- મોલુએ પક્ષીરાજનું માન રાખી ગુંજનટીમ અને કુંજનટીમ નામ રાખ્યાં. સૌએ કલરવ કરીને નામ વધાવી લીધાં. બંને ટીમમાં પક્ષીઓને વહેંચી દેવામાં આવ્યાં. બાકીનાં પક્ષીઓ પ્રેક્ષક બનીને ઝાડ ઉપર બેસી ગયાં. તાડનાં વૃક્ષ પરથી ગીધરાજ કોમેન્ટ્રી આપવા લાગ્યા.
- ભારતી ભંડેરી 'અંશુ'
એક હતું જંગલ. જંગલમાં જાતજાતનાં પક્ષીઓ રહેતાં હતાં. પક્ષીઓનાં ચહેકાટથી આખું જંગલ ગુંજતું રહેતું. તેથી તે ગુંજનવનથી ઓળખાતું. આ ગુંજનવનની વચ્ચે એક વિશાળ વડલો હતો. વારે તહેવારે બધાં પક્ષીઓ વડલા નીચે એકઠાં થતાં.
આજે મીઠુંપોપટનો દીકરો મોલુ પોપટ શહેરમાંથી ભણીને આવ્યો હતો. બધાં પક્ષીઓ તેને અભિનંદન આપવાં વડલા નીચે એકઠાં થયાં હતાં. મીઠુંપોપટે મીઠી વાણીથી બધાનું સ્વાગત કર્યું. સૌએ નાસ્તો કરતાં કરતાં કહ્યું, 'મોલુ, તું શહેરની કોઈ નવી રમત શીખવાડ. આજે આપણે તે રમીએ.'
મોલુ કહે,'ત્યાં તો શિયાળામાં ખેલ મહાકુંભનું આયોજન થાય. તેમાં વિવિધ રમતોની હરીફાઈ થાય.'
પક્ષીઓ કહે, 'કેમ શિયાળામાં જ?'
મોલુ કહે, 'શિયાળામાં રમત રમવાથી ઠંડી ઊડી જાય અને શરીર તંદુરસ્ત રહે. આપણે તો ઉનાળાની રજાઓમાં પણ રમીશું.'
'અરે વાહ, રમવાના પણ ફાયદા! આપણે પણ હવે દરરોજ રમતો રમીશું,' બધાં પક્ષીઓએ કહ્યું.
હોલાભાઈએ હળવેથી પૂછયું, 'ત્યાં કઈ કઈ રમતો રમાય?'
મોલુ કહે, 'કબ્બડી, ખો - ખો, દોડ, હોકી, ફૂટબોલ, ક્રિકેટ...'
મયૂરમોર કહે, 'મોલુ, બીજી બધી રમતો તો સાંભળી છે, પરંતુ આ ક્રિકેટની રમત! નવી હો.'
મોલુ કહે,'મયૂરભાઈ, ક્રિકેટ તો આખા વિશ્વમાં ખૂબ જાણીતી છે. ક્રિકેટની ટેસ્ટમેચ અને વન ડે રમાય. હવે તો ૨૦-૨૦ મેચ બહુ
લોકપ્રિય છે.'
'તો ચાલો, આપણે ક્રિકેટ રમીએ,' પક્ષીઓએ કહ્યું.
મોલુ કહે, 'એમ ક્રિકેટ ના રમાય. ક્રિકેટ રમવા બેટ, બોલ અને સ્ટમ્પ જોઈએ.'
સૌએ નક્કી કર્યું કે પહેલાં સાધનો વસાવીએ પછી આવતા રવિવારે ૧૦-૧૦ ક્રિકેટમેચ રમીશું. એ પહેલા મોલુ ક્રિકેટનાં નિયમો સમજાવી દે.
મોલુ કહે, 'સાંભળો. ક્રિકેટમેચમાં બે ટીમ હોય. એક ટીમ બેટિંગ કરે. બીજી ટીમ બોલિંગ કરે. દરેક ટીમમાં ૧૧ ખેલાડીઓ હોય છે. જે ટીમ બેટિંગ લે તેનાં બે ખેલાડી હાથમાં બેટ પકડી સામસામા સ્ટમ્પની આગળ ઊભા રહે. બીજી ટીમમાંથી એક ખેલાડી બોલિંગ કરે અને બીજા ખેલાડીઓ મેદાનમાં ફિલ્ડિંગ ભરે. આ ઉપરાંત ટીમમાં બે એમ્પાયર હોય તે સાચા ખોટાનું મૂલ્યાંકન કરે. એક ઓવરમાં છ બોલ ફેકવામાં આવે. જે ટીમ વધારે રન બનાવે તે ટીમ વિજેતા બને...'
