Magazines

ચતુર વાંદરો અને આળસુ ગધેડો

By GS TEAM
22 May 20262 mins read
ચતુર વાંદરો અને આળસુ ગધેડો

- જે મહેનત કહે તે જ આત્મસન્માન સાથે જીવી શકે. જે મહેનત ન કરે એણે બીજાઓની દયા પર જીવવું પડે. મેં મહેનત કરી એટલે હું વટથી ફળો ખાઈશ.

- ફરીદા

એક જંગલમાં એક વાંદરો અને એક ગધેડો રહેતા હતા. વાંદરો બહુ ચતુર અને મહેનતુ હતો, જ્યારે ગધેડો બહુ આળસુ હતો. ગધેડો આખો દિવસ ઝાડ નીચે બેસી રહે અને કહે, 'મને તો કામ કરવું જ નથી.'

એક દિવસ વાંદરાએ વિચાર્યું કે ચાલો આજે ફળ એકત્ર કરીએ કે જેથી પછી આરામથી ખાઈ શકીએ. વાંદરો ઝાડ પર ચડીને કેરી, જામફળ અને કેળાં તોડી રહ્યો હતો. ગધેડો નીચે બેઠો હતો અને બોલ્યો, 'તું જ કામ કર, હું તો પછી ખાઈ લઈશ.'

થોડીવાર પછી વાંદરો ઘણાં ફળ લઈને આવ્યો. ગધેડો તરત જ દોડી આવ્યો અને બોલ્યો, 'ચાલ, હવે ફળ ખાઈએ.'

વાંદરો હસ્યો અને બોલ્યો, 'ફળ તો ખાઈશું, પણ જે મહેનત કરે તે પહેલાં ખાય. જો કોઈ ફળ વધશે તો તું ખાજે, નહીંતર તારે ભૂખ્યા રહેવાનું.'

ગધેડો કહે, 'લે, કેમ?'

વાંદરો કહે, 'કેમ એટલે શું વળી? જે મહેનત કહે તે જ આત્મસન્માન સાથે જીવી શકે. જે મહેનત ન કરે એણે બીજાઓની દયા પર જીવવું પડે. મેં મહેનત કરી એટલે હું વટથી ફળો ખાઈશ. તેં કશું જ કામ કર્યું નથી એટલે આ ફળો પર તારો કશો જ હક નથી. તારે મારી દયા પર નભવાનું છે.'

આ સાંભળીને ગધેડો શરમાઈ ગયો. પછી તેણે વિચાર્યું કે હવે હું પણ મહેનત કરીશ. તે બીજા દિવસે વાંદરા સાથે ફળ એકત્ર કરવા ગયો. બંનેએ સાથે મહેનત કરી અને પછી મજા કરીને ફળ ખાધાં. ગધેડો બોલ્યો, 'હવે મને સમજાઈ ગયું કે મહેનત કર્યા વગર મજા મળતી નથી.'