Magazines

કલ્લુ કાગડાએ ખાધો બરફગોળો .

By GS TEAM
29 May 20262 mins read
કલ્લુ કાગડાએ ખાધો બરફગોળો                                      .

- મુન્નુ બિલાડી નજીક આવતી ગઈ, ત્યારે સમજદાર ચિન્ની ચકલી તરત આકાશમાં ઊડી અને પાંખો જોરથી ફફડાવી સંકેત આપવા લાગી. પલ્લુ પોપટે ઝાડની ડાળી હલાવી અને ગોલુ કબૂતરે જમીન પર ચાંચ મારી અવાજ કર્યો.

- ડૉ. પારુલ અમિત 'પંખુડી'

એ ક જંગલ હતું, એમાં કલ્લુ કાગડો, ચિન્ની ચકલી, પલ્લુ પોપટ અને ટીલકું કબૂતર રહેતાં હતાં. ગરમીનો તાપ એવો હતો કે બધાં પશુ-પક્ષીઓ હાંફી રહ્યાં હતાં. એક દિવસ કલ્લુ બોલ્યો, 'અરે મિત્રો! આજકાલ તો બહુ ગરમી છે. ચાલો, ગામમાં જઈને બરફગોળા ખાઈએ!'

બધાં ખુશ થઈ ગયાં. 'હા હા! ચાલો, ચાલો!' ચિન્ની ચકલી ચીંચીં કરી બોલી. તેઓ ગામમાં પહોંચ્યાં. ત્યાં રંગબેરંગી બરફગોળાની લારી ઊભી હતી. લાલ, પીળા, લીલા, ગુલાબી, ચોકલેટી- કેટલા બધા રંગો! કલ્લુએ એક મોટો કાલાખટ્ટા અને ગુલાબનો ગોળો લીધો. ચિન્નીએ કેરીનો, પલ્લુએ ગુલાબનો અને ગોલુએ ઓરેન્જ ગોળો લીધો.

બધાં મજા કરીને ખાવા લાગ્યાં. પણ કલ્લુ બહુ ઉતાવળિયો હતો. એ બોલ્યો, 'હું તો પાંચ ગોળા ખાઈશ, જેથી કરીને મને ગરમી ઓછી લાગે.' 

એક પછી એક તેણે પાંચ અલગ-અલગ સ્વાદ અને રંગના બરફગોળા ખાઈ નાખ્યા. થોડા સમયમાં કલ્લુ બોલવા ગયો, 'મજા પડી ભાઈ મજા...' પણ મોંમાંથી ફક્ત 'કા... કા...' અવાજ નીકળ્યો, ગળું સાવ બેસી ગયું હતું!

બધા મિત્રોએ કહ્યું, 'વધારે ઠંડું ખાવાથી કલ્લુ તારો અવાજ બેસી ગયો.' ત્યાં જ અચાનક ઝાડીઓ પાછળથી મુન્નુ બિલાડી ધીમે ધીમે તેમની તરફ આવવા લાગી. સામાન્ય રીતે કલ્લુ જોરથી 'કા... કા...' કરીને બધાને ચેતવી દેતો, પણ આજે તો તેનો અવાજ જ નીકળતો નહોતો. તેણે બહુ પ્રયત્ન કર્યો, પણ અવાજ ન નીકળ્યો.

મુન્નુ બિલાડી નજીક આવતી ગઈ, ત્યારે સમજદાર ચિન્ની ચકલી તરત આકાશમાં ઊડી અને પાંખો જોરથી ફફડાવી સંકેત આપવા લાગી. પલ્લુ પોપટે ઝાડની ડાળી હલાવી અને ગોલુ કબૂતરે જમીન પર ચાંચ મારી અવાજ કર્યો. બધાં પંખીઓ ચેતી ગયાં અને તરત ઊડી ગયાં. મુન્નુ બિલાડી જોતી રહી ગઈ.

હાંફતાં હાંફતાં ઝાડ પર આવીને કલ્લુ કાગડો બોલ્યો, 'મિત્રો, મારી લાલચથી બધાં મુશ્કેલીમાં મુકાયાં. હવે પછી હું કોઈ પણ વસ્તુ વધારે નહીં ખાઉં.' 

ચિન્ની હસીને બોલી, 'મજા કરવી સારી, પણ સમજદારી સાથે.' 

બધાએ મળીને કલ્લુને ગરમ પાણી પીવડાવ્યું અને બે દિવસમાં તેનો અવાજ પાછો આવી ગયો. કલ્લુએ જોરથી બૂમ પાડી, 'કા... કા... કા... હવે હું સૂરીલો કાગડો છું!' 

...અને બધાં હસી પડયાં.