Get The App

બોલતું ઝાડ .

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
બોલતું ઝાડ                                      . 1 - image

- શૌનક ઝાડના થડ પાસે પહોંચ્યો, ત્યારે તેણે કંઈક વિચિત્ર જોયું. થડમાં કોતરકામવાળો એક નાનો દરવાજો હતો. એમાં પિત્તળનો આગળિયો હતો જે આછો ચમકતો હતો.

ખ ળખળ વહેતાં ઝરણાઓ વચ્ચે એક ગામ વસતું હતું. તેમાં શૌનક નામનો એક છોકરો રહેતો હતો. શૌનક આઠ વર્ષનો હતો. વાંકડિયા વાળ, ભરપૂર કૂતુહલ. પોતાના ઘરની પાછળના જંગલમાં ખાંખાખોળા કરવાનું એને ખૂબ ગમતું. ખાસ કરીને એક ઘેઘુર વડનું ઝાડ એને અત્યંત પસંદ હતું. 

આ વૃક્ષ ખાસ હતું. તેની છાલ રૂપેરી-ભૂખરી હતી, તેનાં પાંદડાં નીલમણિની જેમ ચમકતાં હતાં. તેની ડાળીઓ હીંચકા બાંધી શકાય તેવી મજબૂત હતી. ગ્રામજનો તેને બોલતું ઝાડ કહેતા હતા. જોકે એને સૌ બોલતું ઝાડ શા માટે કહે છે તેની કોઈને ખબર નહોતી. કેટલાકે કહ્યું કે તે જાદુઈ છે. અન્ય લોકોએ કહ્યું કે તે ફક્ત જૂનું ઝાડ છે, જાદુઈ નહીં. 

એક તડકાવાળી બપોરે શૌનકે તેના મનપસંદ નાસ્તા - જમરૂખના ટુકડા અને મધનાં બિસ્કિટ - લીધાં અને ઝાડ તરફ પ્રયાણ કર્યું. જ્યારે શૌનક તેના થડ પાસે પહોંચ્યો, ત્યારે તેણે કંઈક વિચિત્ર જોયું. થડમાં કોતરકામવાળો એક નાનો દરવાજો હતો. એમાં પિત્તળનો આગળિયો હતો જે આછો ચમકતો હતો.

શૌનકે આંખો પટપટાવી. આ દરવાજો ગઈ કાલે તો અહીં નહોતો! 

તેણે આજુબાજુ જોયું. આસપાસ કોઈ નહોતું. એક ઊંડો શ્વાસ લઈને તેણે આગળિયો ફેરવ્યો અને દરવાજો ખોલ્યો.

પહેલાં શૌનક અચકાયો, પછી અંદર પગ મૂક્યો. અંદર મૂળ અને શેવાળની બનેલી સર્પાકાર સીડી હતી. તે ઝાડની મધ્યમાં નીચે તરફ ગયો. હળવા અવાજ સાથે તેની પાછળ દરવાજો બંધ થઈ ગયો.

તે નીચે, વધારે નીચે ગયો. તે આગિયાની જેમ ચમકતા ઓરડામાં પહોંચ્યો. ત્યાં એક પ્રાણી ઊભું હતું, જે શૌનકના ઘૂંટણ કરતાં વધારે ઊંચું નહોતું. તેને પાંદડાંવાળા વાળ, છાલ જેવી ત્વચા અને ઝાકળની જેમ ચમકતી આંખો હતી.

'સ્વાગત છે, શૌનક...' પ્રાણીએ કહ્યું. 'હું નીરવ છું, બોલતા ઝાડનો રક્ષક.'

શૌનકનું મોઢું ખુલ્લું થઈ ગયું. 'તમે મારું નામ જાણો છો?'

નીરવ હસ્યો. 'આ વૃક્ષ તેની પાસે આવનાર દરેકને ઓળખે છે. તે તેમની મુશ્કેલીઓને પણ યાદ રાખે છે.'

શૌનક નજીક આવ્યો. 'શું વૃક્ષ... જીવંત છે?' નીરવે માથું હલાવ્યું. 'હા. દરેક વનસ્પતિમાં જીવ છે. તે બહુ જ જૂનું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જંગલ ઘણું કપાઈ ગયું છે તેથી તે દુખી રહે છે. હવે બાળકો રમવા માટે ઓછા આવે છે. પહેલાં સૌ ઝાડ નીચે ભેગા થઈને વાર્તાઓ કરતા. હવે એવું ઓછું બને છે.'

