- 'હેં મમ્મી, શું આપણે એમને આપણા ઘરે ના લઈ જઈ શકીએ?' ઓમ બોલ્યો.
- 'અહીં જે ઝાડ હતુંને, એમાં ચકલીઓનાં ઘર હતાં, જે આજે કપાઈ ગયું છે, એટલે ચકલીઓ પોતાનું ઘર શોધતાં શોધતાં રડે છે.'
- નેહા પટેલ
'મમ્મી, આજે આ બધી ચકલીઓ કેમ આટલો અવાજ કરે છે?' નાનકડા ઓમે એની મમ્મીને સવાલ પૂછયો. મમ્મીએ સહેજ નિરાશા સાથે એ તરફ જોઈ ને કહ્યું, 'અહીં જે ઝાડ હતુંને, એમાં ચકલીઓનાં ઘર હતાં, જે આજે કપાઈ ગયું છે, એટલે ચકલીઓ પોતાનું ઘર શોધતાં શોધતાં રડે છે.'
'તો હેં મમ્મી! આજે આ ચકલીઓ ક્યાં ઊંઘશે?' એના અવાજ મા થોડી ચિંતા હતી.
'બેટા, એમને બીજું ઘર શોધવું પડશે...' મમ્મીએ કહ્યું.
'હેં મમ્મી, શું આપણે એમને આપણા ઘરે ના લઈ જઈ શકીએ?' ઓમ બોલ્યો.
'હા બેટા, પણ એ આવવા તૈયાર થાય તો ને?'
એમ વાતો કરતાં કરતાં ઘરે પહોંચ્યાં. ઓમ તો રમતો રમવામાં ગૂંથાઈ ગયો, પણ મમ્મી વિચારમાં પડી ગઈ. રસોઈ કરતાં કરતાં એને એક સરસ આઈડિયા આવ્યો. રાત્રે ફ્રી થઈ ને એ જૂના કાર્ડ બોર્ડ લઈને બેઠી. એના પર કામ કરી ને રાત્રે શાંતિથી ઊંઘી ગઈ. સવારે એણે ઓમને કાર્ડ બોર્ડમાંથી બનાવેલાં ચકલી ઘર બતાવ્યા, ને ઓમને કહ્યું, 'બેટા, આ ચકલીઘર છે. તેમાં આપણે ચકલી ને રહેવા બોલાવીશું...'
આ સાંભળીને ઓમ તો ખુશી થી ઉછળી પડયો. 'સાચ્ચેજ?'
અને પછી મમ્મીએ ચકલીઘર બહાર ટીંગાડી દીધા, અને પછી બે દિવસમાં તો બે ચકલીઓ રહેવા પણ આવી ગઈ. ઓમ અને મમ્મીએ એમનાં નામ સોનુ અને મોનુ પાડયું. ચકી માટે રોજ દાણા અને પાણી આપવાની ઓમને મઝા પડી ગઈ.
સમય જતાં સોનું - મોનુનાં બચ્ચા પણ ચીં ચીં કરવા લાગ્યાં. આ રીતે ઓમ અને મમ્મીને ચકલીઓને આશરો આપવા બદલ સંતોષ થયો.


