ટમુની ફૂટપટ્ટી .

Updated: Jan 20th, 2023


- પ્રકાશ કુબાવત

- 'તું જેમ મને પ્રિય છો તેમ કરેણ વગેરે ફૂલછોડને તેના ફૂલ પ્રિય હોય છે. તું ફૂટપટ્ટી મારીને ફૂલને ખેરવી નાખે તો કરેણ વગેરે ફૂલછોડને કેટલું દુઃખ થતું હશે? વિચાર તો કરી જો.'

- નિરાશ થઈ ટમુ પાછી ઝડપથી દોડવા લાગી. હવે તો વાછરડો સાવ તેની નજીક પહોંચવા આવ્યો હતો. 'બચાવો.. બચાવો..' તે બૂમો પાડવા લાગી. 

ટમુ નામની એક છોકરી હતી. તે તેના પપ્પાનું એક માત્ર સંતાન. તેનો પડયો બોલ બધાં ઝીલે. તે પોતાનું ધાર્યું જ કરે. 

તેને નાનપણથી જ એક ખરાબ ટેવ. લોખંડની ફૂટપટ્ટી તે સાથે જ રાખે. જ્યાં જાય ત્યાં ફૂટપટ્ટી ભેગીને ભેગી. શાળાએ જાય ત્યારે પણ ફૂટપટ્ટી સ્કૂલબેગમાં ન રાખે. ફૂટપટ્ટી તેના હાથમાં જ હોય.

ઘરેથી શાળાએ જાય ત્યારે રસ્તામાં આવતાં ફૂલછોડ, વૃક્ષ અને રખડતાં પશુ વગેરેને ફૂટપટ્ટી મારતી જ જાય. ક્યારેક તો નાના બાળકને પણ ફૂટપટ્ટી મારી લે.

ટમુની ઘરે ઘણી ફરિયાદ આવતી. તેનાં મમ્મી ખૂબ સમજાવતાં, પણ માને એ બીજા.

શાળામાં શિક્ષકો પણ તેને સમજાવતા અને ક્યારેક ગુસ્સે પણ થતા. શિક્ષકોના કહેવાથી તે એક-બે દિવસ ફૂટપટ્ટી સ્કૂલબેગમાં રાખતી, પછી પાછી હતી એવી ને એવી!

એક દિવસ રાત્રે તે સૂતી હતી. તેની પાછળ એક રેઢિયાળ વાછરડો દોડતો દોડતો આવ્યો. તે વાછરડાથી બચવા ભાગવા લાગી. તે એક વૃક્ષ પર ચડવા જતી હતી, ત્યાં એ વૃક્ષ બોલ્યું, 'મારા ઉપર ચડશો નહીં. હું તને ચડવાં નહીં દઉં.' એમ કહી આખું વૃક્ષ જોરદાર પવનથી હલે એમ હલવા માંડયું. પ્રયત્ન કરવા છતાં તે હલતા વૃક્ષ પર ચડી ન શકી.

'તું મને રોજ વગર કારણે ફૂટપટ્ટી મારે છે, ત્યારે મને કેવી પીડા થતી હશે? તારે જેમ ચામડી છે તેમ મારે છાલ છે. તને ચામડી ઉપર કોઈ મારે તો કેવું લાગે? એવું જ મને લાગે છે. હું તને બચાવીશ નહીં. તું અહીંથી ચાલી જા,' વૃક્ષ બોલ્યું.

હવે દોડતી-દોડતી તે બગીચામાં ઘૂસી ગઈ. ફૂલછોડ પાછળ સંતાવા લાગી ત્યાં તો કરેણ બોલી, 'મારી પાછળ સંતાઈશ નહીં. ફૂટપટ્ટી મારીને રોજ તું મારા ફૂલ ખેરવી નાખે છે. મારા ફૂલ ખરી જતાં મને કેટલી વેદના થતી હશે? તને શું ખબર પડે? તું જેમ તારી મમ્મીની પ્યારી છે તેમ મને પણ મારા ફૂલ વ્હાલાં છે. તું કારણ વગર મારાથી મારાં ફૂલને દૂર કરે છે. હું તને વાછરડાથી બચાવીશ નહીં, તું ચાલી જા અહીંથી.'

નિરાશ થઈ તે પાછી ઝડપથી દોડવા લાગી. હવે તો વાછરડો સાવ તેની નજીક પહોંચવા આવ્યો હતો. 'બચાવો...બચાવો... ' તે બૂમો પાડવા લાગી. 

તેની બૂમો સાંભળી તેનાં મમ્મી જાગી ગયાં. એમણે ટમુને ઢંઢોળીને જગાડી. ટમુ હજુ ઝડપથી શ્વાસ લઈ રહી હતી.

તેની મમ્મીએ પૂછયું કે, 'શું થયું? કેમ બચાવો બચાવોની બૂમો પાડતી હતી?'

ટમુએ પોતાને આવેલાં સપનાની વાત કરી. મમ્મીએ તેને માથે હાથ ફેરવી પ્રેમથી સમજાવી કે, 'જેમ આપણામાં જીવ હોય છે તેમ દરેક વનસ્પતિ અને પ્રાણીમાં પણ સરખો જ જીવ હોય છે. તેનામાં પણ આપણા જેવી જ સંવેદના હોય છે. હું તને હાથની હથેળી ઉપર મારું અને તને જેવું લાગે તેવું જ વૃક્ષની છાલ ઉપર તું મારે તો તેને લાગે. તું જેમ મને પ્રિય છો તેમ કરેણ વગેરે ફૂલછોડને તેના ફૂલ પ્રિય હોય છે. તું ફૂટપટ્ટી મારીને ફૂલને ખેરવી નાખે તો કરેણ વગેરે ફૂલછોડને કેટલું દુઃખ થતું હશે? વિચાર તો કરી જો.'

આજ પહેલી વખત તેણે મમ્મીની વાત શાંતિથી સાંભળી. અને તેની વાત તેને ખૂબ જ ગમી.

મમ્મીની માફી માંગતા તે બોલી, 'મમ્મી, હવે હું ક્યારેય ફૂટપટ્ટી હાથમાં નહીં રાખું. ફૂટપટ્ટી સ્કૂલબેગમાં જ રાખીશ. ક્યારેય ફૂટપટ્ટી વૃક્ષ, ફૂલછોડ કે રેઢિયાર પશુને મારીશ નહીં.'

     બીજા દિવસે તે શાળા એ જવા નીકળી. ફૂટપટ્ટી તેના હાથમાં ન હતી. હવે તે રસ્તામાં આવતા વૃક્ષો અને ફૂલછોડને પ્રેમથી હાથ ફેરવવા લાગી.  


    Sports

    RECENT NEWS