- 'હવે મને સમજાય છે કે હાથીભાઈએ આવું કેમ કર્યું! એ મારાથી ડરી ગયો હશે.'
- કીડીબાઈએ પૂછ્યું, 'કેમ ઉભા રહ્યા, હાથીભાઈ? હાથી બોલ્યો, 'સામે સિંહ આવે છે.' કીડીબાઈ કહે,'તો શું થયું? હું તમારી સાથે છું ને! તમને સિંહની બીક લાગતી હોય તો મારી પાછળ છુપાઈ જાઓ. સિંહને ખબર નહીં પડે!' કીડીબાઈની વાત સાંભળીને હાથીને હસવું આવી ગયું.
હુંદરાજ બલવાણી
એ ક હતી કીડીબાઈ. એક દિવસે તે ઝાડ નજીક પોતાના દર પાસે ઊભી હતી. એ સમયે ઝાડના પડછાયામાં બે મિત્રો બેઠા હતા. તેઓ અંદરોઅંદર વાત કરતા હતા.
એક મિત્ર કહે, 'હાથી સૌથી વધારે તાકાતવાળું પ્રાણી છે.'
બીજો મિત્ર કહે, 'સૌથી વધારે તાકાતવાળું પ્રાણી તો સિંહ છે.'
પહેલો કહે, 'હું નથી માનતો.'
બીજો કહે,'હાથીને તો એક સાધારણ કીડી પણ મારી શકે.'
પોતાનું નામ સાંભળીને કીડીબાઈના કાન ઊંચા થઈ ગયા. તે બન્ને મિત્રોની વાતો ધ્યાનથી સાંભળવા લાગી.
પહેલો મિત્ર હસવા લાગ્યો, 'કેવી ગાંડાઓ જેવી વાત કરે છે! કીડી એક મામૂલી જીવ છે તેની તાકાત કેટલી? ફૂંક મારીએ તો ક્યાંની ક્યાં પહોંચી જાય.'
બીજો કહે, તું મારી વાત ઉપર હસે છે, પરંતુ તને ખબર નથી કે કીડી હાથીના કાનમાં ઘૂસી જાય તો હાથી જેવા મોટાં અને કદાવર પ્રાણીના પણ ઘડીકમાં રામ રમી જાય. શક્ય છે કે તને આ વાતની ખબર ન હોય, પણ મેં મારા વડીલો પાસેથી સાંભળી છે.'
કીડીબાઈ તો આ વાત સાંભળીને ખુશ થવા લાગી. મનમાં કહે, 'હું હાથી કરતાં પણ વધારે શક્તિશાળી છું!'
ત્યારે તેને યાદ આવ્યું કે બે દિવસ પહેલાં હાથી તેને જોઈને મોં ફરવીને જતો રહ્યો હતો. 'હવે મને સમજાય છે કે તેણે આવું કેમ કર્યું! તે મારાથી ડરી ગયો હશે.'
તે દિવસથી કીડીબાઈ બધે કહેવા લાગી,' હું સૌથી વધારે શક્તિશાળી છું. મારો મુકાબલો કોઈ નહીં કરી શકે.'
એક દિવસે ફરી એ જ હાથી તેને રસ્તામાં મળ્યો. કીડીબાઈ તેનું ડુંગર જેવું ઊચું કદ જોઈને પહેલાં તો ડરી ગઈ. પછી હિમ્મત કરીને હાથીને કહેવા લાગી, 'હાથીભાઈ, રામ રામ!'
હાથી પોતાની મસ્તીમાં ચાલતો રહ્યો. કીડીબાઈ ઝડપથી તેની પાછળ દોડવા લાગી અને હાથીને ફરીથી કહ્યું, 'હાથીભાઈ, રામ રામ!'
હાથીને હવે લાગ્યું કે કોઈ તેની સાથે વાત કરી રહ્યું છે. તે ઊભો રહ્યો અને આમ-તેમ જોઈ કહેવા લાગ્યો, 'કોણ છે?'
કીડીબાઈ બોલી, 'હાથીભાઈ! હું છું કીડીબાઈ, અહીંયા નીચે જમીન પર.'
હાથીએ નીચે જોયું. બહુ ઝીણું-ઝીણું કોઈ જતું તેને દેખાયું. માની લીધું કે આ જ કીડીબાઈ હશે. પછી કહ્યું, 'તો તમે છો કીડીબાઈ. બોલો, શું કામ હતું?'
કીડીબાઈ બોલી , 'આમ તો કોઈ કામ નથી. પણ હું તમારી સાથે દોસ્તી કરવા ઇચ્છું છુ.'
હાથી કહે, 'દોસ્તી? ઠીક છે. આજથી તમે મારાં દોસ્ત. બસ?'
આમ કહીને હાથી ચાલવા લાગ્યો.
