લોથલની પ્રાચીન સંસ્કૃતિ .
ધ રતીકંપ કે પૂર જેવી કુદરતી હોનારતોને કારણે ક્યારેક કોઈ નાના મોટા નગરો ધરતીમાં દટાઈ જાય છે. વર્ષો પછી ખોદકામ કરતી વખતે એ મળી આવે છે. એમાંથી મકાનો, દીવાલો, વાસણો, રસ્તા, રમકડાં, સિક્કા, હથિયારો વગેરે જેવી વસ્તુઓ મળી આવતી હોય છે જે પ્રાચીન અવશેષો તરીકે ઓળખાય છે.
આવા જ પ્રાચીન અવશેષો ખંભાતના અખાત પાસે આવેલા લોથલમાં મળે છે. લોથલ અમદાવાદથી ૮૦ કિલોમીટર દૂર ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલની નગર રચના અદ્ભુત હતી. સડકો સીધી અને પહોળી હતી તથા એકબીજાને કાટખૂણે મળી હતી. કૂવા, સ્નાનાગાર તથા ગટર વ્યવસ્થા પણ હતી. લોથલમાં વિશાળ ગોદી પણ મળી આવી છે તેથી તે એક જમાનામાં ધમધમતું બંદર હશે એમ કહેવાય છે. આ ઉપરાંત ત્યાંથી પથ્થરના મણકા, માટીના રમકડાં, ધાતુનાં વાસણો પણ મળી આવ્યાં છે. આ બધું જોતાં આ સંસ્કૃતિ ખૂબ જ વિકસિત હશે અને નાગરિકોનું જીવન સુખમય હશે એમ લાગે છે.