- 'સ્વાર્થ માટે તમે તમારા મહેલના બગીચાનાં બધાં વૃક્ષો કાપી નાખીને પર્યાવરણને નુકસાન પહોંચાડયું. વૃક્ષોના વિનાશથી પ્રકૃતિ નારાજ થઈ છે. એ વિચિત્ર વૃક્ષ તો કુદરતનો આશીર્વાદ હતું. પાપની સજા આપવા તે અલોપ થઈ ગયું છે.'
- અર્જુનસિંહ કે. રાઉલજી
રાજા રાજેન્દ્રસિંહ એક દિવસ જંગલમાં શિકારે નીકળ્યા. જંગલ ખૂબ જ ઘન એટલે કે ગાઢ હતું, વન્ય પ્રાણીઓનો ભય પણ હતો. પણ રાજાને શિકાર ગમતો હોવાથી તેઓ આગળ વધતા જ ગયા. જેમ જેમ ગહન વનમાં જતા હતા, તેમ તેમ વૃક્ષોની હરમાળા વધતી જતી હતી.
રાજા રાજેન્દ્રસિંહ ખુદને વૃક્ષો ખૂબ ગમતા. તેમના મહેલના પટાંગણમાં વિશાળ બગીચો હતો જેમાં દાડમ, કેરી, જામફળ, બોર, ચીકુ, મોસંબી, નારંગી, પપૈયાં, અનાનસ, નાસપતી, દ્રાક્ષ વગેરે ફળોનાં વૃક્ષો હતાં. અન્ય મોટાં ઝાડ પણ હતાં. રાજાની ખાસ વાત એ હતી કે તેઓ જેમના રાજ્યમાં કે પરદેશમાં ક્યાંક અનોખું વૃક્ષ જોતા, તો એની નાની ડાળ ખેંચીને પોતાના બગીચામાં રોપતા. એવી ટેવને કારણે ઘણા લોકો તેમને ધૂની રાજા પણ કહેતા.
આજે પણ રાજા જંગલની લીલોતરીનો આનંદ માણવા એટલા મશગૂલ થઈ ગયા કે શિકાર કરવો તો ભૂલી જ ગયા. એમને ભૂખ લાગી ન હતી, પરંતુ કાફલાના લોકો તો ભૂખ્યા થઈ થાકી ગયા.
ત્યાં અચાનક રાજાને એક અનોખું વૃક્ષ દેખાયું. એ વૃક્ષ પર જાતજાતનાં ફળ લાગેલાં હતાં - કેરી, જામફળ, સફરજન, ચેરી, ચીકુ, બોર, સીતાફળ, દ્રાક્ષ... જાણે બધાં ફળો એક જ વૃક્ષ પર ખીલી ઊઠયાં હોય!
રાજા આશ્ચર્યમાં પડી ગયા. તેમણે દરેક ફળને સ્પશ્યું, ચાખ્યું. બધા જ ફળો અતિ મીઠાં અને સ્વાદિષ્ટ હતાં. રાજાને તો પોતાના બગીચાના ફળો એની સામે ફિક્કાં લાગ્યાં. તેમણે કાફલાના લોકોને પણ મનગમતાં ફળો ખાવાની છૂટ આપી. સૌએ ભરપૂર ખાધું. વૃક્ષ એટલું ફળોથી ભરેલું કે એની ડાળીઓ ભારથી નમી ગઇ હતી. રાજા ખુશ થઈ પાછા મહેલ પરત ફર્યા.
અગલા દિવસે રાજાએ મહારાણીને એ વૃક્ષની વાત કરી. મહારાણી તો આશ્ચર્યમાં પડી ગયાં. એમણે કહ્યું-
'જો એક જ વૃક્ષ પર આ રીતે અનેક જાતનાં ફળ મળે તો આપણાં બગીચાના કેટલીય વૃક્ષો રાખવાની જરૂર જ શું? એક તરફ ઘણું સ્થળ રોકાય છે, કામદારો પાણી પાવાનું, ખાતર નાખવાનું કરે છે, છતાં ફળ એવાં સરસ નથી થતાં. એમાં ખર્ચ અને મહેનત બન્ને બરબાદ જાય.'
રાજાને પણ મહારાણીની વાત સાચી લાગી. ત્યારે રાજાએ વિચાર કર્યો કે બગીચામાંનાં બધાં વૃક્ષો કાપીને એ જ એક 'વિચિત્ર વૃક્ષ' જંગલમાંથી લાવી મહેલમાં ઉછેરવું! આદેશ જાહેર થયો. રાજ્યના કર્મચારીઓ એ કામે લાગી ગયા. બગીચાનાં બધાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં. મહેલનું પટાંગણ વેરાન થઈ ગયું.
પછી એક દિવસ રાજા પોતાના માણસો સાથે જંગલમાં પેલું વિચિત્ર વૃક્ષ લેવા નીકળ્યા. રાજાને જગ્યા યાદ હતી. રાજા એ જગ્યાએ ઉભા રહ્યા, પણ ત્યાંથી વિશાળ ફળોથી ભરેલું વૃક્ષ ગાયબ થઈ ચૂક્યું હતું. ફક્ત એક નાનો નાજુક છોડ લહેરાઈ રહ્યો હતો!
રાજા ચકિત થઈ બૂમ પાડી-
'વિશાળ ફળોથી ભરેલો વિચિત્ર વૃક્ષ ક્યાં ગયું?'
અચાનક વાદળો ગરજી ઉઠયાં અને આકાશવાણી થઈ-
'મહારાજ, તમે મોટું પાપ કર્યું છે. તમારા સ્વાર્થ માટે તમે તમારા મહેલના બગીચાનાં બધાં વૃક્ષો કાપી નાખી, પર્યાવરણને નુકસાન પહોંચાડયું. તેથી વૃક્ષોના વિનાશથી પ્રકૃતિ નારાજ થઈ છે. એ વિચિત્ર વૃક્ષ તો કુદરતનો આશીર્વાદ હતું, પરંતુ પાપની સજા આપવા તે અલોપ થઈ ગયું છે.'
રાજાએ કાન પકડીને કહ્યું, 'હા, વૃક્ષદેવતા! તમારી વાત સાચી છે. હું મારા સ્વાર્થમાં કુદરતની સંભાળ જ ભૂલી ગયો હતો. મને માફ કરો. હવે હું મારી બગીચામાં ફરીથી અનેક વૃક્ષો ઉછેરીશ.'
એમ કહી રાજાએ ફરીથી વૃક્ષો ઉછેરવાનું નક્કી કર્યું. રાજ્યના લોકો ખુશ થયા.
બાળમિત્રો, યાદ રાખજો... કુદરત સાથે છેડછાડ કરશો તો એની સજા ભોગવવી જ પડે. દરેક વૃક્ષ અમૂલ્ય છે, એને સાચવવું એ જ સાચી સમજદારી છે.


