- નદી કહે, 'હું ખૂબ ઊંચા ઊંચા પર્વતોની ટોચ ઉપરથી સરકતી સરકતી નીચે મનુષ્યો માટે આવું છું, કારણકે પાણી વિના માનવીનું અને બીજાં પશુપંખીઓનું જીવન શક્ય નથી...'
- ભાવના હેમંતકુમાર વકીલના
'સિતારા, પાણીમાંથી બહાર આવ બેટા...લોકોને પીવા માટે પાણી મળતું નથી
અને તું...'
'મમ્મી...! બે મિનિટ..!'
...અને ભીંજાઈ ગયેલી સિતારા પાણી ભરેલા ટબમાંથી કાગળની હોડી લઈ બહાર આવી.
છીંકો ખાતાં ખાતાં જ તે પોતાના ઓરડા તરફ આગળ વધી ગઈ. તેનાં ભીનાં ભીનાં પગલાંને કારણે ઓરડામાં પાણી-પાણી થઈ ગયું.
'જોયું, છીંકો આવી ગઈને! સિતારા બેટા, તું તો પાણીની માછલી જ છે. નાની હતી ત્યારથી જ તને પાણીમાં ખૂબ ગમતું, પણ બેટા, જળ તો જીવન છે. એક આખો દિવસ આપણને પાણી ન મળે તો શું થાય! ક્યારેય વિચાર્યું છે?'
વાતો કરતાં કરતાં જ કેતકીબેને સિતારાનાં ભીનાં કપડાં બદલાવી નાખ્યાં અને છાતી ઉપર વિક્સ લગાડી દીધો.
મમ્મીની વાતો સાંભળતાં સાંભળતાં સિતારાનું મન પાણીના જ વિચારો કરવા લાગ્યું. સિતારા સ્વભાવે લાગણીશીલ હતી. પાણી વિશે વિચારતાં વિચારતાં તેને નીંદર આવી ગઈ.
અચાનક ઓરડામાં ચારે તરફ અજવાળું અજવાળું થઈ ગયું. સિતારાએ આંખો ખોલવાની કોશિશ કરી. એની આંખો અંજાઈ ગઈ. એ આખો ચોળવા લાગી.
ઝબક ઝબક ઝબકતા અજવાળામાં તેણે ધીમે રહીને આંખો ખોલી. સામે જ એક સુંદર મજાની રોશની જેવી ઝગમગતી રૂપેરી રંગની પાંખોવાળી પરી હસી રહી હતી.
'હાઈ, સિતારા!'
'આહાહા... તમે કેટલા સુંદર છો! તમે
કોણ છો?'
'હું પરી છું. જલપરી! તને મારાથી ડર નથી લાગતોને!'
'ના, ના... મને તમારો ડર નથી લાગતો.'
'તો મારી સખીઓને મળવા મારી સાથે આવીશ?'
'હા, હા... મને ખૂબ ગમશે.'
'તો ચાલ!'
સિતારાએ જલપરીની આંગળી પકડી લીધી. જલપરી પાસે એક વાદળી રંગનો હાથપંખો હતો. તેણે પંખો ફેરવ્યો એટલે બંને પાણીથી ભરેલા, નદી જેવા જગતમાં પહોંચી ગયા.
'જો, સિતારા... આ છે પરીઓનું જલજગત.'
સિતારા આખો પહોળી કરી આસપાસ નજર કરી રહી. અહીં તો ચારે તરફ વાદળી રંગનું પાણી જ પાણી હતું. પાણીની વચ્ચે પોતે.
સિતારાએ એક પગલું આગળ ભર્યું ને નદીમાં છપાક એવો અવાજ આવ્યો. તે સાથે જ નદી ગીત ગાવા લાગી-
'છપાક છમ છમ છપાક છમ છમ
અમે નદીઓ છપાક છમ છમ
છપાક છમ છમ છપાક છમ છમ
પાણી નાચે છપાક છમ છમ...'
'આવ સિતારા અહીં તને મનમાં ખૂબ શાંતિ મળશે.'
સિતારાએ કુતૂહલથી જોયું. નદીનું પાણી બોલતું હતું-
'સિતારા અહીંનાં પાણી તારા મનના ભાવ જાણી જાય છે...'
ત્યાં જ ઉછળતા પાણીમાંથી પાંચ પરીઓ બહાર આવી. એક પરીએ કહ્યું, 'હલો સિતારા, હું લાલ પરી. હું પ્રેમ અને દયાની પરી.'
બીજી પરીએ કહ્યું, 'હાઈ સિતારા... હું નીલપરી. શાંતિ અને શમનની પરી.'
