાંદની ઝગઝગાટ ખીલી હતી. ધોળી ચાંદની કોઈક ધોળો ઉપાય બતાવતી હતી.
ભુંડિયાને થયું કે 'ઢમ ઢમ'થી જ આવો જાદુ થયો હશે. લાવ પાછું ઠોકું ઢમ ઢમ. તેણે તો ઠોક્યું -
ઢમઢમ ઢમઢમ! ઢમઢમ ઢમઢમ!!
ચાંદની જગાડે છે તો ઊંઘાડે છે ય ખરી. પશુઓ નિરાંતે ઊંઘતા હતા. જંગલ પર નીંદર રાણીનું રાજ ફેલાયું હતું.
ઊંઘમાં પડેલાં જંગલના જીવોને ખબર નહીં કે શું થઈ રહ્યું છે.
આ વખતે વળી જુદી જાતનો ફેરફાર થયો હતો. કોઈના શિંગડાં અદૃશ્ય થયાં હતાં અને બીજાને મળી ગયાં હતાં. કોઈનાં પૂંછડાં બીજે ચોટી ગયા હતા અને તેઓ પૂંછ-વિહીન બની ગયા હતા. જિરાફની ડોક એકદમ ટૂંકી થઈને દેહને ચોંટી ગઈ હતી. ઝીબ્રાને જિરાફનું માથું મળી ગયું હતું. શિયાળને માથે ગેંડાનાં શિંગડાનો ભાર ઝામી પડયો હતો. ચિત્તાને હાથીની સૂંઢ અને હાથીદાંત મળ્યા હતા. વાઘના ડાઘાઓ રીંછને પહોંચ્યા હતા અને હરણનું મોઢું ગધેડાનું બન્યું હતું. ઉપરથી દીપડાના છાપ-છપૈયા છવાયા હતા. અરે એવી હેરાફેરી અને ફેરાફેરી થઈ હતી કે વાત ન પૂછો. કોઈ ઓળખાય તેવું રહ્યું જ ન હતું. જીવતાં ય ફાવે તેમ ન હતું.
એવું જંતર મંતર બખડજંતર જામી ગયું કે જંગલના જીવોને સૂઝ્યું જ નહીં.
આવું કદી બન્યું નથી. કદી નહીં, કદી નહીં! જાગ્યા. જંગલ જાગ્યું. પશુઓ જાગ્યાં. તેમણે પોતાની જાત નિહાળી, એ કલબલી ઉઠયા, કકળી ઊઠયા, કલ્પાંત કરી ઊઠયા - ' આ પેલા ભુંડિયાનું જ કમઠાણ. આ પેલા કાદવિયાનું જ કારસ્તાન. આ પેલા કરામતીનું જ કુ-કૃત્ય, દુષ્કૃત્ય.
તેઓ જાગ્યા, ઊઠયા, ભાગ્યા, દોડયા - એણે જ ભુરકી નાખી છે, એણે જ જાદુ-મંતર બિછાવ્યા છે, એણે જામ-જંજાળ પાથરી છે. ચાલો દોડો..પકડો એને ખતમ કરો. ધરબી દઇ ઊંડી ધરામાં કે પાછો બહાર આવે જ નહીં.'
'ચાલો...' બધા ચાલ્યા, દોડયા, છૂટયા, વછૂટયા.
પણ આ બાજુ ભૂંડની હાલત વિચિત્ર હતી. ચિત્ર-વિચિત્ર -
'અરે મારા નાકને શું થયું? અને આ મારી ૃગરદન?'
'હાય હાય! આ બધા પીંછાઓ સાથે હું કાદવમાં કેવી રીતે સૂઇ-બેસી શકીશ?'
'આવડી મોટી સૂંઢ સાથે મને કંઈ દોડવાનું ફાવશે? હું તો ગબડી જ પડીશ!'
ભૂંડભાઈનો દેહ જંગલનાં બધાં જીવોથી ભરાઈ ગયો હતો. પશુઓ જે-જે અંગનો ગર્વ કરતાં એ બધાં જ અંગો ભુંડિયાને મળી ગયા હતા! પશુઓ બદલાયાં હતાં, તો ભૂંડના હાલ એથી ય કપરા હતા.
એમ સમજો કે જાદુ બેય તરફ ચાલ્યો હતો.
