- મિઠુ ધડામ્ દઈને ઝાડ પરથી કૂદ્યો! છલાંગ... ગૂંલાટ... છપાક!... અને પછી? ગગગગ... ઘઘઘઘ... નદીના ધસમસતા પાણીએ મિઠુને ઊંડે ધકેલી દીધો!
- ચંદ્રકાન્ત પથિક
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.
એક ગાઢ જંગલમાં એક નદી વહેતી હતી. એ હતી તો શાંત, પણ ખૂબ શક્તિશાળી હતી. નદીના કાંઠે વૃક્ષ પર રહેતો હતો એક ચપળ અને રમૂજી વાંદરો, જેને બધા મિઠુ નામથી ઓળખતા હતા. મિઠુ કૂદાકૂદ કરવામાં અને તોફાન-મસ્તીમાં આગળ પડતો ભાગ ભજવતો હતો, પણ એનો આત્મવિશ્વાસ વધુ પડતો હતો.
એકવાર જંગલનાં પશુઓએ નદીના બીજા કાંઠે ફળોનાં મોટાં વૃક્ષો વિશે વાતોના વડા કરવાનું શરૂ કર્યા. કોઈ કહે, 'નદીના સામે કાંઠે બોર અને જાંબુના ઝાડ છે, પણ નદી તો ખૂબ ઊંડી છે. સામેના કિનારે જવાય એવું છે જ નહીં!'
મિઠુએ પડકાર ઝીલી લીધો, 'મારા માટે કશુંય અશક્ય નથી, હું તો દરિયો પણ તરી શકું એવો છું તો આ નદીના પાણી મારા માટે શી વિસાતમાં? મારે તો એ માટે કોઈની મદદ માગવાની જરૂર નથી અને પ્રાર્થના કરવાની પણ જરૂર નથી. હું તો મારા ઊંચા કૂદકાથી ખૂબ ઝડપે સામે પાર પહોંચી જઈશ.'
...અને મિઠુ ધડામ દઈને ઝાડ પરથી કૂદ્યો!
છલાંગ... ગૂંલાટ... છપાક!... અને પછી? ગગગગ... ઘઘઘઘ... નદીના ધસમસતા પાણીએ મિઠુને ઊંડે ધકેલી દીધો!
'બચાવો! બચાવો!' મિઠુએ બૂમાબૂમ કરી મૂકી. થાય એટલા ધમપછાડા ચાલુ રાખ્યા, પણ તોફાની નદી વાંદરાભાઈને ખૂબ ઝડપથી ખેંચવા માંડી.
ત્યાં ધીમી ચાલે ચાલતો એક કાચબો આવ્યો. નામ એનું ધીરજ, પણ બધા એને હુલામણા નામથી 'ધીરુ... ધીરુ...' કહેતા હતા.
ધીરુ કાચબાએ મિઠુ વાંદરાને કહ્યું, 'મારૃં નામ ધીરુ છે પણ મારી પ્રાર્થના અતિ ઝડપી છે.'
એણે પ્રાર્થના શરૂ કરી, 'હે પરમાત્મા, મિઠુને બચાવો. એને આ શિખામણની જરૂર છે કે આપણે ઈશ્વરની સહાય વગર નદીને ઓળંગી શકતા નથી, અને પેલે પાર જઈ શકતા નથી.'
એમ કહીને ધીરુ કાચબાએ મિઠુને પોતાની મજબૂત પીઠ પર બેસાડયો અને ધીરે ધીરે કિનારે લાવ્યો.
મિઠુ શરમાઈ ગયો. એ નમ્ર અવાજે બોલ્યો, 'મેં ખરેખર ખોટો વિચાર કર્યો કે પ્રાર્થના બિનજરૂરી છે, અને 'મસલ પાવર' તેમજ 'મનોબળ' જ કામમાં લાગે છે... પણ હું ખોટો હતો. આવું વિચારીને જ મેં નદીમાં છલાંગ લગાવી હતી, પણ હું તો ડૂબવા લાગ્યો હતો, તણાવા લાગ્યો હતો. મારા પેટમાં પાણી ભરાઈ ગયું એ વધારાનું. જીવનના રક્ષક અને કર્તાહર્તા તો છેવટે ઈશ્વર જ છે!'
ધીરુ કાચબો આ સાંભળીને રાજી થયો. એ કહે, 'બિલકુલ સહી બાત, મિઠુ.'
બસ, તે દિવસથી મિઠુ અને ધીરુ બેસ્ટ ફ્રેન્ડ્ઝ બની ગયા.
દોસ્તો, ક્યારેક આપણે વિચારીએ છીએ કે આપણે પોતાના બાહુબળથી,
ચાતુર્યથી, પ્રયત્નથી બધું કરી શકીએ છીએ, આ બધું જ જરૂરી છે, પણ નમ્રતાનો ભાવ અને ઈશ્વર પ્રત્યે ધન્યતા વ્યક્ત કરવી તે પણ એટલું જ મહત્ત્વનું છે.
પ્રાર્થના એ તો નદીની વચ્ચે પસાર થતી નૌકા જેવી છે, જે આપણને સામે કિનારે સહીસલામત લઈ જાય છે. તેથી ખૂબ મહેનત કરીએ, બુદ્ધપૂર્વક વર્તીએ અને ઈશ્વરને પ્રાર્થના કરવાનું બિલકુલ ન ભૂલીએ.


