Get The App

સ્પાઈડરમેન શશી .

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
સ્પાઈડરમેન શશી                                                . 1 - image

- 'ભલે આપણે સુપરમેન નથી, પણ સ્પાયડરમેન તો છીએ જ! આવતી કાલે આપણે જરૂર સ્પાયડરમેન બની જઈશું...' 

- અર્જુનસિંહ કે. રાઉલજી

પહેલા ધોરણનાં બાળકોને પ્લેગ્રાઉન્ડમાં લઇ જવામાં આવ્યાં હતાં. આ બચ્ચાઓ પર ટીવી સિરિયલોની ભારે અસર હતી. ઘેર હોય ત્યારે આખો દિવસ ટીવી સામે બેસી રહેતાં અને સ્પાયડરમેન, સુપરમેન, વન્ડરવુમન, છોટા ભીમ, ટોમ એન્ડ જેરી... આ જ બધું જોયા કરતાં. આ સિરિયલો અને પાત્રોની દુનિયામાં જ રાચ્યા કરતાં. 

શશી કહી રહ્યો હતો, 'સ્પાયડરમેનની તો વાત જ ના થાય...' તો ચીકુ કહે, 'સુપરમેન પાસે સ્પાયડરમેન તો કંઈ જ નથી...' 

તેમની વાતો સાંભળી રહેલી પિન્કી તો તરત જ બોલી- 'અરે! વન્ડરવુમનને તો કોઈ પહોંચી ના શકે!' 

આ સાંભળીને ચીકુએ તો બાજુની દીવાલ ઉપર સુપરમેનની માફક એટલા જોરથી હાથ પછાડયો કે જાણે સુપરમેનની જેમ એ પોતે દીવાલ તોડી ના નાખવાનો હોય! પણ અફસોસ! તેનો હાથ પાછો પડયો. હાથ એટલા જોરથી દીવાલ સાથે અફળાયો હતો કે ચીકુ ચીસ પાડી ઉઠયો. 

આ જોઈ શશી બોલ્યો- 'ભલે આપણે સુપરમેન નથી, પણ સ્પાયડરમેન તો છીએ જ! આવતી કાલે આપણે જરૂર સ્પાયડરમેન બની જ જઈશું...' 

બીજા દિવસે શશીએ સ્કૂલે આવતાં પહેલાં એક પાતળી અને લાંબી દોરી ઘરમાંથી શોધી કાઢી અને પોતાની બેગમાં મૂકી દીધી. પ્લેગ્રાઉન્ડમાં જવાનો પિરીયડ આવ્યો એટલે તેણે ધીરેથી એ દોરી બેગમાંથી પોતાના પોકેટમાં સંતાડી દીધી - મેડમ જુએ ના એ રીતે! 

બધાં બાળકો પોતપોતાની રમતમાં મશગુલ હતાં ત્યારે શશી અને ચીકુ ચુપકિદીથી એક મોટી દીવાલ પાસે આવ્યાં. શશીએ પોતાના પોકેટમાંથી પેલી પાતળી-લાંબી દોરી કાઢી. એક પથ્થર લીધો ને દોરી સાથે બાંધ્યો. પછી તે પથ્થર ધાબા તરફ જોરથી ફેંક્યો. દોરી બે-ત્રણ વાર પાછી પડી, પણ પછી ધાબામાં કોઈક જગ્યાએ ફસાઈ ગઈ. ચીકુએ બે-ત્રણ વાર જોરથી દોરી ખેંચી જોઈ. દોરી છૂટી નહી, એટલે તેણે શશીને કહ્યું, 'જો દોરી બરાબર ફસાઈ ગઈ છે. હવે આપણે સ્પાયડરમેનની માફક દીવાલ ઉપર ચઢી શકીશું.'

ચીકુએ બે હાથે દોરી પકડી ઉપર ચઢવાની શરૂઆત કરી. બે પગ દીવાલ ઉપર મુકવાનો પ્રયાસ કર્યો, પણ દોરી જ તેના વજનથી તૂટી ગઈ અને તે નીચે પટકાયો. એ બૂમ પાડી ઉઠયો- 'ઓ બાપરે...' 

તેમના સારા નસીબે બૂમ શશી સિવાય કોઈએ સાંભળી નહોતી, નહીંતર બધાં ભેગાં થઇ જાત. જોકે ચીકુના હાથમાં તો વાગ્યું જ હતું. દીવાલ સાથે ઘસાવાથી કોણી છોલાઈ ગઈ હતી. 

શશીએ કહ્યું,'મટી જશે, ચિંતા ના કરીશ. દોરી તૂટી ગઈ છે એટલે આપણે દીવાલ ઉપર તો ચઢી શકવાના નથી, પણ ધાબા ઉપર જઈ સ્પાયડરમેનની માફક નીચે તો કૂદી શકીએ છીએને? ચાલ, આપણે ઉપર જઈએ...' 

બન્ને ધાબા ઉપર ગયા. દીવાલ નજીક જઈ તેઓ ઉપરથી જંપ મારવા જતાં જ હતા કે મેડમે તેમને જોઈ લીધાં. એમણે જોરથી ચીસ પાડી - 'નો... નો... સ્ટોપ ચીકુ, સ્ટોપ શશી...' 

બન્ને અટકી ગયા. મેડમે પૂછયું કે તમે દીવાલ તરફ શા માટે જતા હતા? ચીકુએ હસીને જવાબ આપ્યો- 'અમે તો જંપ મારવા જતા હતા!' 

શશી બોલ્યો, 'અમે તો સ્પાયડરમેન છીએને!'

મેડમ બન્નેને પ્રિન્સિપાલ પાસે લઇ ગયાં. પ્રિન્સિપાલે આખી વાત સાંભળી. પછી બીજા દિવસે એસેમ્બલીમાં કહ્યું, 'બાળકો, ટીવી ઉપર જે બતાવવામાં આવે છે - તમારી કિડ્સ સિરીયલોમાં - એ સાચું હોતું નથી, એ માત્ર કલ્પના જ છે. બાકી સ્પાયડરમેન, સુપરમેન,  વન્ડરવુમન જેવું કોઈ હોતું નથી એટલે ટીવી પર એ બધું જોઇને, સાચું માનીને એમના જેવું કરવાનો પ્રયાસ ના કરતાં, નહિતર જાનથી હાથ ધોવા પડશે...' 

બધાં બાળકોએ આવું ક્યારેય ના કરવાની પ્રતિજ્ઞા લીધી!