Get The App

મતવાલી મેનાનો ઘમંડ ઉતાર્યો .

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
મતવાલી મેનાનો ઘમંડ ઉતાર્યો                         . 1 - image

- વાસુદેવ સોઢા

એક વખતની વાત છે. જંગલની વચ્ચે એક મોટું આંબાનું ઝાડ હતું. એ ઝાડ પર રહેતી હતી મતવાલી મેના. એનું નામ તો મોનુ હતું, પણ બધાએ એને 'મતવાલી મેના' કહેતા હતા. કેમ? કારણ કે એ બહુ મસ્તીખોર હતી. એ મીઠું મીઠું બોલતી અને સરસ ગીત ગાતી!

રોજ સવારમાં મેના મીઠું ગીત ગાતી-

'ટીં ટીં... ટૂટુરુ ટું...ટો..!

મારા અવાજની મીઠાશ જો!'

બધાં પક્ષીઓને એનું ગીત ગમતું. પરંતુ મેના વિચારે કે, 'આ શું! થોડા પક્ષીઓને ગાઇ સંભળાવીને શું કામ? આખા જંગલમાં મારું નામ થવું જોઈએ!'

એક દિવસ મેનાએ એક ઝાડ પર પોપટ જોયો. એ એકલો બેઠો હતો. એની લીલી પાંખ અને લાલ ચાંચ.   

પોપટ બહુ હસમુખો અને મળતાવડો હતો. તેણે મેનાનું ગીત સાંભળ્યું અને બોલ્યો, 'વાહ! તારો અવાજ તો સોનાની જેમ ચમકે છે! ચાલ, તને હું નવા મિત્રો સાથે મળાવું.'

મેના ખુશ થઈ ગઈ. કહે- 'હા હા! મારે તો જંગલના બધા પક્ષીઓમાં સ્ટાર બનવું છે!'

પોપટ પોતાની નાનકડી પાંખો ફફડાવીને મેનાને જંગલનાં જુદાં જુદાં ઝાડો પર લઈ ગયો.

ક્યારેક તેઓ બુલબુલના ઝુંડ પાસે જતા, ક્યારેક કબૂતરોના ટોળા પાસે, તો ક્યારેક ટિટોડા, કોયલ અને ચકલી પાસે.

દરેક જગ્યાએ પોપટ હસી ને કહે, 'મિત્રો, આ છે અમારી મોના મેના, એકદમ મીઠું મીઠું ગીત ગાય છે!'

પોપટની આ વાતને સાંભળ્યા પછી જંગલમાં મેનાનું ખૂબ સન્માન થવા લાગ્યું. બધાં પક્ષીઓ એની તરફ પ્રેમથી જોતા. મેના તો ખુશથી ફૂલી ફૂલીને ગોળ ફરવા લાગી.

પણ મેનાના મનમાં ધીમે ધીમે ઘમંડ પ્રવેશી ગયો. એક દિવસ તેણે પોપટને કહ્યું, 'પોપટ! તારી મદદ વગર પણ હું બધાને મારી પોતાની ઓળખ આપી શકું છું. હવે હું એકલી જ ફરવા જઇશ.'

પોપટને થોડું દુખ તો થયું, પણ એણે કઈ કહ્યું નહીં. ભલે એ એની કેડી ખુદ બનાવતી. એ તો ખૂબ સરસ.

મેના એકલી એકલી અલગ અલગ ઝુંડમાં જવા લાગી... પણ હવે બધાને સમજ પડવા લાગી કે આ મેના તો ઘમંડી થઈ ગઈ છે!

કોઈ એની સાથે વધારે બોલતું નહીં, કોઈ એનાં ગીત સાંભળતું નહીં, કોઈ આમંત્રણ આપતું નહીં.

મેના અચાનક એકલી પડી ગઈ. એના ગીતને સાંભળનાર કોઈ ન રહ્યું. એણે વિચાર્યું-

'અરે! આ તો બરાબર નથી...! મેં પોપટને છોડીને ખોટું કર્યું!'

એક સાંજ એ ધીમે ધીમે પોતાના જૂના આંબાના ઝાડે આવી. ત્યાં પોપટ લીલા પાંદડા વચ્ચે બેઠેલો. મેનાએ ક્ષોભ અનુભવતાં કહ્યું, 'પોપટ... હું ખોટી હતી. મને માફ કર. હું તારી મિત્રતા ભૂલી ગઈ હતી.'

પોપટે મીઠું સ્મિત કરતાં કહ્યું,'અરે મેના! મિત્રતા તો હૃદયની વાત છે. ઘમંડ આવે ખરું,પણ સાચી વાત સમજાય એ સારી નિશાની છે. ભૂલ કબૂલવી અને મિત્ર પાસે પાછાં ફરવું એ તો સૌથી સારો ગુણ છે!'

મેના ખુશ થઈ ગઈ. પછી બે મિત્રો ફરી સાથે મળીને જુદી જુદી જગ્યા જવા લાગ્યા. 

હવે મેના ગીત ગાતાં ગાતાં એક નવી પંક્તિ ઉમેરતી-

'મિત્રતા સૌથી મોટું ગાન,

પ્રેમની આવે આન-બાન અને શાન!

ઘમંડ ક્યારેય કરવું નહીં,

ઘમંડથી થાય સૌનું અપમાન...'

અને એ દિવસથી જંગલનું દરેક પક્ષી ફરીથી મેનાને માન આપવા લાગ્યું. પોપટ અને મેના ફરીથી ગાઢ  અને ગૌરવવંતા મિત્રો બની ગયાં...