- જોડણીમાં જો ભૂલ કરો તો થાય ઓખાના ખોખા...દાંતવાળા ડોક્ટરો પણ જાતે થઈ જાય બોખા!
- જરૂર કંઈક નવાજૂની થઇ હોવી જોઈએ...
- ...અને ત્યાં તો ખરેખર હુલ્લડ ફાટી નીકળ્યું.
- હરીશ નાયક
અમે નાના હતા ત્યારે અમારા એક શિક્ષક હતા. જોડણી માટેનો તેમનો આગ્રહ ઘણો જાણીતો. નદી શબ્દમાં 'દી'ને કદી હૃસ્વ ઈ ન કરવા દે. તેવી જ રીતે 'દિન' અને 'દીન'નો અર્થ પણ અમને સમજાવે. દિ હૃસ્વઇ હોય તો દિવસ બની જાય અને દી દીર્ઘ ઈ હોય તો ગરીબ બની જાય. આવી ઘણી વાતો તેમણે કહેલી. તે વખતની એક વાત હજી મને યાદ છે.
તેમણે આ પ્રકારની એટલી વાતો કહી હતી કે અમે બધા તેમને જોડણી પ્રસાદ જ કહેવા લાગ્યા હતા.
અમારા એક હેડમાસ્તર હતા. અમારા એ હેડમાસ્તરસાહેબ દરેક વાતની પૂરી ચોકસાઈ રાખતા. એક વખત તેમણે ટિંગુને કહ્યું, 'જા શાળાના પટાવાળાને બોલાવીને લાવ!'
શાળામાં હોસ્ટેલ, પુસ્તકાલય, વિજ્ઞાાનખંડ વગેરે પ્રકારના ઘણા પટાવાળા હતા, પણ સાહેબ શાળાના પટાવાળાનો આગ્રહ કરતા હતા. તેમાં આપણા ટિંગુભાઈની જોડણી કાચી અને ઉચ્ચાર તો ઘણા કાચા. મોટે ભાગે ટિંગુજી 'શ' તો બોલી જ શકે નહીં. અભ્યાસ કાચો હોવાને લીધે શબ્દોના અર્થ પણ સમજે નહીં.
ટિંગુ તો દોંડયો દોડયો ઘેર ગયો, ત્યાં જઈને કહેવા લાગ્યો કે, 'મોટા સાહેબ સાળાના પટાવાળાને બોલાવે છે.'
લોકોએ ટિંગુને સાહેબના સાળાને ત્યાં મોકલી આપ્યો.
સાળાસાહેબ એટલે કે હેડમાસ્તરની પત્નીના ભાઈ મોટા અધિકારી હતા!
'સાહેબ તમારા જ પટાવાળાને બોલાવે છે.' ટિંગુએ આવા સમાચાર હાફતાં હાફતાં આપ્યા હતા, એટલે જરૂર કોઈ ખાસ કામ હશે, કે કોઈ દુર્ઘટના સર્જાઈ હશે, એમ સમજી સાહેબે પોતાના પટાવાળાને તો મોકલ્યો, સાથોસાથ પોતે પણ તૈયાર થઈને જવા લાગ્યા.
તેઓ આ રીતે દોડતા ભાગતા જતા હતા ત્યારે તેમની બહેન મળી, એટલે કે હેડમાસ્તર સાહેબના પત્ની તેમને રસ્તામાં મળી ગયા. તેમણે પૂછ્યું - 'ભાઈ! આમ ભાગ્યા ભાગ્યા ક્યાં જાવ છો?'
ભાઈ કહે - 'કોણ જાણે, હમણાં જ શાળાનો વિદ્યાર્થી આવીને કહી ગયો કે મારા બનેવી મારા જ પટાવાળાને બોલાવે છે. જે છોકરો કહેવા આવ્યો તે ગભરાયેલો હતો, જરૂર કંઈક નવાજૂની થયેલી હોવી જોઈએ.'
હજી આ વાત તેમના બહેન એટલે કે હેડમાસ્તર સાહેબનાં પત્ની સાંભળે તે પહેલાં તો તેમનાથી બોલી જવાયું - 'ઓ મા! એમ વાત છે! ત્યારે તો ચાલો હું પણ આવું છું. કંઈક થયું હશે તો કામ લાગીશ.'
ભાઈ-બહેન દોડતાં ભાગતાં જતાં હતાં. રસ્તામાં ડોક્ટર મળી ગયા. ભાઈબહેનને ચિંતામા ભાગાભાગ કરતાં જોઈ ડોક્ટરસાહેબે પૂછ્યું - 'શું થયુ?'
હેડમાસ્તર સાહેબનાં પત્નીએ કહ્યું - 'એમને કંઈ થયું લાગે છે.'
બસ ડોક્ટરસાહેબ જાતે જ તૈયાર થઈ ગયા. ડોક્ટરની હેન્ડબેગ લઈને તેઓ કહે - 'હું કામ લાગીશ.'
એ ત્રણ જણાં દોડતાં ભાગતાં જતાં હતાં. ત્યાં બંબાવાળા બમનશા મળી ગયા.
'શું થયું છે?' તેમણે પૂછ્યું.
ત્રણે એક સાથે બોલી ઊઠયા - 'શાળામાં કંઈક થયું છે. સાહેબનો હમણાં જ સંદેશો હતો.'
બમનશા કહે - 'તો તો મારું જ કામ. કદાચ આગ-બાગ લાગી હશે. કોઈક ખાડામાં પડયું હશે કે પછી કોઈક મકાન પડી ગયું હશે તો હું જ કામ લાગીશ.'
