- જે કોઈ વ્યક્તિ સ્વામીજીને રસ્તામાં દેખાતી, તેમને સાદ પાડીને મોટરકારમાં બેસાડવામાં આવતા. આમ કરતાં મોટરકાર આખી ભરાઈ ગઈ. હવે સહેજ પણ તેમાં જગ્યા નહોતી
હુંદરાજ બલવાણી
એક હતા સ્વામીજી. મોટું નામ હતું એમનું. શહેરમાં દૂર દૂર સુધી રહેતા લોકો એમના દર્શન કરવા તેમજ પ્રવચન સાંભળવા એમની કુટિયામાં આવતા. એમના પ્રવચનમાં એટલી તો અસર હતી કે બધા એમના પ્રવચનમાં ખોવાઈ જતા. સ્વામીજી બધાને સદાચારી અને સંસ્કારી બનવાની સલાહ આપતા.
સ્વામીજીના કેટલાક શિષ્યોમાંના એક શ્રીમંત શિષ્યે સ્વામીજીને ભેટ સ્વરૂપે એક મોટરકાર આપી. સ્વામીજીએ તે સ્વીકારવાની ના પાડી શક્યા, પણ સ્વામીજી તો મોટે ભાગે કુટિયાથી બહાર નહોતા જતા. એટલે મોટરકાર ઘણા દિવસ કુટિયાની બહાર પડી રહી.
એક દિવસ સ્વામીજીના એક શિષ્યે વિનંતી કરી, 'સ્વામીજી, આપ મારે ઘરે પધારો એવી મારી ઇચ્છા છે. આપના પવિત્ર ચરણ મારા ઘરે પડશે તો મારું ઘર પવિત્ર થશે. માટે આપ મારી વિનંતી સ્વીકારો.'
શિષ્યનો પ્રેમ જોઈને સ્વામીજીએ કહ્યું, 'વત્સ, અમે તો પ્રેમ અને સ્નેહના ભૂખ્યા છીએ. બધા પ્રેમીઓના ઘેર જવાની મારી ઇચ્છા પણ થાય છે પરંતુ...'
'પરંતુ શું સ્વામીજી?' શિષ્યે પૂછ્યું.
'એક તો અમે ભાગ્યે જ બહાર નીકળીએ છીએ. બીજું, તમારા જેવા પ્રેમીઓની સંખ્યા પણ મોટી છે. કોને ત્યાં જઈએ અને કોને ત્યાં ન જઈએ એ પ્રશ્ન મનમાં સ્વાભાવિક રીતે થયા કરે છે. એટલે કોઈના ઘરે જઈ શકતા નથી.'
'પણ મારી ઇચ્છા..' શિષ્યે ફરી આગ્રહ કર્યો.
'વત્સ, તારું ઘર છે અહીંથી ખાસ્સું દૂર. આટલું દૂર અવાય કેવી રીતે?'
'તો પછી મોટરકાર ક્યારે કામ આવશે?'
'એ તો ઠીક પણ ડ્રાઈવર..'
'એની ચિંતા આપ ન કરો. મારી બાજુમાં એક ભાઈ રહે છે જેને મોટરકાર ચલાવતા આવડે છે. તે ખાનગી પેઢીમાં ડ્રાઈવર જ છે. એમને વિનંતી કરીશ. મને ના નહીં પાડે. ફક્ત આપ હા કહો.'
'સારું, જેવી તમારી ઇચ્છા.' સ્વામી જી સંમત થયા.
તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યા.
નિશ્ચિત સમયે ડ્રાઈવર સ્વામીજીને ત્યાં પહોંચી ગયો. સ્વામીજી તેની જ રાહ જોતા હતા. સ્વામીજીને બેસાડી ડ્રાઈવરે કાર ચાલુ કરી. એ સમયે એક પ્રેમી ભક્તજન દોડતા આવ્યા. એમને સ્વામીજી સાથે કોઈ વાત કરવી હતી.
સ્વામીજીએ કહ્યું, 'બેસી જાઓ ગાડીમાં. રસ્તામાં વાત કરી લઈશું.'
ભક્તજન મોટરકારમાં સ્વામીજીની બાજુમાં જઈને બેઠા.
મોટરકાર ચાલુ થઈ અને આગળ વધી.
રસ્તામાં એક વૃદ્ધને પગપાળા જતા જોઈને સ્વામીજીએ ડ્રાઈવરને કહ્યું,'ભાઈ, જરા ગાડી ઊભી રાખો.'
મોટરકાર ઉભી રહી તો સ્વામીજીએ વૃદ્ધને પૂછ્યું,' આપને ક્યાં જવું છે?'
મોટરકાર જે બાજુ જવાની હતી, વૃદ્ધને પણ એ જ બાજુ જવું હતું. સ્વામીજીએ કહ્યું, 'બેસી જાઓ ગાડીમાં.'
વૃદ્ધ મોટરકારમાં બેઠા. મોટરકાર આગળ વધી ત્યારે બે-ત્રણ છોકરાંઓ પર સ્વામીજીની દૃષ્ટિ પડી. છોકરાઓ મોટાં મોટાં દફતર લઈને સ્કૂલ જઈ રહ્યા હતા.
સ્વામીજીએ પૂછ્યું,' આ છોકરાઓના ખભા ઉપર આટલો મોટો બોજો? દફતરોમાં શું મૂક્યું હશે?'
બાજુમાં બેઠેલા ભક્તજને કહ્યું, 'આ દફતરોમાં પાઠયપુસ્તકો છે. આ પાઠયપુસ્તકો તમને રોજ લઈને જવાનાં હોય છે.'
સ્વામીજીએ કહ્યું,'આમ કરવાથી તો છોકરાંઓની કેડ નહી દુ:ખતી હોય? ભાઈ, આ છોકરાંઓને ગાડીમાં બેસાડો.'
છોકરાઓને બોલાવીને મોટરકારમાં બેસાડવામાં આવ્યા.
આ રીતે જે કોઈ વ્યક્તિ સ્વામીજીને રસ્તામાં દેખાતી, તેમને સાદ પાડીને મોટરકારમાં બેસાડવામાં આવતા. આમ કરતાં મોટરકાર આખી ભરાઈ ગઈ. હવે સહેજ પણ તેમાં જગ્યા નહોતી.
ત્યારે સ્વામીજીની નજર એક ડોસીમા પર પડી. એમના હાથમાં વજનદાર થેલીઓ હતી.
સ્વામીજીએ સૂચના આપી, 'એમને પણ ગાડીમાં બેસાડો.'
આ સાંભળીને ડ્રાઈવર કહેવા લાગ્યો, 'સ્વામીજી હવે તો આ ગાડીમાં તસુ પણ જગ્યા નથી.'
સ્વામીજીએ ઉત્તર આપ્યો,'નથી તો શું થયું? આ ડોસીમાને ગાડીમાં બેસાડો. હું ચાલીને આવું છું.' આમ કહીને સ્વામીજી મોટરકારમાંથી ઉતર્યા અને મોટરકાર જોડે પગપાળા ચાલવા લાગ્યા!
આને કહેવાય ખરા સ્વામીજી!


