Get The App

ઘટોત્કચનું મૃત્યુ મિત શ્રીકૃષ્ણનું સ્મિત .

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ઘટોત્કચનું મૃત્યુ મિત શ્રીકૃષ્ણનું સ્મિત                             . 1 - image

- ભીમ કરતાંય તેનો પુત્ર સવાયો બળવાન હતો, એકલે હાથે તેણે મહાભારતનું યુધ્ધ જીતી બતાવ્યું

- અલ્યા ! ભીમનો પુત્ર મરે અને શ્રીકૃષ્ણ સ્મિત રેલાવે?

- અભિમન્યુએ સાત કોઠા પાર કર્યા... 

- અર્જુન... જો, સૂરજને જો...ઉપાડ તારું ગાંડીવ! 

- અભિમન્યુને કૌરવ વડીલોએ એવી કરપીણ રીતે માર્યો કે તેના મરી ગયા પછી પણ તેને સહુ મારતાં જ રહ્યાં! કહો કે સોઈ સોઈ જેવડા ટુકડા કરી નાખ્યા.

- હરીશ નાયક

હિડિમ્બ વનમાં હિડિમ્બ અસૂરો વસતા હતા. તે બધાં જન્મજાત માનવભક્ષી હતા. તેમનો રખેવાળ હિ-હિડિમ્બ.

પાંડવો જ્યારે વનવાસ ભોગવતા હતા, ત્યારે હિ-હિડિમ્બને માણસની ગંધ આવી.

'માણસ ગંધાય... માણસ ખાઉં,' કહીને તે પાંડવોનું મુકામ શોધવા લાગ્યો, પણ તેની બહેન હિડિમ્બાને તેમની કયારની શોધ લાગી ગઈ હતી. પાંડવો એકએકથી ચઢિયાતા અને સુંદર હતા. તેમાંય ભીમની તો વાત ન પૂછો. ભીમને જોતાંની સાથે જ હિડિમ્બા મોહી પડી.

પણ પોતાના ભાઈ હિ-હિડિમ્બએ ભીમને મારીને ખાય જવાનું નક્કી કર્યું. અને તેમ જ થઈ શકે.

હિડિમ્બાએ તરત જ રૂપ પરિવર્તન કર્યું. તે બધાં જ માયાવી અસૂરો હતાં. હિડિમ્બા માનવ મહિલા જેવી જ રૂપાળી લલના બની ગઈ. તેણે ભીમને ચેતવી દીધો કે, 'હિ-હિડિમ્બ તને મારીને ખાય જવા માગે છે. સાવધ રહેજે.'

ભીમ તો લડાઈ શૂરો હતો જ. જેવો હિં-હિંના હણહણાટ કરતો હિ-હિડિમ્બ આવ્યો કે ભીમે દ્વન્દ્વ ઠેરાવી દીધું. જબરજસ્ત લડાઈ ચાલી. ભીમે હિ-હિડિમ્બને હિ-હિ-હિ પોકારાવી દીધો. હિ-હિડિમ્બ મૃત્યુ પામ્યો.

રૂપસુંદરી હિડિમ્બાએ ભીમ સમક્ષ વિવાહ પ્રસ્તાવ મૂક્યો. ભીમને માતા કુંતી, મોટાભાઈ યુધિષ્ઠિર તથા તમામ ભાઈઓની પરવાનગી મળી ગઈ. ભીમ-હિડિમ્બાનાં લગ્ન થયા. પાંડવો વનમાં રહ્યાં ત્યાં સુધી રૂપસુંદરી હિડિમ્બા આજ્ઞાંકિત વહુ બનીને બધાંની સેવા કરતી રહી.

ભીમ-હિડિમ્બા એક પુત્રનાં માતાપિતા બન્યાં. એ પુત્રનું નામ ઘટોત્કચ. તેનામાં પાંડવોનું ઓજસ અને હિડિમ્બાનું બળ આવ્યું. તે માયાવી કહ્યાગરો અને પરાક્રમી શૂરવીર બની રહ્યો. તે ભીમ જેવો ભડવીર અને હિડિમ્બા જેવો હેતાળ બની વિકસી રહ્યો.

પાંડવોએ જ્યારે વિદાય લીધી ત્યારે, એ વસમી વિદાય વખતે, માતા હિડિમ્બા કે સુપુત્ર ઘટોત્કચ્ચે વિવેકથી સાથે જવાની જીદ ન કરી. પણ કહ્યું - 'અમે તમારા જ છીએ. જ્યારે જરૂર પડે ત્યારે બોલાવજો. આંખના પલકારામાં હાજર થઈ જઈશું.'