કીડીબાઈ વિચારવા લાગી. 'હાથીએ ઝટથી મારી વાત સ્વીકારી લીધી! આજે પણ તે મારાથી ડરી ગયો હશે. ત્યારે જ તો એક મિનિટ પણ અહીં રોકાતો નથી!'
કીડીબાઈએ હાથીની પાછળ પાછળ આવીને પૂછ્યું, 'હાથીભાઈ, તમે ક્યાં જાઓ છો?'
હાથીએ કહ્યું, 'હું જંગલ તરફ જાઉં છું. સાથે આવશો?'
કીડીબાઈએ કહ્યું, 'હા, હું પણ તમારી સાથે આવું છું.'
બન્ને સાથે ચાલવા લાગ્યાં. જંગલમાં પહોંચ્યાં ત્યારે સામે એક સિંહને જોયા. સિંહને જોઈ હાથી ઊભો રહ્યો.
કીડીબાઈએ પૂછ્યું, 'કેમ ઉભા રહ્યા, હાથીભાઈ?
હાથી બોલ્યો, 'સામે સિંહ આવે છે.'
કીડીબાઈ કહે,'તો શું થયું? હું તમારી સાથે છું ને! તમને સિંહની બીક લાગતી હોય તો મારી પાછળ છુપાઈ જાઓ. સિંહને ખબર નહીં પડે!'
કીડીબાઈની વાત સાંભળીને હાથીને હસવું આવી ગયું.
તે દિવસ પછી કીડીબાઈ એવી એવી વાતો કરવા લાગી કે તેની વાતો સાંભળીને બધાને હસવું આવી જાય.
એક દિવસની વાત છે. કીડીબાઈ પોતાનાં કપડાં સિવડાવવા જતી હતી. સામે પાછો એ જ હાથી મળ્યો. હાથીની નજર કીડીબાઈ ઉપર પડી તો પૂછ્યું, 'કેમ છો, કીડીબહેન? ક્યાં ચાલ્યાં?'
કીડીબાઈએ જવાબ આપ્યો, 'જોતા નથી કપડાં સિવડાવવા જાઉં છું? મારા માટે એક ડ્રેસ સિવડાવવો છે. મારા ભાણેજનાં લગ્ન છે.'
પછી ઉમેર્યું, 'મારી પાસે જેટલું કાપડ છે એટલામાં મારો ડ્રેસ તો થઈ જ જશે. તમે વિચારતા હશો કે તમારા માટે પણ ડ્રેસ કેમ નહીં? ચિંતા ન કરો. કપડું વધશે તો તમારા માટે પણ ચડ્ડી સિવડાવી લાવીશ, બરાબર છે ને?
કીડીબાઈની વાત પર ફરી હાથીને હસવું આવી ગયું.
એક દિવસ કીડીબાઈને સમાચાર મળ્યા કે, હાથીભાઈનો પગ ખાડામાં ફસાઈ ગયો હતો તેના કારણે તેને વાગ્યું છે અને તેને ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કીડીબાઈ કહે, 'મારા મિત્રની ખબર પૂછવા મારે પણ ઇસ્પિતાલ જવું જોઈએ. ને કીડીબાઈ દોડી ઇસ્પિતાલ તરફ. રસ્તામાં મંકોડાભાઈ મળ્યા. કીડીબાઈને પૂછ્યું, 'કીડીબહેન, આમ દોડતાં દોડતાં ક્યાં જાઓ છો?'
કીડીબાઈ બોલી, 'જુઓ મંકોડાભાઈ, અત્યારે મારી પાસે ટાઈમ નથી.'
'પણ જાઓ છો ક્યાં એ તો કહે?'
'હાથીભાઈ અસ્પતાલમાં છે. હું જાઉ છું તેમની ખબર પૂછવા. ગમે ત્યારે તેમને મારી જરૂર પડી શકે એમ છે.'
મંકોડાભાઈ હસવા લાગ્યા.
કીડીબાઈ પહોંચી અસ્પિતાલ. ત્યાં ઘણા ઓરડા હતા. આમથી તેમ ઘણી જગ્યાએ ભટકી પણ ક્યાંય હાથી ન દેખાયો. છેવટે થાકીને એક બાંકડા પર આવીને બેઠી. એ સમયે એક માણસ બાંકડા પણ બેસવા માટે ત્યાં આવ્યો. એણે બાંકડા પરથી ઘૂળ હટાવવા માટે ફૂંક મારી. માણસની ફૂંકથી કીડીબાઈ ઊડવા લાગી!
કીડીબાઈને હવે સમજાયું. એ મનોમન બોલી,'અરેરે! એક ફૂંકથી જ હું આમ ઉડી જાઉં છું તો મારામાં શક્તિ કેટલી? પજ ેહું તો ચાલી નીકળી હતી હાથીનો મુકાબલો કરવા!'
આમ, કીડીબાઈને બ્રહ્મજ્ઞાાન લાધ્યું, ને એ પાછી જમીન પર આવી ગઈ!


