Get The App

શક્કરિયાની વાગી શરણાઈ .

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
શક્કરિયાની વાગી શરણાઈ                            . 1 - image

- ડો. પ્રજ્ઞા કેયૂર પુરોહિત 

થોડી ઠંડીમાં શાકભાજીનું બજાર ભરાયું હતું. બધાં લીલાં લીલાં શાકભાજીમાં રીંગણ રાજા અને મળતાવડા સ્વભાવવાળા બટાકા તો હોય જ.

રામભાઈ કાછીયાએ પહેલાં કોથળો ખોલ્યો. સૌથી પહેલાં શક્કરિયાભાઈને ગોઠવી દીધાં. બધી શાકભાજી વિચારવા લાગી - 'રામભાઈ આને કેમ લઈ આવ્યા? આણે વળી ખાશે કોણ?'

શક્કરિયા તો આવતાં જતાં બધાને જોયા કરે. દિવસમાં માંડ માંડ કોઈ લઈ જતું. બીજાં શાકભાજી ત્રાજવે તોલાતાં જાય અને હરખાતાં જાય. શક્કરિયા ઊંચાનીચા થાય, પણ કોઈ ન લઈ જાય. બધી શાકભાજી એના પર હસતી રહે. 

બટાકાને એ ન ગમ્યું. તે ગબડતાં ગબડતાં શક્કરિયાની બાજુમાં ગયા. રામભાઈએ બીજા કોથળામાં શક્કરિયાની બાજુમાં તેમને ગોઠવી દીધાં. બેઉ સાથે બેસી વાતો કર્યા કરે. શક્કરિયાએ પોતાની પીડા બટકાને જણાવી. તેણે કહ્યું,'તને ખબર છે, હું પાણીથી ભરપૂર છું. વિટામિન 'એ' આપું છું. શિયાળામાં ખરાબ થઈ ગયેલાં વાળ અને ચામડીને સારા બનાવું છું. છતાંય આ બધા મારા પર હસે છે. એક દિવસ મારો આવશે...'

બટાકાએ કહ્યું, 'હા... એમ જ હોય. બધાનો સમય આવે.'

હવે એવું થવા માંડયું કે રામભાઈની દુકાને જે આવે તે બટાકા લે એટલે સાથે શક્કરિયા પણ લે.

એક દિવસ તો શક્કરિયાની માંગ વધી ગઈ. રામભાઈની દુકાને ગોઠવાયેલી સઘળી શાકભાજી આ જોયા કરે. એમને થાય કે કોઈ અમારી સામે પણ કેમ જોતું નથી? જે આવે તે શક્કરિયાની થેલી ભરી જાય છે. શક્કરિયા અને સાથે બટાકાને સાથે લેતા જાય છે...

રસોડામાં ફ્રીજમાં પડેલી શાકભાજી ફ્રીજ ખૂલે એટલી વાર ડોકિયાં કરી કરીને બહાર જુએ. લોકો બીજી શાકભાજી તરફ ધ્યાન પણ ન આપે. શિવરાત્રિના દિવસે લગભગ બધા શક્કરિયાં ખાય એટલે બીજાનો વારો પણ ક્યાંથી આવે!

દરેક ઘરમાં શક્કરિયાંની શરણાઈ વાગવા લાગી ને બટાકા નાચવા લાગ્યા!