અને વર્ષો બાદ જરૂર પડી જ.

મહાભારતના યુધ્ધમાં પાંડવોની કસોટી થવા લાગી. કૌરવો કસદાર સાબિત થવા લાગ્યા.

કટોકટીની ઘડી આવી ત્યારે શ્રીકૃષ્ણ કહે - 'ભીમ, આપણને ઘટોત્કચની જરૂર પડશે જ. તે પણ તરત જ.'

ભીમે પુત્રનું સ્મરણ કર્યું અને માયાવી ઘટોત્કચ આવી જ ગયો.

શ્રીકૃષ્ણના કહેવાથી ભીમે તરત જ તેને મોરચે મોકલી આપ્યો. પહાડ જેવો ઘટોત્કચ્છ કૌરવ સેના પર તૂટી પડયો. કંઈકને ઉછાળીને ફેંક્યા. કંઈકના માથાં ટિચાવ્યાં. કંઈકના અશ્વો ઊલટાવ્યા. કંઈક શત્રુ હાથીને તેમ જ સૈન્ય પર પછાડયા. સામે જ્યારે લડવા કોઈ યોધ્ધો તૈયાર થયો નહિ, ત્યારે દુર્યોધને કર્ણને આગળ ધર્યો.

કર્ણ અને ઘટોત્કચ વચ્ચે ખરેખરૃં યુધ્ધ જામ્યું. કર્ણએ આસૂરી દેવની માયાને પણ પહોંચી વળતો હતો. ત્યારે ઘટોત્કચ્છે અદૃશ્ય થવાનું વિચાર્યું. તે અદૃશ્ય થઈને એવો પ્રલય વરસાવવા લાગ્યો કે કૌરવસેનાને લડવાનું ફાવ્યું જ નહિ. જ્યારે સંહાર વધી ગયો ત્યારે મરતાં કૌરવોએ કહ્યું : 'કર્ણજી, હવે તમારે ઇન્દ્રાસ્ત્રનો ઉપયોગ કરવો જ રહ્યો.'

ઇન્દ્રાસ્ત્ર ઇન્દ્રએ વરદાનમાં આપેલું અમોધ શસ્ત્ર હતું. તે કદી નિષ્ફળ જતું નહિ, પણ તે માત્ર એક જ વખત વાપરી શકાતું. કર્ણે એ અજિતશસ્ત્ર અર્જુનને મારવા માટે અનામત રાખ્યું હતું, પણ અત્યારે જો તેનો ઉપયોગ નહિ કરે તો કોઈ બચે તેમ જ ન હતું.

તેણે ઇન્દ્રાસ્ત્ર ફેંક્યું. અદૃશ્ય સ્વરૂપમાં પણ ઘટોત્કચ મરાયો. તમામ પાંડવો સાથે ભીમ પણ હચમચી ઉઠયા. ત્યારે શ્રીકૃષ્ણના હોઠ ઉપર હળવું સ્મિત હતું.

ભીમે પૂછ્યું - 'શ્રી ! મારો પુત્ર હણાયો છે, અને તમે હસો છો ?'

શ્રીકૃષ્ણ કહે - 'ભાઈ ભીમ, ઘટોત્કચની વિદાયથી મને ય અત્યંત દુ:ખ થયું છે. પણ મારૃં સ્મિત કવેળાનું નથી. હું એ વીરને સ્મિતાંજલિ અર્પી રહ્યો છું. તેણે આજે પોતાની જાતનું બલિદાન આપીને મહાભારતના યુધ્ધ પરનો આપણો વિજય ટંકાર કર્યો છે. તેણે પોતાની જાત, સમર્પિત કરીને તારા ભાઈ અર્જુનને બચાવી લીધો છે. કર્ણ પાસે જે ઇન્દ્રાસ્ત્ર હતુ એ અમોધ હતું. એ અદ્વિતિય શસ્ત્રથી અર્જુન કોઈ રીતે બચી શકે તેમ ન હતો. અને કર્ણનું મૃત્યુ માત્ર અર્જુનને હાથે જ લખાયેલું હતું.'

અમર યોધ્ધાને બીજી અનેક પ્રકારની ભવ્ય અંજલિઓ તથા શ્રધ્ધાંજલિઓ મળી શકે તેમ હતું. મળતી જ હતી. મળી જ હતી. પણ શ્રીકૃષ્ણની સ્મિતાંજલિથી તેનું ભવ્ય અને દિવ્ય અભિવાદન થયું હતું. ભીમને એ ખ્યાલ આવ્યો અને તેને પણ પુત્રના વીરમૃત્યુથી ગર્વ થયો.