ગુસ્સામાં ભૂંડ અને પશુઓ સામસામે આવી ગયા. મૂળ જેવા હતા, તેવા કોઈ જ રહ્યા નહીં કોઈ જ નહીં.
ભૂંડ કહે, 'એઈ જંગલનાં જીવો! જુઓ જુઓ તો ખરા આ તમે મારી શી હાલત કરી નાખી છે?'
અને પશુઓ કહે, 'અને તેં અમારી કેવી દશા કરી છે, એ તો જો.'
'ત્યાં જુઓ, તું જો, ખબરદાર, ચૂ-ઉપ, હરામખોર, સીધા કરી નાખીશ. દાંત તૂટી જશે, પૂંછડી જ નહીં રહે...'
બંને પક્ષ ઘાંટાઘાંટ કરવા લાગ્યા એક બીજાને ગુનેગાર ઠેરવવા લાગ્યા. લડાઈ જામી બરાબર જામી.
ભૂંડ એકલું પડયું, વિચારવા લાગ્યું તેને ખ્યાલ આવી ગયો. મોડી મોડી જાણ થઈ કે ..કે.. આ તો મારો જ વાંક.
'એ જાદુગર તે હું જ.'
'શું કહે છે?' બધાએ એકસાથે પૂછ્યું.
' એ તો વાત એવી છે ને કે મને વનદેવે ઢોલકાં આપ્યા.'
'ઢોલકા?'
'હા, ઢમઢમ ઢમઢમ..'
'તે શું કામ?'
'મારી ઇચ્છા પૂરી કરવા.'
'કેવી ઇચ્છા?'
'તમે બધાં મને ખીજવતા હતા, ચીઢવતા હતા. પજવતા હતા... વનદેવે મને બે ઢોલકાં આપ્યા. મેં બે ઇચ્છાઓ કરી. બન્ને ઇચ્છાઓ ઊંઘી ફળી. ન થવાનું થયું. એક વખત તમે બધાં સફેદ બની ગયા. ધોળા ધબ. બીજી વખત તમારા રૂપ, રંગ, ઢંગ બદલાઈ ગયા. તમે તો તો મારા જંગલનાં જીવો સાથે હું ય ક્યાંયનો ના રહ્યો. જુઓ જુઓ તો ખરા આ... આ હું લાગું છું? ન હલાય ન ચલાય, ન ખવાય, ન પીવાય, ન ન્હવાય.'
આવી દશામાં ય બધા હસ્યા. પછી કહે - 'તેના કરતાં આપણે હતાં તેવા જ કેમ ના થઈ જઈએ? શું વિચાર છે?'
'તૈયાર છો?' ભૂંડે પૂછ્યું.
'તૈયાર જ છીએ વળી, અમને કંઈ આવું ગમે છે?'
'ઠીક,' ભૂંડ કહે, 'મારે એક વખત પાછો પ્રયાસ કરવો પડશે. જોઈએ આ વખતે ઢમઢમ ઢમઢમ શું કરે છે?'
'તૈયાર છો? 'ભૂંડે પૂછ્યું,
'તૈયાર જ છીએ વળી, અમને કંઈ આવું ગમે છે?'
ભૂંડ કહે, 'ઠીક. મારે એક વખત પાછો પ્રયાસ કરવો પડશે. જોઈએ આ વખતે ઢમઢમ ઢમઢમ શું કરે છે?'
તેણે પ્રાર્થના કરી - 'હે! દેવદૂત હે ગોમ્બો! હે મોમ્બો! આ વખતે તો જરૂર ઇચ્છા પૂરી કરજો. આ ઇચ્છા મારી જ નથી, અમારા બધાંની છે, બધાની જો જો ઊંઘુ ન મરતાં ઇચ્છા દેવ! ઊલટાનું સુલટું નહીં, સુલટાનું ઊલટું નહીં. એકદમ સીધી વાત, બધું જેમ હતું તેમ, તેમજ.'
ઢમઢમ ઢમઢમ! ઢમઢમ ઢમઢમ!!
ત્રીજી વખત, હા ત્રીજી વખત, જંગલ વનમાં ઢોલ વાગ્યા. ઢમઢમ ઢમઢમ ઢમઢમ!
