- 'આપણે પ્રકૃતિનાં સર્જન છીએ. આપણે બધાએ પ્રકૃતિના સ્વભાવને અનુરૂપ થવું પડે. નાની વાતમાં આટલો મોટો ગુસ્સો નકામો છે. મને ભાન થયું. વૃક્ષનો ઘણો ઘણો આભાર...'
જગદીશ બી. પટેલ
એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં થોડી ખુલ્લી જગા હતી. એ જગામાં નાનું તળાવ હતું. તળાવની ધાર પર એક ઘટાદાર ઊંચં મોટું ઝાડ હતું. બાજુમાં તળાવ હતું. એમાં એક કાચબો રહેતો હતો. ઘટાદાર ઝાડના જાડા થડમાં નાની બખોલ હતી. એમાં એક ઘમંડી, અભિમાની અને સ્વાર્થી સસલો રહેતો હતો. ઝાડ પર એક ડાળી પર એક ખિસકોલીનો માળો હતો.
ખિસકોલી ઝાડ પર સસલાના ઘર આગળથી ચઢઉતર કરતી. સસલો ઘમંડી હતો. સસલાને ખિસકોલીનું આવવું-જવું ગમતું નહોતું. ખિસકોલી સ્વભાવે શાંત અને માયાળુ હતી. ખિસકોલી સસલાના ઘર આગળથી નીકળે એટલે સસલાભાઈની ખબરઅંતર પૂછે, પણ ઘમંડી સસલાને એની તમા નહોતી. સસલો ખિસકોલી સાથે મોં ચડાવીને વાત કરે. સસલાની નજરમાં ખિસકોલીની કોઈ વિસાત નહીં. ખિસકોલી સસલાનો સ્વભાવ જાણે, પણ પાડોશી તરીકે કંઈ અપશબ્દો બોલે નહીં. અરે સસલા સામે મોં પણ ચડાવે નહીં. એ તો એની મસ્તીમાં કૂદતી, નાચતી, દોડતી, બોલતી હોય. આ બધું સસલાને ગમે નહીં.
એક દિવસે સસલાભાઈનો મિજાજ ગયો. ખિસકોલી સસલાની બખોલ આગળથી નીકળી તો સસલો તાડૂક્યો, 'એ ખિસકોલી! તું મારા ઘર આગળથી કેમ નીકળે છે?' આ સાંભળી ખિસકોલી ઊભી રહી ગઈ. થોડી વાર શાંત રહી. સસલા સામે જોયું. સસલાભાઈ ગુસ્સામાં હતા. ખિસકોલી ધીમે રહીને બોલી, 'સસલાભાઈ, તમારું ઘર આ બખોલ. આ તો જાહેર રસ્તા છે. હું ગમે ત્યારે આવું અને ગમે ત્યારે જઉં, બરાબર?' સસલો બોલ્યો, 'મારા ઘર આગળનો ભાગ પણ મારો જ ગણાય.' ખિસકોલી કહે, 'આ બાબતમાં ઝાડને પૂછવું પડે.' સસલો બોલ્યો, ' એમાં ઝાડને શું પૂછવાનું? આ મારી બખોલ મારું ઘર છે. અને મારા ઘરનો આગળનો ભાગ મારો છે. એમાં ઝાડને શું?' ખિસકોલી બોલી, 'આ ઝાડ પર મારું પણ મકાન છે. હું આ ઝાડ પર ગમે તે જગ્યાએ હરીફરી શકું. તું રોકનાર કોણ?'
ખિસકોલી એટલું બોલી ચાલતી થઈ. આ સાંભળી અભિમાની સસલો ગુસ્સામાં ધુંવાપુંવા થઈ ગયો. કરે શું?
તળાવની કિનારી પર બેઠેલો કાચબો ખિસકોલી અને સસલામાં ઝઘડો જોતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો એટલે કાચબાને એ વખતે મૌન રહેવામાં ડહાપણ છે એમ સમજી ચૂપ રહેલો. કાચબો બહુમતમાં માનતો હતો. આ માટે કંઈ કરવું જોઈએ એ વિચારમાં ને વિચારમાં કાચબો તળાવનાં પાણીમાં ગરકાવ થઈ ગયો.
