- કિરીટ ગોસ્વામી
કાબર રોજ સવારે સરસ મજાની તૈયાર થાય. પછી તડકે બેસીને મસ્તીમાં ગળું ફુલાવીને ગીત ગાય...
'સોનેરી ચાંચ, મારા સોનેરી પગ,
આંખો જાણે કે મોતી ઝગમગ!
માથા પર બાબરી કેવી ચમકે!
ચાલુ શેઠાણીની જેમ લટકે!
હું તો રૂપાળી... રૂપાળી... રૂપાળી!'
આ સાંભળીને કાગડાને પણ રૂપાળા દેખાવાનું અને તૈયાર થવાનું મન થયું !
કાગડા તો પહોંચ્યો કાબર પાસે.
એણે કાબરને કહ્યું- 'કાબર, તું તો બહુ સરસ લાગે છે હો! બહુ રૂપાળી દેખાય છે...'
કાબર તો આ સાંભળીને નાનકડી સ્માઇલ આપીને બોલી- 'થેન્ક યુ, કાગડાભાઇ!'
કાગડો કહે- 'તે હેં કાબર! તારી જેમ મારેય રૂપાળું લાગવું હોય તો? મનેય કહેને! હું શું કરું જેથી હું ય તારા જેવો રૂપાળો ને સરસ લાગું?'
કાબર કહે- 'એના માટે પહેલાં તો ઠંડા પાણીથી ન્હાવું પડે!'
ઠંડા પાણીનું નામ સાંભળતાં જ ન્હાવાના ચોર એવા કાગડાને ટાઢ ચડી ગઇ. તેણે કાબરને પૂછયું- 'ઠંડા પાણીએ ન્હાવું પડે?'
કાબરે કહ્યું- 'હા, ઠંડા પાણીએ જ ન્હાવું પડે હો!'
કાગડાએ પૂછયું- 'પણ ન્હાયા વિના સુંદર દેખાવું હોય તો?'
કાબર બોલી- 'ના, કાગડાભાઇ! ન્હાવું તો પડે જ! એના વિના તો સુંદર દેખાવું શક્ય નથી.'
'તો મારે પણ ન્હાવું પડશે એમ ને!' કાગડાએ કહ્યું.
કાબર બોલી- 'હા, માથું બરાબર ભીંજાય તો બાબરી આવે!'
કાગડાએ એક સવારે ન્હાવાનું નક્કી કર્યું. ઠંડા પાણી ભરેલા કુંડામાં પહેલાં એક પગ ઝબોળ્યો.
'ઊહૂહૂહૂ...' કાગડાના મોંમાંથી ચીસ નીકળી ગઇ! શરીર આખામાં ધૂ્રજારી આવી ગઇ!
'સુંદર દેખાવા માટે ન્હાવું તો પડશે જ!' એમ વિચારીને થોડીવાર પછી હિંમત કરીને ફરીથી ઠંડા પાણીમાં કાગડાએ માથું ઝબોળ્યું.
જેવું માથું પાણીમાંથી બહાર કાઢયું કે તરત 'હાક છી..! હાક છી..!' છીંકો આવવા લાગી.
થોડીવારમાં કાગડાને ખૂબ શરદી થઈ ગઈ. એ તો ટાઢથી થરથરતો ઘેર ભાગ્યો. ત્યાં રસ્તામાં કાબર મળી.
કાબરે પૂછયું- 'અરે કાગડાભાઇ! આ શું થયું?'
'તેં કહ્યું એટલે સુંદર દેખાવા માટે ઠંડા પાણીએ ન્હાવા ગયો હતો! પણ મને તો ખૂબ શરદી થઈ ગઈ!' કાગડાએ છીંક ખાતાં કહ્યું.
કાબર બોલી- 'તૈયાર થવું કે સુંદર દેખાવું એટલું સહેલું નથી!'
કાગડો કહે- 'મારે સુંદર નથી દેખાવું! હું જેમ છું તેમ બરાબર છું!'
એ સાંભળીને કાબર ખડખડાટ હસી પડી, ને ધીમેથી બોલી- 'હમ્મ્... હવે બરાબર!'
બસ, ત્યાર પછી કાગડો સુંદર દેખાવાની વાત હંમેશ માટે ભૂલી ગયો!


