Get The App

શિયાળની ચતુરાઈ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
શિયાળની ચતુરાઈ 1 - image

- 'ભાઈઓ, હવે વરસાદ પડવાનો બંધ થઈ ગયો છે. હવે તો આપણે ચાર દીવાલો વચ્ચે જમવાની જરુર નથી. આપણે હવે પહેલાંની જેમ જ ખુલ્લામાં જમવાનું ફરી શરુ કરી દઈએ.'

ગાયત્રી જાનીએક મોટું જંગલ હતું. લીલાંછમ વૃક્ષો ઉપરાંત અહીં તળાવ પણ હતું. જંગલમાં નાનાં-મોટાં પશુ પંખીઓ રહેતાં હતાં, જેમ કે વાઘ, સિંહ, શિયાળ, રીંછ, હરણ, હાથી વગેરે. આ સૌ પ્રાણીઓમાં શિયાળ સૌથી લુચ્ચું અને ચતુર. એને ખૂબ અભિમાન હતું કે હું બધા કરતા હોશિયાર છું! એ તો એમ સમજતું કે બધા કરતાં મને જ વધારે ખબર પડે છે! 

જંગલના રાજાએ જે નિયમ કર્યો હતો એ મુજબ, સૌ એક જગ્યાએ રોજ ભેગા થતા હતા, એકબીજાની મળતા વાતો કરતા અને સાથે ભોજન લઈને છુટા પડતા હતા. તેમને રોજ નવું નવું ભોજન જમવા મળતું હતું. સૌને ખૂબ મજા આવતી હતી. 

...પણ શિયાળ તો હરણ સાથે બોલે નહીં અને વાત પણ કરે નહીં. હરણ અને શિયાળનું ઘર બાજુબાજુમાં જ હતું, છતાં પાડોશી હોવાના નાતે પણ શિયાળને હરણ સાથે વાત કરવામાં કષ્ટ પડતું! 

એક વખત ખૂબ વરસાદ પડયો. સૌએ ઉતાવળે ભોજન કરવું પડયું.  આથી રાજાએ નિયમ બદલ્યો. તેમણે કહ્યું, 'હવે આપણે એવું રાખીએ કે રોજ ખુલ્લામાં બેસવાને કારણે કોઈ એકની ઘરે બધાએ જવું અને ત્યાં જ ભેગા મળીને ભોજન કરવું. તેથી આપણને આ વરસાદ નડશે નહીં. વરસાદની તુ પૂરતું જ આપણે આ નિયમ રાખીએ છીએ. પછી પાછા પહેલાંની જેમ ખુલ્લામાં આ આ ઝાડ નીચે આપણે સૌ ભેગા થઈશું ને મોજ કરીશું...'

બધાને રાજાની વાત યોગ્ય લાગી.  સૌએ કહ્યું, 'હા, આપણે એમ જ કરીશું.'

શિયાળ તો મનમાં વિચારવા લાગ્યું: ના, મારે તો કોઈને મારે ઘરે આવવાનું આમંત્રણ આપવું નથી. હું એક કામ કરું છું. હું બધાના ઘરે જઈશ અને સૌને કહીશ કે સૌની છેલ્લે મારા ઘરે આવવાનું છે... પણ ત્યાં સુધીમાં તો ચોમાસુ પૂરું થઈ જશે ને સૌને ઘરે બોલાવવાનો મારો વારો જ નહીં આવે. 

રાજાએ પૂછયું, 'આવતી કાલે કોના ઘરે ભેગા થઈશું?' 

તરત ચિત્તો બોલ્યો, 'મારા ઘરે.'

શિયાળ તો કોઈનો સંગાથ કરવા પણ ઊભું રહે નહીં અને એકલું એકલું પહોંચી જાય, જ્યારે બીજા પ્રાણીઓ એકબીજાની સાથે અલગમલકની વાતો કરતાં કરતાં ચાલતા હોય. 

નક્કી કર્યા પ્રમાણે ચિત્તાના ઘરે બધા એકઠા થયા. રીછ તો એના ઘરના ખૂબ વખાણ કરવા લાગ્યો, 'વાહ, ચિત્તાભાઈ, તમારું ઘર તો ખૂબ સરસ છે. ખરેખર,  આપણા રાજાએ સરસ નિર્ણય કર્યો છે. આ રીતે આપણને સૌને એકબીજાનું ઘર જોવાનો મોકો મળશે અને ભોજન કરતી વખતે આપણે વરસાદથી પણ બચી શકીશું. દોસ્તો, કાલે સૌ મારા ઘરે આવજો.' 

બધાએ આનંદપૂર્વક ભોજન કર્યું ને પછી સૌ છુટ્ટા પડયા. બીજા દિવસે રીંછના ઘરે પણ સૌએ ખૂબ મજા કરી. હરણે કહેવા લાગ્યું, 'ભાઈ, આ રીતે બધાં પ્રાણીઓને ઘરે જઈને જમવામાં બહુ મજા આવે છે. કાલે મારો વારો. કાલે સૌ મારા ઘરે પણ આવજો. શિયાળભાઈ, તમારે પણ આવવાનું છે.'

શિયાળ ચુપ રહ્યો. એ મનોમન વિચારતું રહ્યું કે હરણ, તું કંઈ પણ કહે, તારા ઘરે તો હું આવવાનો જ નથી! જોકે બીજાં પ્રાણીઓ બોલી ઉઠયાસ, 'હા હા, હરણભાઈ, અમે તમારે ત્યાં ચોક્કસ આવીશું'

ત્યાં તો ધીમા ધીમા છાંટા પડવા શરુ થયા. શિયાળ કોઈને કશુંય કહ્યા વગર ધીમેથી પોતાના ઘર તરફ નીકળી ગયું.  રીછ કહે, 'એમ કરો, આજે તમે સૌ મારા ઘરે જ રોકાઈ જાઓ... પણ શિયાળ ક્યાં ગાયબ થઈ ગયું?' 

