- કીડીબાઈને લાગતું કે મને બધું જ આવડે છે. મારે ક્યાં વાંચવાની જરૂર છે?
- કીત પટેલ
એક હતી કીડીબાઈ. કીડીબાઈને ભણવાનું બહુ જ ગમે. ઠમ્મક ઠમ્મક કરતી રોજ નિશાળે જાય. નિશાળમાં બહુ ધ્યાનથી ભણે. ઘરે આવી નિયમિત લેસન કરે. વળી કીડીબાઈને રમવાનો પણ જબરો શોખ. બહેનપણીઓ જોડે રોજ રમવા જાય. સંતાકૂકડી રમે. લંગડી રમે. આંબલી પીપળી રમે. રમતાં રમતાં ગીતો પણ ગાતી જાય.
અમે નાની નાની કીડીબાઈ,
અમે નાચતી કૂદતી કીડીબાઈ,
કોઈથી ના ડરતી અમે કીડીબાઈ.
કીડીબાઈને ભણવાની બહુ જ ચિંતા એટલે વહેલી સવારે ઊઠી વાંચવા. લખવા બેસી જાય. સમય જતાં કીડીબાઈને અભિમાન આવ્યું. કીડીબાઈને લાગતું કે મને બધું જ આવડે છે. મારે ક્યાં વાંચવાની જરૂર છે ? હવે કીડીબાઈ વાંચવાનું પડતું મૂકી ટીવી જોવા બેસી જાય. મમ્મીનો મોબાઈલ લઇ ગેમ રમવા બેસી જાય. ઘણીવાર રાતે મોડે સુધી ટીવી જોયા કરે. એટલે સવારે ઉઠવાનું પણ મોડું થાય. કીડીબાઈને ટીવી અને મોબાઈલની આદત પડી.
કીડીબાઈને ભણવામાં પણ મન લાગતું નહીં. હવે પરીક્ષા નજીક હતી. કીડીબાઈને હવે ચિંતા થવા લાગી. ચિંતામાં ને ચિંતામાં કીડીબાઈ બીમાર પડયાં. ડોક્ટરે કીડીબાઈને આરામ કરવા કહ્યું.
કીડીબાઈની શાળામાં રજા પડી. તેથી અભ્યાસ પર માઠી અસર થઈ. હવે કીડીબાઈને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો.
કીડીબાઈ વિચારવા લાગી. જ્યારે મહેનત કરવાનો સમય હતો. તે ટીવી અને મોબાઈલ પાછળ વેડફી નાખ્યો. હવે પરીક્ષા સાવ નજીક છે અને સમય પણ સાવ ઓછો. તેમાંય આ બીમારી! આ બધાની અસર પરિણામ પર થવાની એ વિચારે કીડીબાઈની ઊંઘ ઊડી ગઈ. પણ હવે ચિંતા કર્યેથી કોઈ ફાયદો થવાનો હતો નહિ.
હંમેશા વર્ગમાં પ્રથમ રહેતી કીડીબાઈને જોઈ વર્ગશિક્ષિકા બહેન કીડીબાઈની મૂંઝવણ સમજી ગયાં. બહેને આખા વર્ગના બાળકોને સુંદર સમજ આપી. હવે કીડીબાઈએ રાહતનો શ્વાસ લીધો અને ફરી પાછી પરીક્ષાની તૈયારી કરવા મંડી પડી.
બાળમિત્રો, આપણે પણ સમયનો સદઉપયોગ કરવો જોઇએ. ટીવી અને મોબાઈલ કે અન્ય બિનજરૂરી પ્રવૃત્તિ પાછળ કિંમતી સમય વેડફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. ત્યારે જ આપણે ધાર્યું પરિણામ મેળવી શકીએ. કીડીબાઈની જેમ ચિંતા કરવાની પણ જરૂર ન પડે, બરાબરને?


