- 'બાકી ખૂણે પડીને આમ જિંદગી યાદ કર્યા કરવી એમાં પણ મજા છે, હોં! અરે, ક્યારેક અમને જોઈને પણ તમને ઘણું જ્ઞાન મળી શકે તેમ છે.'
ઉતરાણ એટલે અગાશીનો તહેવાર.
બાએ નવો સાડલો પહેર્યો હતો, અગાશીના ખૂણામાં એક જૂનું વસ્ત્ર પડયુ ંહતું. ફાટેલું, તૂટેલું, ગાભો થઈ ગયેલું. એ વસ્ત્ર પણ બાનો એક જમાનાનો સાડલો જ હતો.
નવા સાડલાને અહંકાર થયો. તે કહે, 'કેમ, કેવીક ટાઢ વાય છે ?'
જૂનો સાડલો કહે, 'હા વળી ! શું કરીએ ? દુનિયા તો નવાને પૂજનારી છે. આપણે જૂનાં થયાં. ટૂંટિયું વાળીને પડયા છીએ.'
'એ તો ભાઈ, સૌ પોતપોતાના કર્મે ખૂણે પહોંચે છે.' નવા સાડલાએ કટાક્ષ કર્યો.
જૂનો સાડલો કહે, 'કર્મ હશે ! પણ સાથે ઉંમરનો ઘસારો પણ પહોંચવાનો જ ! નવાને એનો ખ્યાલ ન આવે. બાકી ખૂણે પડીને આમ જિંદગી યાદ કર્યા કરવી એમાં પણ મજા છે, હોં! અરે, ક્યારેક અમને જોઈને પણ તમને ઘણું જ્ઞાન મળી શકે તેમ છે.'
'જ્ઞાનની ફુરસદ કોને છે ?' પતંગની જેમ સળવળતા નવા સાડલાએ કહ્યું, 'દુનિયાની સહેલ નહિ માણીએ તો ગાભા સાથે વાતો કરીશું ? જો, દુનિયા કેટલી મસ્ત અને મોહક છે ! આકાશમાં કેટલા પતંગ ચગ્યા છે ! જરા આકાશ તરફ તો નજર કર ! એમ થાય છે કે આકાશમાં ઊડી જઈએ.'
ત્યારે જ નાનું પૂછડું શોધતો શોધતો આવ્યો. તેનો પતંગ લોટતો હતો. સ્થિર રહેતો જ નહોતો. અને લોટતા પતંગનો ઉપાય પૂંછડું. તેણે બાને કહ્યું, 'બા, પૂંછડું.'
બા કહે, 'મારા નવા સાડલા પર ક્યાં નજર નાખે છે ? એમાંથી કંઈ પૂછડું થવાનું છે ? જો પેલો ડૂચો રહ્યો. જા કર એમાંથી પૂંછડું.'
નાનુ રાજી થયો. તેણે એ જૂના સાડલામાંથી એક સરખું પાતળું લાંબું પૂંછડું બનાવ્યું.
અને ચગાવ્યો પતંગ. પતંગ ફાંકડો ચગ્યો.
જ્યારે સ્થિર ભાવે નાનુનો પતંગ આકાશમાં જતો હતો, ત્યારે પૂંછડું બોલતું હતું. એ વાણી માત્ર નવા સાડલાને જ સંભળાતી હતી. પૂંછડાના અવાજમાં જૂનો સાડલો કહેતો હતો, 'દોસ્ત, નવાનકોર ! ક્યારેક જૂનાનાં ભાગ્ય પણ જાગી ઊઠે છે. જો તો, આકાશી સહેલનો ઇરાદો તારો હતો અને એ સહેલ માણું છું હું. બાકી વાત માને તો સમજવા જેવી છે. ઉતરાણ એ જૂના-નવાનો સંયુક્ત તહેવાર છે. બે ભેગાં થઈને આનંદ માણી શકે છે.'
પૂંછડાને લીધે પતંગ અત્યંત સ્થિર હતો. બધાં ભૂલકાં એ પતંગની સહેલ ખાવા માટે તૂડી પડયા ત્યારે પૂંછડું બોલતું હતું 'આવી સ્થિરતા તે જ નવી દુનિયા ! અમે જૂના જ તે આપીશું. અને સ્થિરતમાં જ સહેલ છે, પણ....'
પૂંછડાએ નજર નીચી કરી લીધી, ધરતી તરફ આંખ ઢાળીને તેણે કહ્યું, 'પણ એ જ્ઞાન તો ડૂચા થશો ત્યારે જ આવશે. કદાચ કુદરતનો જ એ નિયમ હશે ! નવા પાસે ચંચળતા, જૂના પાસે જ્ઞાન એ જ રીતે શોભી રહે છે, જુઓ કેવી ઉતરાણ !'
- હરીશ નાયક