શ્રીકૃષ્ણે જ્યારે ભીમને ઘટોત્કચને બોલાવવાનું કહ્યું, ત્યારે જ તેમના મનમાં આગાહી ઘૂંટાતી હતી, કે ઘટોત્કચ બે રીતે યુધ્ધની દિશા બદલી શક્શે. એક તો આસૂરી પ્રહારોથી કૌરવ સેનાનો કચ્ચરધાણ કાઢી નાખશે તથા જો તેનું મૃત્યુ થાય તો કર્ણના ઇન્દ્રાસ્ત્રથી જ તે મરી શકે. કર્ણ પાસેથી કોઈ પણ રીતે શ્રીકૃષ્ણનું ઇન્દ્રાસ્ત્રનો ત્યાગ કરાવવો જ હતો.

મહાભારતના તેરમા દિવસે અર્જુન-પુત્ર અભિમન્યુનો સંહાર થયો હતો. કૌરવોએ કોઠા યુધ્ધની જે વ્યૂરચના પાંડવો સમક્ષ મૂકી હતી તે જ કરામતી હતી. અર્જુનની હાજરી હતી નહિ. અર્જુનને કોઈ પણ હિસાબે પાતાળલોક જવું જ પડે તેમ હતું. તેને ખાત્રી હતી કે એક દિવસ પૂરતું જરૂર બાકીના પાંડવો અને બીજા યોધ્ધાઓ યુધ્ધ સંભાળી લેશે. પણ એ જ તકનો લાભ દુર્યોધને લીધો.

કોઠાયુધ્ધનો પડકાર પાંડવો ન ઝીલે તો તેમાં જ તેમની બદનામી હતી. એ પડકાર નહિ સ્વીકારીને પાંડવો હાર સ્વીકારી લેતા હતા !

અને પાંડવકુળમાં કોઈ કોઠાના ઓઠાની ભૂલભૂલમણી જાણતા ન હતા. એ પડકારનું પાનનું બીડું કોઈ ઉપાડી લેવા તૈયાર ન હતું. એક પ્રકારની ઘેરી કસોટી કસાતી હતી. ત્યાં જ એક યુધ્ધ જીતીને અભિમન્યુનું આગમન થયું. તે વિજેતાના ઉન્માદમાં હતો. તેણે ઝડપથી પાનનું બીડું ઉપાડી મોઢામાં મૂકી દીધું.

તેના જન્મ સાથે જ મામા શ્રીકૃષ્ણ પાસેથી તેણે સાત કોઠા શીખી લીધા હતા. આઠમે કોઠે અવરોધ આવ્યો. તે કોઠાનું જ્ઞાન અધૂરૃં રહી ગયું. માતા સુભદ્રા શ્રીકૃષ્ણની બહેન હતી. ત્યારબાદ મામાને પણ સમય મળ્યો નહિ અને એ અધૂરૃં જ્ઞાન જ તેને માટે જોખમી બની ગયું.

સાત કોઠા તેણે પૂરી બહાદુરીથી પાર કર્યા. એટલી ત્વરા ચીવટ અને પરાક્રમથી તે આગળ વધ્યો કે કૌરવો ડરી ગયા.

દુર્યોધને નારાજી સાથે પોકાર કર્યો - 'મારો... મારો એ છોકરાને તમામ સેનાપતિઓ અને શૂરવીરોને ભેગા થવું પડે તો થાવ.' પણ આઠમે કોઠે એને પૂરો કર્રો. પૂરેપુરો પૂરો કરો.

અભિમન્યુની સાથે આઠમે કોઠે તમામ કૌરવ બળિયાઓ ભેગા થયા. અને વિવિધ દિશામાંથી આક્રમણ કરીને અભિમન્યુને માર્યો. તે પણ એવી બૂરી રીતે કે કોઈ કરડામાં કરડા ગુનેગારને ય એવી રીતે મારે નહિ. બધા કૌરવ વડીલો મારાઓ બની ગયા. પોત પોતાના શસ્ત્રોથી એકજૂટ થઇને નવતરુણ અભિમન્યુ પર હુમલો કર્યો. કોઈએ તીર માર્યા, કોઈએ તલવારો ઝાટકી, કોઈએ ભાલા ઝીંક્યા, કોઈએ ગદાઓના પ્રહારો ગૂંચ્યા.