 હરણ કહે, 'શિયાળભાઈને તો મેં આજે સામેથી બોલાવ્યા ને આમંત્રણ આપ્યું, પણ એમણે મને કંઈ જવાબ આપ્યો નહીં અને એ તો ગુપચુપ પોતાના ઘરે જતા રહ્યા.'

આમ, નિયમ મુજબ દરેકનો વારો આવતો ગયો. સૌ હોંશથી સરસ ભોજન તૈયાર કરાવતા અને સૌને આગ્રહપૂર્વક જમાડતા. ધીમે ધીમે સૌ પ્રાણીઓનો વારો આવી ગયો. હવે એકમાત્ર શિયાળ બાકી રહ્યું. પણ ત્યાં તો ચોમાસુ પૂરું થવા આવ્યું.  શિયાળને તો આટલું જ જોઈતું હતું.  એણે કહી દીધું, 'ભાઈઓ, હવે વરસાદ પડવાનો બંધ થઈ ગયો છે. હવે તો આપણે ચાર દીવાલો વચ્ચે જમવાની જરુર નથી. આપણે હવે પહેલાંની જેમ જ ખુલ્લામાં જમવાનું ફરી શરુ કરી દઈએ.' 

જંગલના રાજા સિંહ બોલ્યા, 'શિયાળ, આવું ન ચાલે. તું બધાના ઘરે ભોજન કરવા ગયો હતોને? તો પછી તારે પણ સૌને ભોજન માટે સૌને તારા ઘરે આમંત્રણ આપવું જ પડે.'

 શિયાળ મૂંઝાયું. એણે વિચાર્યું: બીજાં પ્રાણીઓ મારે ઘરે આવશે તો મને કશો વાંધો નથી, પણ મારે આ હરણીયાને ઘરે નથી જ બોલાવવું.... પણ રાજા સિંહની હાજરીમાં મારે તો સૌની સાથે હરણને પણ નિમંત્રણ આપવું જ પડશે... 

શિયાળ ક-મને બોલ્યો, 'હા, તો ભાઈઓ... આવતી કાલે મારો વારો. તમે સૌ મારે ઘરે પધારજો. આપણે સૌ ભેગા મળીને ભોજન કરીશું.'

બીજા દિવસે ભોજનનો સમય થયો. સૌ જનાવરો શિયાળભાઈ ના ઘરે જવા નીકળ્યા. ત્યાં  એકદમ પવન ફૂંકાવા લાગ્યો અને મોટા મોટા છાંટા પડવા લાગ્યા. ખૂબ વરસાદ વધી ગયો. હવે બધા હરણભાઈના ઘર સુધી તો પહોંચી જ ગયા હતા. ત્યાંથી થોડે દૂર જ શિયાળભાઈનું ઘર હતું. હરણને એક વિચાર આવ્યો. એણે બધાને કહ્યું, 'આટલા વરસાદ અને પવનમાં આપણે સૌ તો ત્યાં પહોંચી જઈશું, પણ આ ચકલી, મેના, પોપટ, મોર બધાં ખૂબ હેરાન થઈ જશે. એમનાથી શિયાળભાઈના ઘરે પહોંચી શકાશે નહીં. આપણે એક કામ કરીએ. આપણામાંથી કોઈ શિયાળભાઈના ઘરે જઈને એમને અહીં જ બોલાવી લઈએ. એમને કહીએ કે આજનું ભોજન મારે ત્યાં છે.' 

વરસાદ ખૂબ વધી ગયો હતો. રીંછ અને હાથી શિયાળભાઈના ઘરે ગયા, બધી વાત કરી. શિયાળે તૈયાર કરેલું ભોજન પોતાની સાથે લીધું અને ુપછી હરણને ત્યાં પહોંચી ગયા. બધાએ હંમેશ મુજબ આનંદપૂર્વક ભોજન કર્યું. ખૂબ બધી વાતો કરી. બધા જ શિયાળને કહેવા લાગ્યા, 'શિયાળભાઈ સારું થયું અમે આવા વરસાદમાં કમસે કમ હરણના ઘર સુધી પહોંચી ગયા હતા. જો હરણે પોતાને ત્યાં તમને તેડી લાવવાની યુક્તિ ન સુઝાડી હોત તો આ ચકલી, મોર ને પોપટ ખૂબ હેરાન થઈ જાત. જરા વિચારો કે તમને કેટલા સરસ પાડોશી મળ્યા છે.'

આ સાંભળીને શિયાળ કંઇ બોલ્યું નહીં. એ મનમાં વિચારવા લાગ્યું: મારી ચતુરાઈ આજે કંઈ જ કામ ન આવી. એટલા બધા સ્વાર્થી પણ ન બની જવું  જોઈએ કે આપણી ચતુરાઈ આપણને જ કામ ન લાગે. ચોમાસુ લગભગ પૂરું થઈ ગયું હોવા છતાં વરસાદ આવ્યો એનો અર્થ એ થયો કે મારી ચતુરાઈ કુદરતને પણ નહોતી ગમી. હવે પછી હું ક્યારેય કોઈની સાથે વધારે પડતી ચતુરાઈ નહીં કરું...