જંગલના પહાડ અને પાણી, આખી વનસૃષ્ટિ બની ગઈ સંગીતમય શાણી. ડોલ્યાં વનવૃક્ષો, ડોલી વડવાઈઓ, ડોલી હવા, ડોલ્યા પવનદેવ, ડાળીઓએ ઢમઢમના તાલ સાથે માથા હલાવ્યા. પહાડોએ પડઘા પાડયા. સરિતાએ સાદ મિલાવ્યા. ના, કંઈ આડુંઅવળું થયું નહીં. કંઈ ઊંધુ ચત્તુંય થયું નહીં. બધુ જેમ થવું જોઈએ તેમ જ થયું. બધું જેમ હતું તેમ જ થયું.
જંગલનાં બધાં પશું-પંખીઓ મૂળ સ્વરૂપમાં આવી ગયા હતા. હતાં તેવા થઈ ગયાં. ભૂંડ પણ અસ્સલ રૂપમાં આવી ગયું. ખુશી આનંદનો પાર નહીં.
તમામે તમામ વન્યપશુઓએ નિરાંતનો શ્વાસ લીધો.નાનકું ભૂંડ અને બીજા ભૂંડો પણ રાજીના રેડ થઈ ગયા.
મોટા પશુઓ સમજી ગયાં કે ભૂંડ નાનું છે, તેથી શું? મોટાઓએ નાનાની મશ્કરી કરવી જોઈએ... તેમની મજાક ઉડાવવી જોઈએ! મોટા જો નાનાને સાચવે તો જ તેઓ મોટા કહેવાય ને? અને પછી જ્યારે પરેડ યોજાઈ? ત્યારે જોઈ લો મઝા.
દરેક પશુએ પોતપોતાની રીતે કરામત બતાવી, કૌશલ્ય દાખવ્યું! કોઈએ ચટાપટાથી ચતુરાઈ દાખવી. કોઈએ શિંગડાંઓની સહેલ કરાવી. કોઈએ વળી લાંબી ડોકને ઉછાળી, ઉલાળી, ફેલાવી, ફેરવી, જુદાઈ દાખવી. કોઈએ વળી સૂંઢ સાથે કાનને નચાવ્યા. કોઈને રંગરંગીન પીંછાઓનો પખો ફેલાવી, ટેં-હૂં-ક ટેં-હૂંક સૂર રેલાવ્યા આખા જંગલને ગજાવી મૂક્યું. જેની પાસે જે વિશેષતા હતી તે દાખવી, પરીક્ષા આપી. ભૂંડ કંઈ બાકી રહે? તેણે હર પ્રકારની કાદવની કરામતો બતાવી. તેની કાદવિયા કસરત બધાંથી અનોખી અને અજબની હતી. બધાં ભૂંડોએ કાદવના પિરામિડ બનાવ્યા અને ઠેઠ ટોચ ઉપર ઊભું રહ્યું. હલકું-ડુલકું. પાછો હાથમાં જંગલ રાષ્ટ્રનો ઝંડો.
કાદવનાં ઝરણ, કાદવનો ફુવારો, કાદવના કૂદકા, કાદવની ડૂબકી, કાદવની એ કળાબાજી જોઈને બીજા બધાં રાજી રાજી થઈ ગયાં. નિર્ણાયકના નિર્ણયની જરૂર જ ના રહી. એકી સ્વરે બધાંએ ભૂંડને વિજેતા કરી દીધું.
કાદવમાં આટલી મઝા છે, તેની વનપશુઓને ખબર જ નહીં! તે બધા જ કાદવસ્નાનમાં કૂદી પડયા. એક બીજા પર છંટકાવ કરવા લાગ્યા. જંગલમાં ત્યારે પહેલી હોળી ખેલાઈ રહી. જાદુ વગરના ઢોલનગારાં વાગી રહ્યાં, તે જોવા દેવદૂતોય હાજર થઈ ગયા. પછી બધા ગરબે ઘૂમ્યા, ગીતો ગાયા, તાળીઓ પાડી નાચ્યા કૂધા ને એવી તો મઝા કરી કે જંગલમાં સંપનું સ્વર્ગ રચાઈ ગયું. સંપીલી હવા લહેરાઈ રહી અને જંગલ સ્વર્ગ બની રહ્યું.
સંપ ત્યાં જંપ, દૂર થયાં કંપ.
ન રહ્યા વેર, ન રહ્યાં કુસંપ