'આ તો બહુ સહેલું છે. રવિવારે રમીશું.'
આમ કહીને બધાં છૂટા પડયાં. મોલુ અને તેમના મિત્રો તૈયારીમાં લાગ્યાં.
મોલુ કહે,'સૌથી પહેલા ક્રિકેટ રમવા લાકડાનું બેટ જોઈશે. તે માટે ઝાડ કાપીએ.'
આ સાંભળી તેના મિત્રો બોલી ઉઠયા-
'કપાય નહીં ઝાડ,
લડાવાય એને લાડ.
એ છે આશ્રયદાતા,
મનાય એનો પાડ.'
મોલુ કહે,'તો શું કરીશું?'
આ સાંભળી વડલાદાદા કહે, 'તમે સૌ અમારી ચિંતા કરો છો તે આનંદની વાત છે. હું ખુશીથી તમને મારી એક સૂકી ડાળી આપું છું.'
સૌએ વડલાદાદાનો આભાર માન્યો. પછી સૌ લક્કડખોદનાં ઘરે ગયાં.
'ધલક્કડખોદ, લક્કડખોદ,
અમને કરો એક મદદ.
બનાવી આપો સુંદર બેટ,
અમારે તો રમવું છે ક્રિકેટ.'
લક્કડખોદ કહે, 'મને રમાડજો તો બનાવી આપું...'
બધાં કહે,'હા, જરૂર.'
લક્કડખોદે પોતાની મજબૂત ચાંચથી ડાળીમાંથી બેટ બનાવી આપ્યું. લક્કડખોદનો આભાર માની સૌ ચાલ્યાં સુગરીબેનનાં ઘરે...
'બેન સુગરી, ઓ બેન સુગરી,
અદભુત છે તમારી કારીગરી,
ગૂંથી આપોને ગોળ ગોળ બોલ,
અમારે તો રમવું છે બેટ બોલ.'
સુગરી કહે, 'ઓહો! એમાં શું? હમણાં બનાવી આપું. મને પણ રમાડજો હો.'
બધાં કહે, 'હા, હા જરૂર.'
સુગરીબહેને બધાં પક્ષીઓ પાસેથી એક - એક પીછું લઈને તેને ગૂંથીને સરસ મજાનો ગોળ દડો બનાવી આપ્યો. હવે સૌ ગયા દરજીડા પાસે-
'દરજીડાભાઈ તમે તો દરજી,
સાંભળોને અમારી એક અરજી.
સીવી આપોને અમને સુંદર બોલ,
અમારે તો રમવું છે બેટ બોલ.'
દરજીડો કહે, 'હા, હા. તમે મને પણ રમાડજો.'
બધાં કહે, 'હા, હા જરૂર.'
દરજીડાએ બે મોટાં પાન લીધાં. વચ્ચે પીંછાનો દડો મૂક્યો. તણખલાથી બંને પાંદડાં સીવીને સરસ મજાનો બોલ બનાવી આપ્યો.
હવે સ્ટમ્પ માટે સૌ વાંસભાઈ પાસે આવ્યાં-
'વાંસ ભાઈ, વાંસ ભાઈ,
તમે તો છો ખાસ ભાઈ.
તમે જો સ્ટમ્પ આપો ઝટ,
તો અમે ક્રિકેટ રમીએ ફટ.'
વાંસ તો ખુશ થઈ ગયો. તુરંત વાંસના ત્રણ ટુકડા આપી દીધા.
રવિવારે બધાં પક્ષીઓ વડલા નીચે એકઠાં થયાં. મુખ્ય મહેમાન પક્ષીરાજ ગરુડ સમયસર આવી પહોંચ્યા. મોલુપોપટે કાળીટીમ અને ધોળીટીમ જાહેર કરી.
તુરંત પક્ષીરાજ ગરૂડે વિરોધ નોંધાવ્યો, 'આપણા જંગલમાં કાળાં, ધોળાં એવાં કોઈ રંગનાં ભેદભાવ નથી. આપણે સહુ એક સમાન છીએ. માટે કોઈ બીજું નામ રાખો.'


