Get The App

સ્વરા, મિહાન અને લખોટીની સેના .

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
સ્વરા, મિહાન અને લખોટીની સેના                          . 1 - image

- 'મિહાનભાઈ,' સ્વરા ધીમેથી બોલી, 'આ વેકેશન તો ખરેખર જાદુઈ નીકળ્યું. મને લાગતું હતું કે આપણે બહાર ક્યાંય ફરવા નહીં જઈએ તો કંટાળો આવશે પણ મમ્મીના પટારાએ તો આપણને આખી દુનિયા બતાવી દીધી.'

- નિલેશ અંતાણી

વે કેશન એટલે શું? વેકેશન એટલે ભણતરની પોથીઓને પાટાપીંડી કરી કબાટમાં સુવડાવી દેવી તે! ૬ વર્ષની લાડકી સ્વરા અને ૧૦ વર્ષનો તોફાની પણ સમજદાર મિહાન બંને ભાઇ બહેનના ચહેરા પર અત્યારે વેકેશનનો ગુલાલ ઉડતો હતો. કુતૂહલનો દરિયો ઘૂઘવતો હોય એમ આ બંને ભાઈ-બહેનની આંખોમાં પણ કંઈક નવું શોધવાની તરસ હતી.

બપોરનો સમય હતો. સૂરજદાદા આકાશમાં સોનાના સિક્કા વેરતા હતા. મમ્મી બપોરની શાળામાં ભણાવવા ગઈ હતી. આખું ઘર શાંત હતું, પણ સ્વરા અને મિહાનનું મગજ તો પવનચક્કીની જેમ ફરતું હતું.

'મિહાન ભાઈ, આજે આપણે શું કરીશું? ગીલ્લી-દંડા તો રોજ રમીએ છીએ,' સ્વરાએ પોતાની નાનકડી ચોટલી ઝુલાવતા પૂછયું.

મિહાનના મગજમાં એક વિચારનો ઝબકારો થયો. 

'સ્વરા, તને ખબર છે? પેલા ઉપરના માળે જે પેલો જૂનો કબાટ છે ને, એની પાછળ એક મોટો લાકડાનો પટારો પડયો છે. મમ્મી કહેતી હતી કે એમાં એમના બાળપણના ખજાના છે!'

'ખજાનો?' સ્વરાની આંખો તો ચણીબોર જેવી મોટી થઈ ગઈ. 

'ચાલ, જલ્દી જઈએ!'

બંને ભાઈ-બહેન ચોર પગલે દાદર ચઢી ઉપરના રૂમમાં પહોંચ્યાં. ધૂળની નાની ડમરીઓ હવામાં નાચતી હતી. ખૂણામાં પડેલો એ જૂનો પટારો જાણે વરસોેથી કોઈની રાહ જોતો હોય એમ શાંત બેઠો હતો. મિહાને જોર કરીને પટારાનું ઢાંકણું ખોલ્યું.

કચરરર... ચૂં...

એવો અવાજ આવ્યો જાણે પટારો પોતે હસી રહ્યો હોય! અંદરથી જે નીકળ્યું એ જોઈને બંને સ્તબ્ધ થઈ ગયાં. કોઈ સોના-મોહર નહીં પણ એથીય કિંમતી વસ્તુઓ હતી - એક લાલ રંગની જૂની લખોટીઓ ભરેલી બરણી, લાકડાનો સુંદર કોતરેલો ભમરડો, કાપડના બનાવેલા થોડા જૂના દડા, એક તૂટેલી પિપૂડી અને પતંગના થોડા ફાટેલા કાગળ.

સ્વરાએ લાલ લખોટી હાથમાં લીધી. 

'મિહાન ભાઈ, જુઓ આ તો સૂરજદાદા જેવી ચમકે છે !'

મિહાને ભમરડો લીધો અને જમીન પર ફેંક્યો. ભમરડો તો એવો ઘૂમવા લાગ્યો જાણે કોઈ નર્તકી સ્ટેજ પર નાચતી હોય! એનો 'ગરરર... ગરરર...' અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠયો. સ્વરા અને મિહાન તો તાળીઓ પાડી નાચવા લાગ્યાં. એમની નિર્દોષ ખુશી જોઈને ઘરની ભીંતો પણ જાણે મલકાતી હતી.

'ચાલ સ્વરા, આજે આપણે આ વસ્તુઓથી આપણું પોતાનું નવું જંગલ બનાવીએ...' મિહાને યુક્તિ સુઝાડતા કહ્યું.