અભિમન્યુ મરાયો. મરાયા પછી પણ વિહ્વળ વડવાઓ તેને મરાતા જ રહ્યા. કહો કે સોઈ સોઈ જેવડા ટુકડા કરી નાખ્યા.

અર્જુને જ્યારે આ નૃશંસ સમાચાર સાંભળ્યા. ત્યારે તેનું કાળજું કકળી ઉઠયું.

અભિમન્યુને હડહડતા અપમાન સાથે મારવામાં કૌરવ સેનાની જયદ્રથનો મુખ્ય હાથ હતો.

અર્જુને તે રાતે પ્રતિજ્ઞા કરી. ટંકારવ રણકાવી જાહેરમાં વેણ ઉચ્ચાર્યું - 'આવતી કાલે સાંજ સુધીમાં જો હું જયદ્રથને નહિ મારૃં તો જાતે જ ચિતા સળગાવીને મારી જાતનું બલિદાન આપી દઈશ.'

એ દૃઢ પ્રતિજ્ઞાથી દુર્યોધન એટલો ડરી ગયો કે એણે ગર્જના કરી - 'આવતી કાલે આપણું એક જ કર્તવ્ય. જયદ્રથને બચાવો. એને સંતાડીને, છૂપાવીને ચારે બાજુથી સુરક્ષા હરોળ ઉભી કરીને બચાવવો જ રહ્યો. જો સાંજ સુધી તે બચી જશે તો અર્જુન પ્રતિજ્ઞા પ્રમાણે જાતનું બલિદાન આપી દેશે. અને અર્જુન જશે પછી આપણો વિજય નક્કી જ નક્કી થઈ જશે.'

તે સાંજ સુધી કૌરવોના તમામ મોટા મોટા કાબેલ કુશળમાં કુશળ અનુભવી ચાલાક યોધ્ધાઓએ જયદ્રથને સાચવ્યો.

સાંજ પડી. સૂરજ આથમવા લાગ્યો.

અર્જુને ચિતા સળગાવી. કૌરવોએ હો-હા અને ધમાલ સાથે વિજયનાદના શંખો ફૂંક્યા.

પણ એ જ શ્રીકૃષ્ણની કરામત હતી. સૂરજ કંઈ આથમ્યો ન હતો. ધૂમ્મસ અને વાદળો હેઠળ ઢંકાયો હતો. એથી એવો ભ્રમ ઉભો થતો હતો કે સંધ્યા ઉતરી.

પણ તરત જ ધૂંમ્રધારો હટી ગઈ. વાદળાઓ વિખરાઈ ગયા. સૂરજ પાછો દેખાયો.

શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું - 'સાંજ નથી પડી. નથી જ પડી. જો સૂરજને જો. ઉપાડ ગાંડીવ. ખુશી આનંદમાં ઊઘાડા થયેલા ઉછળતાં કૌરવોમાંથી જયદ્રથને શોધી કાઢ અને ચલાવ તીર.'

જયદ્રથ તો એકદમ જ નાચતો કૂદતો બહાર આવી ગયો હતો. ધાર્યું નિશાન અર્જુનની સામે આવ્યું હતું. વીંધાયો જયદ્રથ અર્જુન બચી ગયો.

એ જ બચી ગયેલા અર્જુનને ખતમ કરવા માટે કર્ણે ઇન્દ્રાસ્ત્ર તૈયાર રાખ્યું હતું. પણ એ એકમાત્ર શસ્ત્ર તો વીર ઘટોત્કચે પોતાના દેહ પર સ્વીકારી લીધું.

કર્ણને મારવા માટેનો અર્જુનનો માર્ગ મોકળો થઈ ગયો.

શ્રીકૃષ્ણના રહસ્ય ભરેલા સ્મિતમાં આજ ભેદ છૂપાયો હતો. એટલે જ તેમણે ભીમને આશ્વાસન આપ્યું - 'પ્રિય ભીમ, તારા સુપુત્ર ઘટોત્કચે, એવું મહાન કાર્ય પાર પાડયું છે કે કુરૂક્ષેત્રના આ કરડા યુધ્ધમાં પાંડવોનો વિજય નિશ્ચિત થઈ ગયો છે. એ વનવાસી ગયો નથી, મહા પરાક્રમ પાર પાડીને તે સીધો સ્વર્ગવાસી બન્યો છે. જય ઘટોત્કચ.'