'ટન... ટન... ટન... ટન...' લ્હાય બંબો લઈ તેઓ નીકળી પડયા.
આ બાજુ પેલી ચિંતા ત્રિપુટી સાથે કંઈક લોકો જોડાયા. રસ્તામાં નવા નવા લોકો સામેલ થતાં જ ગયા. હવે જ્યારે બંબાવાળાને ટન ટન કરતો જતો જોયો, ત્યારે પોલીસોને થયું કે જરૂર કાંઈક નવાજૂની થઈ છે. તેમણે બંબાવાળાને પૂછ્યું. બંબાવાળો કહે - 'જે કંઈ થયું છે તે શાળામાં થયું છે.'
પોલીસ બોલી ઊઠયા - 'ત્યારે તો અમારું કામ. આજકાલ શાળામાં ઘણાં તોફાનો ચાલે છે. વિદ્યાર્થીઓનો પરીક્ષા આપવાનો ઇરાદો નથી. સાહેબોને પગાર ઓછો પડે છે. કેટલાક શિક્ષકોને નોટીસ પણ મળેલી છે.'
પોલીસવાન ધમધમતી દોડવા લાગી.
આ બાજુ હેડમાસ્તર સાહેબને તરતમાં જ એક ફોન આવ્યો. જે શિક્ષકોને ઘેર બેસાડવામાં આવ્યા હતા, તેમના યુનિયને સાહેબને જણાવ્યું હતું કે - 'અમારા શિક્ષકોનો એક સંઘ શહેરની તમામ શાળાઓમાં હડતાળ પડાવવા માટે આવશે.'
હેડમાસ્તર સાહેબને લાગ્યું કે તે તોફાનીઓનો સંઘ જ હોવો જોઈએ. તેમણે તરત જ શાળાના માઈક પર જાહેરાત કરી કે,'કોઈએ બહાર જવાનું નથી. બહારના કોઈએ અંદર આવવાનું નથી.'
બહારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા.
બહારથી સાહેબના સાળાસાહેબ, સાહેબનાં પત્ની, બંબાવાળા બમનશા, પોલીસ ઇન્સ્પેક્ટર પેસ્તનજી, બધાં એક સાથે બૂમો પાડતા હતા - 'દરવાજા ખોલ દો.''
અંદરથી સાહેબે ઉચ્ચાર્યું - 'દરવાજા નહિ ખૂલેગા!'
સામસામા શબ્દો ફેંકાવા લાગ્યા - 'દરવાજા ખોલ દો'...'દરવાજા નહિ ખૂલેગા.'
છોકરાંઓને આમાં ગમ્મત પડી કે તેઓ ગભરાયા તેની ખબર નથી, પણ એકાદ પથરો આમતેમથી આવ્યો. પોલીસને ખાતરી થઈ ગઈ કે મામલો ખતરનાક છે. તેમણે બંબાવાળાના સહકારથી દરવાજો તોડી પાડયો.
અને ત્યાં તો ખરેખર હુલ્લડ ફાટી નીકળ્યું. અંદરના છોકરાંઓ બહારના તોફાનીઓથી શાળાને બચાવવા માટે પથ્થર ફેંકવા લાગ્યા. તેમનો ઇરાદો બહારના તોફાનીઓને બહાર જ રાખવાનો હતો.
તોફાન કંઈ હતું જ નહિ, છતાં સામસામી મારામારી શરૂ થઈ.
પોલીસોએ આકાશમાં બંદૂકો ફોડવા માંડી. બંબાવાળાઓએ પાણીનો શાંત મારો ચલાવ્યો.
હેડમાસ્તર સાહેબ બહાર ઘસી આવ્યા. તો બંબાવાળાની પાઈપમાંથી છૂટતો પાણીનો ધોધ સાહેબ ઉપર ફેંકાયો અને સાહેબ પાણીના મારાથી પાંચ ગાઉ દૂર જઈ પડયા. સાહેબને આવી ઇજા થયેલી જોઈને બીજા શિક્ષકો હાથમાં જે આવ્યું તે ફેંકવા લાગ્યા.
આ મામલો કેવી રીતે પત્યો તે કહેવાની જરૂર નથી. પણ જ્યારે શાંતિ થઈ ત્યારે સાહેબની પત્નીએ પૂછ્યું કે, 'શું થયું હતું ?'
બમનશાએ પૂછ્યું - 'કેમ સંદેશો મોકલ્યો હતો?'
પેસ્તનજી કહે - 'વાટ શું હટી?'
અને સાળાસાહેબે પૂછ્યું - 'બનેવીજી! આપે મારા પટાવાળાને જ કેમ બોલાવ્યો?'
હેડમાસ્તર સાહેબ કપાળ કૂટીને કહે - 'ક્યાં ગયો પેલો ટિંગુડો? આ બધું તેનું જ કારસ્તાન. મેં તેને શાળાના પટાવાળાને બોલાવી લાવવા કહ્યું અને એ ગધેડો મારા સાળાના પટાવાળાને બોલાવવા દોડયો. તેમાં જ આ રામાયણ જામી. આ તોફાન શકોરાના 'શ' અને સસલાનું 'સ'નું હતું.
અમારા જોડણીપ્રસાદે આ દ્રષ્ટાંત આપ્યું, ત્યારે અમે બધાં ખૂબ હસ્યા હતા. પણ તમને લાગે છે કે નહિ, કે 'શબ્દો' શુદ્ધ બોલવા જોઈએ, શુદ્ધ લખવા જોઈએ?