બીજા દિવસની સવારે સૂર્યનો કૂણો તડકો નીકળ્યો. કાચબાભાઈ તળાવમાંથી બહાર આવી ખુલ્લામાં તડકામાં બેઠા હતા. તડકાની હૂંફમાં કાચબાભાઈને સારું લાગતું હતું. એટલામાં તે આમ તેમ આંટા મારી તડકો માણી રહ્યા હતા. સસલાએ બખોલમાંથી કાચબાભાઈને તડકામાં ફરતા જોઈને એ પણ બખોલમાંથી નીકળી કાચબાભાઈને ગુડ મોર્નિંગ કર્યું. કાચબાભાઈએ સસલાભાઈને આવકાર આપ્યો.
કાલના ઝઘડાથી સસલાભાઈ મનમાં ખિન્ન હતા, પણ કાચબાભાઈને જોઈને એ ખિન્નતા ઓછી થઈ ગઈ. મન હળવું થઈ ગયું. સસલાભાઈ કાચબાભાઈ સાથે કૂણા તડકામાં આમ તેમ ફરવા લાગ્યા. કાચબાભાઈનો સાથ ગમવા લાગ્યો.
કાચબાભાઈ મૂડમાં હતા એ જોઈ સસલાભાઈ બોલ્યા, 'જુઓને કાચબાભાઈ, આ ખિસકોલી મારા ઘર આગળથી આવ જાવ કરે છે. દોડાદોડ કરે છે. એ મને ગમતું નથી. તમે જ કહો આ ખોટું નથી? ખિસકોલી કંઈ સમજતી જ નથી. ખિસકોલી કહે છે કે આ બાબતે ઝાડને પૂછવું પડે.'
કાચબાભાઈ કહે, 'એની વાત બિલકુલ વ્યાજબી છે. ઝાડને પૂછવું પડે. ચાલો સસલાભાઈ આપણે ઝાડને પૂછીએ.'
સસલાભાઈ કાચબાભાઈની વાતમાં સંમત થયા. બન્ને ઝાડની નજીક આવ્યા અને કાચબાભાઈએ ઝાડને પૂછ્યું, 'ઝાડભાઇ, આ સસલાભાઈ અને ખિસકોલીના ઝઘડામાં તમારો શો મત છે?' કાચબાભાઈની વાત ઝાડે સાંભળી. એ કહે, 'મેં ખિસકોલી અને સસલાભાઈની ચડભડ જોઈ હતી. એમાં ખિસકોલી સાચી છે. જુઓ, સસલાભાઈ, આ જમીન પર વર્ષોથી હું ઊભો છું. મારા મૂળિયા જમીનમાં ક્યાંય સુધી વિસ્તરેલા છે. છતાં જમીને મને કોઈ દિવસ એમ નથી કહ્યું કે તું મારામાં આટલો બધો વિસ્તાર કરે છે. મારા જેવા અસંખ્ય વૃક્ષો છે. જે જમીન સાથે જોડાયેલાં છે. જમીન મને ખોરાક આપે છે. પાણી આપે છે. એના લીધે તો હું આટલો મોટો, ઘટાદાર, લીલોછમ ઊભો છું. જમીન કોઈને કશું કહેતી નથી. મારું શરીર એના થકી છે. મારા શરીર પર મંકોડા, કીડીઓ, બીજી જીવાત, પક્ષીઓ ઘર બાંધે છે. હરેફરે છે. આ મને ગમે છે. મને આનંદ આવે છે. એમાં મારે હરકતમાં આવવાની જરૂર નથી. આ જમીનના કારણે જ હું અહીં ઉભો છું. મારું તન, મન જમીન સાથે જોડાયેલું છે. જમીન કોઈને કંઈ કહેતી નથી તો હું કોને કહું? સસલાભાઈ, મારું આખું શરીર લોકો માટે છે. મારા શરીરમાંથી ઘર બને છે, ચીજવસ્તુઓ બને છે. હું વિકાસ પામું છું. એ સાથે જગત પણ વિકાસ પામે છે. આ મારો સ્વભાવ છે.'
સસલાભાઈ વૃક્ષની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. સસલાભાઈ વિચારમાં પડી ગયા. પછી એ ધીમેથી બોલ્યા, ' વૃક્ષની વાત સાંભળી મારામાં રહેલું સ્વાર્થીપણું અને અભિમાન ઓગળી ગયું છે. ખિસકોલીને મેં ખોટું કહ્યું. આપણે પ્રકૃતિના સર્જન છીએ. આપણે બધાએ પ્રકૃતિના સ્વભાવને અનુરૂપ થવું પડે. નાની વાતમાં આટલો મોટો ગુસ્સો નકામો છે. મને ભાન થયું. વૃક્ષનો ઘણો ઘણો આભાર...'
...અને પછી સૌએ સાથે મળીને ખાધું, પીધું ને રાજ કીધું!


