Get The App

ખટમીઠી કેરી અને પોપટલાલ .

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
ખટમીઠી કેરી અને પોપટલાલ                               . 1 - image

- માધવી આશરા

એક હતા પોપટલાલ. પોપટલાલ દેખાવે તો સીધા-સાદા લાગે, પણ ખૂબ જ રમૂજી. નખરાં તો એવાં કરે ને કે બીજાને હસવું આવે.

એક દિવસની વાત છે. પોપટલાલ કેરીના વૃક્ષની ડાળીએ બેઠા હતા. મીઠી-મીઠી કેરીઓ ખાતા હતા અને 'રામ-રામ' બોલતા હતા. ત્યાં પોપટલાલે એક કેરીમાં પોતાની ચાંચ મારી. ત્યાં તો કેરીમાંથી અવાજ આવ્યો, 'પોપટલાલ, જરા ધીરેથી ચાંચ મારો ને, મને વાગે છે!'

પોપટલાલ તો આમ-તેમ જુએ પણ કોઈ દેખાય નહીં. ત્યાં તો ફરી અવાજ આવ્યો, 'પોપટલાલ, જરા ધીરેથી ખાવ ને!' પોપટલાલ આમતેમ જુએ. ત્યાં તો તેની નજર કેરી પર પડી. તેને કેરીમાં એક સુંદર મજાની છોકરી દેખાઈ. દેખાવે એ છોકરી ખૂબ જ ગોરી હતી, જાણે કે કોઈ પરી હોય! પોપટલાલ કહે, 'અરે.. આટલી નાની અમથી કેરીમાં આ છોકરી કઈ રીતે આવી હશે?'

છોકરી કહે, 'મારું નામ ખટમીઠી કેરી છે.' 

પોપટલાલ કહે, 'પણ તું આમાં કેવી રીતે આવી?'  

કેરી કહે, 'એક દિવસની વાત છે. મને કેરી બહુ ભાવે. વૃક્ષ પર કેરી જોઉં એટલે મારું મન લલચાય અને હું કેરી ખાવા લાગું.'

પોપટલાલનું મગજ તો હજુ ત્યાં જ અટક્યું હતું કે આ છોકરી કેરીમાં કેમ આવી? પોપટલાલે ફરી કહ્યું, 'હા, પણ તું કેરીમાં કેમ આવી?'  

કેરી કહે, 'એક વખત હું કેરી ખાતી હતી, ત્યારે એક વિશાળ કદવાળો રાક્ષસ મારી સામે આવ્યો અને કહે - તું મારી કેરી કેમ ખાય છે? હું તો ડરી ગઈ. મેં માફી માગી, પણ પેલા રાક્ષસે મને જાદુ કરીને આ કેરીમાં કેદ કરી લીધી.'

પોપટલાલ કહે, 'પણ કેરીમાં છોકરી કેવી રીતે જઈ શકે?' 

બિચારી કેરી તો પોપટલાલના આ સવાલથી જ કંટાળી ગઈ! એટલે વાત બદલતા કેરીએ કહ્યું, 'પોપટલાલ, તમે મારા મિત્ર થશો?' 

પોપટલાલ કહે, 'હા, જરૂર.' કેરી કહે, 'સારું, તો હવેથી આપણે બંને હંમેશા સાથે જ રહીશું.'

આમ ખટમીઠી કેરી અને પોપટલાલ વચ્ચે મિત્રતા થઈ ગઈ. પોપટલાલ તો ખટમીઠી કેરીને પોતાની ડોકમાં લઈને ફરે. 

એમ કરતાં કરતાં દિવસો વીતવા લાગ્યા. એક સમયે બંને ફરવા નીકળ્યાં. ફરતાં-ફરતાં એક અજાણ્યા જંગલમાં આવી ગયાં. પોપટલાલ તો કેરીને ડોકમાં લઈને ઉડતા હોવાથી થાકીને લોથપોથ થઈ ગયા.

એક વૃક્ષની ઠંડી છાયા જોઈને બંને વિસામો કરવા બેઠા. ઠંડા અને મીઠા પવન નીચે બંનેને નીંદર આવી ગઈ. થોડો સમય પસાર થયો ત્યાં તો એક મોટું અટ્ટહાસ્ય સંભળાયું! બંને ભર નીંદરમાંથી જાગી ગયાં. જોયું તો સામે એ જ રાક્ષસ ઊભો હતો. રાક્ષસ કહે, 'અરે ઓ પોપટલાલ, આ ખટમીઠી કેરી મને આપી દે.' 

પોપટલાલ કહે, 'શું કામ આપું?' 

રાક્ષસ કહે, 'જો હું આ કેરી ખાઈશ તો હું સૌથી શક્તિશાળી બની જઈશ.'

પોપટલાલ કહે, 'તારે કેરી ખાવી હોય તો પહેલા મને એક શરતમાં હરાવી દે, તો હું તને કેરી આપી દઈશ.' 

રાક્ષસ કહે, 'બોલ તારી શરત.' 

પોપટલાલ કહે, 'હું જે ફળને ચાંચ મારું તે મીઠું જ હોય છે. એટલે તારે પણ વૃક્ષ પરથી જે મીઠા ફળ હોય તે વીણીને લાવવાના. જેના બધાં ફળ મીઠાં હશે તે જીતી જશે.' 

રાક્ષસ કહે, 'મને મંજૂર છે.'

પોપટલાલ અને રાક્ષસ જંગલનાં બધાં વૃક્ષો પરથી ફળો લઈ આવ્યા. પોપટલાલનાં તો બધાં ફળ મીઠાં મધ જેવાં નીકળ્યાં, પણ રાક્ષસનાં એકેય ફળ મીઠાં નહોતાં. કાં તો ખાટાં હોય, કાં તો તૂરાં હોય અથવા કડવાં હોય! રાક્ષસ હારી ગયો અને ગાયબ થઈ ગયો. પેલી ખટમીઠી કેરી પણ કેરીમાંથી ફરી સુંદર પરી બની ગઈ. પોપટલાલ તો એ સુંદર પરીને જોઈ રાજી થઈ ગયો.

કેરી કહે, 'તારો આભાર, પોપટલાલ! તે પેલા વિશાળ કદવાળા રાક્ષસને હરાવીને તેને ગાયબ કરી દીધો, એટલે હું પણ આ કેદમાંથી આઝાદ થઈ ગઈ. બોલ પોપટલાલ, હવે તારે શું જોઈએ છે?' 

પોપટલાલ કહે, 'મારે કશું નથી જોઈતું. પણ હું જ્યારે તને યાદ કરું ત્યારે મારી સાથે તું મારી ડોકમાં લટકાઈને ફરવા અને ઉડવા આવજે.' 

કેરીએ કહ્યું, 'હા, હું જરૂર આવીશ.' 

એમ કહી ખટમીઠી કેરી ત્યાંથી ગાયબ થઈ ગઈ. પોપટલાલ 'રામ-રામ' કરતા ફરી પોતાના ઠેકાણે આવી ગયા. ખાધું, પીધું ને મોજ કરી!