Get The App

ચતુર સસલું .

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
ચતુર સસલું                                               . 1 - image

- સસલાએ સિંહને પટ્ટો અને વાઘને બાજુબંધ આપ્યા. શિયાળને હાર આપ્યો. હાથીને નથડી આપી. રીંછને ટોપી આપી. વાંદરાને મોજડી આપી, ચિત્તાને વીંટી અને અજગરને કમરબંધ આપ્યા. આ જોઈને રાજા ખુશ થઈ ગયો... 

- શૈલેષ જે. કાલરિયા 'દોસ્ત'                 

એક હતું સસલું. એક વખત ઘાસમાં છૂપાવા જતાં એક પેટી મળી. એ કોઈ નાટક મંડળીની પેટી હતી. ખોલીને જોયું તો અંદર હલકી ધાતુનાં ઘરેણાં હતાં. સસલાએ વિચાર્યું કે મારે આ શા કામના! આ તો રાજાને શોભે એમ સમજી એ રાજાને ભેટ આપવા ગયો. આ ભેટથી રાજા ખુશ થશે એમ વિચારીને સસલું વનરાજના દરબારમાં પહોંચી ગયું.

રાજા સિંહ દરબાર ભરીને બેઠો હતો. તેની આસપાસ મહામંત્રી તરીકે શિયાળ અને સેનાપતિ વાઘ બેઠો હતો. બીજા મંત્રીઓ હાથી, રીંછ, વાંદરાઓ નીચેની હરોળમાં બેઠા હતા. ચિત્તો, અજગર વગેરે દરબારીઓ પણ હતા. સસલાએ આવીને રાજાની જયજયકાર કરી. પછી પેટી ધરતાં કહ્યું,  'લો મહારાજ, મારા તરફથી આ નાનકડી ભેટ...'

બધા અચંબામાં પડી ગયા. રાજાએ પેટી ખોલીને ઘરેણાં જોયાં. વનરાજે કહ્યું, 'મારી શોભા તો આ દરબારીઓ છે. તું જ એ બધાનું યોગ્ય સન્માન કર. 

સસલાએ સિંહને પટ્ટો અને વાઘને બાજુબંધ આપ્યા. શિયાળને હાર આપ્યો. હાથીને નથડી આપી. રીંછને ટોપી આપી. વાંદરાને મોજડી આપી, ચિત્તાને વીંટી અને અજગરને કમરબંધ આપ્યા. આ જોઈને રાજા ખુશ થઈ ગયો અને પૂછયું કે, આ શું સૂચવે છે?

સસલાએ કહ્યું, 'આપનો પંજો આપની તાકાત છે એટલે મેં એની શોભા વધારી છે. વાઘની ભુજાઓ મજબૂત છે, શક્તિનું પ્રતીક છે એટલે મેં બાજુબંધ આપ્યા છે. શિયાળ તમારા મહામંત્રી છે. એક રીતે રાજનો કારભાર એના પર હોય છે. એમને હાર પહેરાવી મેં રાજ્યનું સન્માન કર્યું છે. હાથીની સૂંઢ બળવાન છે. એની વિશેષતાને નથડી પહેરાવી શોભા વધારી છે. રીંછ બુદ્ધિશાળી છે તેથી એને ટોપી અને ચંચળ વાંદરાઓના પગને સલામત અને સાવધાન કરવા મોજડી આપી છે. ચિત્તો દેશ-વિદેશના નવા સંબંધો વિકસાવે છે એથી વીંટી અને અજગરને કમરબંધ આપી તેની કુશળતાની કદર કરી છે. આમ, બીજા દરબારીઓને પણ યોગ્યતા પ્રમાણે સામાન વહેંચી આપ્યો છે.'

આ જવાબ સાંભળી રાજા રાજી રાજી થયા. તેણે બધાની હાજરીમાં સસલાને સિંહાસન નજીક બોલાવી પોતાના હાથે સન્માનિત કર્યું. પોતાના અંગત સલાહકાર તરીકે નિમણૂક આપી. બધાએ રાજા સિંહનો જયજયકાર કર્યો.

કાગડાને થયું કે પેલું સસલું એક નાટકની પેટી રાજાને આપીને રાજાનું માનીતું થયું તો મારે એનાથી મોટી ભેટ આપીને દરબારમાં સ્થાન મેળવવું જોઈએ. બીજા દિવસે તે સોનીની દુકાનમાંથી પેટી ઉપાડી લાવ્યો. સીધો રાજાના દરબારમાં પહોંચી ગયો. 

પેટી ભેટ ધરતાં બોલ્યો, 'જુઓ રાજાજી, આ સાચાં સોનાં-મોતીનાં ઘરેણાં છે.  સસલાનાં ઘરેણાં તો ખોટા છે, હલકી ધાતુનાં છે.'

રાજાએ પેટી હાથમાં લીધી અને કાગડાને કહ્યું, 'ઘરેણાં તો સાચાં છે. મારી શોભા તો આ દરબારીઓ છે. તું જ એ બધાને વહેંચી દે.'

કાગડાએ તો બધાને પેટીમાંથી જે હાથમાં આવ્યું તે આપી દીધું. રાજાએ સસલા સામે જોયું. સસલાએ ઇશારો કર્યો  એટલે રાજાએ જ ન્યાય કર્યો. રાજાએ કહ્યું, 'કાગડાની અને સસલાની ભેટમાં જમીન આસમાનનું અંતર છે. સસલાનો ઇરાદો શુદ્ધ હતો. વળી એની વહેંચણી કરવાની રીતથી એ ચતુર સાબિત થાય છે. કાગડો સત્તા અને સંપત્તિની લાલચમાં ભેટ ધરે છે. એ પણ ચોરી કરીને. તેથી તેને જેલમાં પૂરી દો.'

હુકમનો અમલ થયો. કાગડાને સજા થઈ. સોનીને બોલાવી ઘરેણાં પરત કર્યાં.