શૌનકે ભવાં ચડાવ્યાં. 'આ બરાબર નથી. વૃક્ષોને પણ વાર્તાઓ સાંભળવા અને કહેવાનો હક છે.'

નીરવ કહે, 'શૌનક, શું તું અમને મદદ કરીશ? વૃક્ષને નવી વાર્તાઓની જરૂર છે. એને હિંમત, મિત્રતા અને આશ્ચર્યથી ભરેલી વાર્તાઓ સાંભળવી છે.'

શૌનક કહે, 'હું મારાથી બનતું બધું કરીશ!'

અચાનક કશેકથી પ્રકાશ ચમક્યો. શૌનક જાણે કે કોઈ અલગ જ જંગલમાં પહોંચી ગયો. અહીં આછા ગુલાબી રંગના બિલાડીના ટોપ, બોલતા પ્રાણીઓ અને હાલરડાં ગાતી નદીઓ હતી. એક ખિસકોલી તેની પાસે દોડી આવી.

'તમને વાર્તાઓ કહેતાં આવડે છેને? અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ!'

શૌનકે વાર્તાઓની ચોપડીઓ ભેગી કરી. એણે પ્રાણીઓને કેટલીય વાર્તાઓ વાંચી સંભળાવી. એને ખુદને ખૂબ બધી વાર્તાઓ આવડતી હતી. તેણે શરમાળ શિયાળનો સંકોચ છોડાવ્યો, રીંછને ડાન્સ કરતાં શીખવ્યું. એવી ગુપ્ત જગ્યાઓ શોધી કાઢી જ્યાં પતંગિયાઓ આકાશને રંગતા હતા. 

સૂર્યાસ્ત થયો. શૌનક બોલતા ઝાડ પાસે પાછો ફર્યો. નીરવે આંખો ચમકાવીને એનું ફરીથી સ્વાગત કર્યું.

'શું તમે પ્રાણીઓને વાર્તા કહી સંભળાવી?' 

'હા, ખૂબ બધી વાર્તાઓ કહી. અરે, મને પોતાને નવી નવી વાર્તાઓના કેટલાય વિષયો મળ્યા,' શૌનકે ઉત્સાહપૂર્વક કહ્યું. પછી ઉમેર્યું, 'આ વાર્તાઓમાં બીજાઓને મદદ કરવાની વાત છે, બહાદૂર અને સાહસિક બનવાની વાત છે, એકમેક પર ભરોસો કરવાની વાત છે...'  

નીરવ ખુશ થઈ ગયો. એણે શૌનકના હાથમાં એક નાનકડો છોડ મૂક્યો. 'આ છોડ તું તારી ઘરના કમ્પાઉન્ડમાં વાવજે. તે ઝડપથી એક વૃક્ષ બની જશે, જે સાંભળી શકશે!'

શૌનક છોડ હાથમાં લઈને સર્પાકાર સીડી પર ચડયો. જેવો તે થડમાંથી બહાર નીકળ્યો કે બારણું અદ્રશ્ય થઈ ગયું. હવે થડ પર માત્ર સુંવાળી છાલ દેખાતી હતી. શૌનક પોતાના ઘર તરફ દોડી ગયો. 

તે રાત્રે શૌનકે પોતાના ઘરના આંગણમાં છોડ વાવ્યો. એ રોજ છોડને પાણી પીવડાવતો. 

વર્ષો વીતતાં ગયાં. છોડ ધીમે ધીમે વૃક્ષ બનતું ગયું - ઊંચું અને મજબૂત. બાળકો તેની ડાળીઓ નીચે રમવા આવતા. તેઓ હસતા, ધમાલમસ્તી કરતા, વાર્તાઓ કહેતા. 

બાલદોસ્તો, હવે તમે પણ કોઈ વૃક્ષ પાસે જાઓ ત્યારે એકબીજાને વાર્તા કહેજો. તમારી વાર્તા વૃક્ષ પણ સાંભળશે. તમે ધ્યાનથી જોજો, વૃક્ષનાં પાંદડાં આનંદથી ખખડતાં હશે!  

- કિશોર પી.