વેકેશનની મજા જ એ છે કે તમે રસોડાની સાવરણીને ઘોડો બનાવી શકો અને પલંગની ચાદરને આકાશ! મિહાને ચાદરો ભેગી કરી એક સુંદર 'તંબુ' બનાવ્યો. સ્વરાએ તેની ઢીંગલીઓને જંગલના 'રહેવાસીઓ' તરીકે ગોઠવી દીધી. પેલા પટારામાંથી નીકળેલી જૂની વસ્તુઓ હવે જાદુઈ હથિયાર બની ગઈ હતી. જેમ કે, (૧) લખોટીઓ - આ તો ઝેરીલા સાપનાં ઈંડાં હતાં, જેને સાચવવાના હતાં. (૨) ભમરડો - આ જંગલનો ચોકીદાર હતો, જે સતત ગોળ ફરીને દુશ્મનો પર નજર રાખતો. (૩) પિપૂડી - આ જોખમ સમયે વગાડવાનું સાયરન હતું.

'સાચવજે સ્વરા ! પેલા ગાદલા નીચે મોટો ડ્રેગન છુપાયો છે !' મિહાને ગંભીર થઈને કહ્યું. 

સ્વરા તો ડરીને મિહાનની પાછળ છુપાઈ ગઈ. 

'ભાઈ, મારી પાસે તો આ જાદુઈ લખોટી છે, હું એને મારીશ એટલે ડ્રેગન ભાગી જશે !'

બંન્ને ભાઇ-બહેનની કલ્પનાની પાંખો એવી તો ઉડી કે તેઓ ભૂલી ગયા કે તેઓ ઘરના એક રૂમમાં છે. તેમને તો ત્યાં નદીઓ દેખાતી હતી, પહાડો દેખાતા હતા અને પક્ષીઓનો કલરવ સંભળાતો હતો.

સાંજ પડી. 

સૂરજદાદા થાકીને ઘરે જવાની તૈયારી કરતા હતા. મમ્મી શાળાએથી ભણાવીને આવી અને સીધી ઉપરના રૂમમાં ગઈ. રૂમનું દ્રશ્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. એમનો જૂનો પટારો ખુલ્લો હતો અને સ્વરા-મિહાન એ જ રમકડાંથી રમી રહ્યા હતા જેમનાથી પોતે વરસો પહેલાં રમતી હતી.

મમ્મીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. 

'અરે વાહ! મારો ભમરડો હજુ પણ આટલો સરસ ફરે છે ?'

સ્વરા મમ્મીને વળગી પડી. 

'મમ્મી, તું જો, અમે જંગલમાં સફર કરી આવ્યા ! અને આ લખોટીઓ તો જાદુઈ છે.'

મમ્મી નીચે બેસી ગઈ. એમણે મિહાનને પાસે બોલાવ્યો અને વાર્તા શરૂ કરી, 'બેટા, આ માત્ર રમકડાં નથી. આમાં મારું બાળપણ છે. હું જ્યારે નાની હતી ત્યારે મોબાઈલ કે વીડિયો ગેમ નહોતી. આ લખોટીની એક ઠેક અને ભમરડાની એક ગતિમાં આખું વિશ્વ સમાઈ જતું હતું.'

એ સાંજે ટીવી ચાલુ ન થયું. કોઈએ મોબાઈલ ન જોયો. મમ્મીએ સ્વરા અને મિહાનને શીખવ્યું કે કેવી રીતે લખોટીની 'ચીરી' લગાવાય અને કેવી રીતે ભમરડાને આંગળી પર નચાવાય. સ્વરાએ મમ્મીના જૂના ઓઢણામાંથી ઢીંગલીઓ માટે નવાં ઘર બનાવ્યાં.

રાત્રે જ્યારે આકાશમાં તારા ટમટમતા હતા, ત્યારે સ્વરા અને મિહાન અગાશી પર ચાદર પાથરીને સૂતા હતા.

'મિહાનભાઈ,' સ્વરા ધીમેથી બોલી, 'આ વેકેશન તો ખરેખર જાદુઈ નીકળ્યું. મને લાગતું હતું કે આપણે બહાર ક્યાંય ફરવા નહીં જઈએ તો કંટાળો આવશે પણ મમ્મીના પટારાએ તો આપણને આખી દુનિયા બતાવી દીધી.'

મિહાને આકાશ તરફ જોયું. 

'હા સ્વરા, મજા તો આપણી અંદર જ છુપાયેલી હોય છે. બસ, એને શોધવા માટે એક 'પટારો' ખોલવાની જરૂર હોય છે.'

બંને ભાઈ-બહેન એકબીજાનો હાથ પકડીને સપનાંની દુનિયામાં સરી પડયાં. એ રાત્રે મમ્મીના જૂના ભમરડા પણ જાણે એમનાં સપનાંમાં ગોળ-ગોળ ફરીને ગીતો ગાતા હતા. વેકેશનની આ નિર્દોષ ઉજાણીમાં કોઈ ખર્ચ નહોતો, માત્ર હૃદયનો હરખ હતો અને ભાઈ-બહેનનો અતૂટ પ્રેમ હતો.

બોધ 

બાળકો તો ફૂલ જેવાં હોય છે જો એમને એમની કલ્પનાનું પાણી મળે તો તેઓ આખું નંદનવન ખીલવી શકે છે !