ત્રીજી પરીએ કહ્યું, 'હાઈ સિતારા, હું લીલાપરી. હર્ષ અને હાસ્યની પરી.'
ચોથી પરીએ કહ્યું, 'હું સૂર્યાપરી. આશા અને સત્યની પરી.'
પાંચમી પરીએ કહ્યું, 'હું જામલી પરી. સ્વપ્ન અને કલ્પનાની પરી. તું અમારી સખી બનીશ?'
સિતારા તો આટલી બધી સખી પરીઓની વાત સાંભળી હરખાઈ ગઈ. 'તમે પરીઓ તો મારી ખાસ સખીઓ છો, કારણ કે હું તો વાદળમાં રહેલા તારાઓની રાણી સિતારા છું.'
બધી પરીઓ સિતારાનો હાથ પકડી હવામાં ઉડી રહી હતી. ખૂબ સુંદર દ્રશ્ય હતું.
કેટલીક વારે બધાં જ પાણીમાં ઉતરીને નૃત્ય કરવા લાગ્યાં. બધું પાણી પરીઓના અલગ અલગ રંગને લીધે મેઘધનુષી બની ગયું હતું. સિતારાએ જોયું કે નદી ખડખડાટ હસી રહી હતી.
'સિતારા... મારા હસવાની પાછળ રુદન પણ છે, જે તને સંભળાઈ રહ્યું નથી. હું ખૂબ ઊંચા ઊંચા પર્વતોની ટોચ ઉપરથી સરકતી સરકતી નીચે મનુષ્યો માટે આવું છું, કારણકે પાણી વિના માનવીનું અને બીજાં પશુપંખીઓનું જીવન શક્ય નથી.... મને કેટલા ઉઝરડા પડે છે, પથ્થરો વડે હું ઘસાઈ જાઉં, મને ખૂબ દુ:ખ થાય છે છતાં પણ હું નીચે આવું છું!'
આમ કહેતી નદી રડવા લાગી.
સિતારા કહે, 'નદીબેન! તમે શાંત થાઓ. મને બધી વાત કહો.
નદીની રાણી નદીની રાણી
મને કહે એક વાર તારી કહાણી
નદીની રાણી નદીની રાણી
મને વ્હાલી તારી કહાણી...'
પાછું નદીનું પાણી ઉછાળા મારવા લાગ્યું. ત્યાં એક નાનીસરખી મેઘધનુષના રંગે રંગેલી હોડી આવી. નદી કહે, 'લે સિતારા... આ હોડીમાં બેસી જા. હું તને બધું જ બતાવું છું.'
સિતારા તો હોડીમાં બેસી ગઈ અને નદીબેન હોડીને તરાવતાં તરાવતાં આગળ વધવા લાગ્યાં. આ એક સુંદર જંગલ હતું. અહીં પાંદડાઓ ગીતો ગાતાં રહતાં. પંખીઓ વાતો કરતાં હતાં.
હવે સિતારાની નજર કિનારા તરફ ગઈ. અહીં કઠિયારાઓ ઝાડ કાપી રહ્યા હતા. કિનારા પર વેરાયેલાં પાંદડાઓ દુ:ખથી રડી રહ્યા હતા. પ્લાસ્ટિકના થેલા, સડેલા પાંદડાં, કાદવ અને કચરાના ઢગલા પડયા હતા. અહીં નદી કાળી થઈ ગઈ હતી, ને તે રડી રહી હતી.
'આ શું નદીબેન?'
'સિતારા... અમે માનવીઓના સુખાકારી માટે દુખ વેઠીને કામ કરીએ છીએ. પણ માણસો સમજતા જ નથી. માણસો જ્યારે કુદરતની કાળજી લેતા નથી ત્યારે વાતાવરણ ખરાબ થાય છે, પાણી કાળું થાય છે, હવામાં ઝેર ફેલાય છે...'
સિતારા દુ:ખી થઈ વિચારવા લાગી- હું મારી સખીઓ સાથે આ વિશે ચોક્કસ વાત કરીશ અને કશુક કરીશ.
કેટલાક સમય પછી નદીરાણી સિતારાને ફેરવીને જલપરી પાસે લઈ આવી
'ચાલ સિતારા, તારી મમ્મી તારી રાહ જોતી
હશે...' જલપરીએ કહ્યું.
બધી પરીઓએ સિતારાને આવજો કહ્યું. એને ચળકતો રંગીન ઝગમગતો મણિ આપ્યો.
'લે સિતારા, આ મણિ હાથમાં રાખીને તું અમને યાદ કરશે ત્યારે અમે તને જરૂર મળવા આવીશું.'


