Get The App

સોનુની ગણેશચતુર્થી .

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
સોનુની ગણેશચતુર્થી                                 . 1 - image

- 'ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ માટીની બને છે. તેમાં કોઈ હાનિકારક રંગ કે પ્લાસ્ટર નથી હોતા. જ્યારે તેને નદી કે તળાવના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે, ત્યારે તે ફરી માટીમાં ભળી જાય છે. તેનાથી, પાણી, માછલીઓ, વનસ્પતિ વગેરેને નુકસાન થતું નથી. આ રીતે પ્રકૃતિ પણ ખુશ રહે છે અને ગણપતિ બાપ્પા પણ ખુશ ખુશ રહે છે.'

- કિરણબેન પુરોહિત

સોનુને તહેવારો બહુ ગમતા. દરેક તહેવારો તેની સોસાયટીમાં ખૂબ આનંદથી ઉજવવામાં આવતા. દર વર્ષે આવતો ગણેશ ચતુર્થીનો તહેવાર તો તેને ખાસ પ્રિય હતો.

એક દિવસ સવારે સોનુએ મમ્મીને પૂછયું - 'મમ્મી, લોકો ગણપતિ બાપ્પાને ઘરમાં કેમ લાવે છે?'

મમ્મી હસી પડયાં અને બોલ્યાં - 'બેટા, ગણપતિ બાપ્પા વિઘ્નહર્તા છે. એટલે કે, આપણા જીવનમાંથી દુ:ખો અને મુશ્કેલીઓ એ દૂર કરે છે. જ્યારે આપણે તેમને ઘરે લાવીએ છીએ ત્યારે એમની સાથે ઘરમા આનંદ, શાંતિ અને સુખ આવે છે.'

સોનુ ઉત્સુક થઇ ગયો. એ બોલ્યો - 'તો હું પણ આ વખતે ગણેશ ચતુર્થીમાં બાપ્પા માટે કંઈક ખાસ કરું છું!'

સોનુએ પપ્પાને ગણેશજીની સુંદર મૂત લાવવાનું કહ્યું, પણ પપ્પાએ ના પાડી દીધી. એમણે કહ્યું - 'સોનુ, આપણે ઈકો ફ્રેન્ડલી ગણેશજી બનાવીશું!'

સોનુ તરત જ બોલ્યો -  'પપ્પા, એ કેવી રીતે બનાવાય?'

સોનુના પપ્પાએ કહ્યું - 'ઈકો ફ્રેન્ડલી મૂત માટીની બને છે. તેમાં કોઈ હાનિકારક રંગ કે પ્લાસ્ટર નથી હોતા. જ્યારે તેને નદી કે તળાવના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે, ત્યારે તે ફરી માટીમાં ભળી જાય છે. તેનાથી, પાણી, માછલીઓ, વનસ્પતિ વગેરેને નુકસાન થતું નથી. આ રીતે પ્રકૃતિ પણ ખુશ રહે છે અને ગણપતિ બાપ્પા પણ ખુશ ખુશ રહે છે.'

સોનુએ બધા મિત્રોને બોલાવી અને માટીમાંથી ગણપતિની સુંદર મૂત બનાવી. મૂતને ફૂલોથી શણગારી.

ગણેશ ચતુર્થીના દિવસે બાળકોએ ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી પૂજા કરી. બધાએ આનંદપૂર્વક પોકાર કર્યો - 'ગણપતિ બાપ્પા... મોરિયા!'

સોનુ અને તેની બહેન પરીએ પછી તો ફૂલોથી ઘરને પણ શણગારી દીધું. દાદીએ કહ્યું - 'બાળકો, ગણેશજીને મોદક એટલે કે એક પ્રકારના લાડવા બહુ ભાવે છે.'

મમ્મીએ સ્વાદિષ્ટ મોદક બનાવ્યાં. સોનુએ વિચાર્યું: હું પણ બાપ્પાને મારી નાની ભેટ આપીશ.

તે પોતાના રમકડાંમાંથી નાનું ડ્રમ લાવ્યો અને પછી ગણેશજીની મૂત સામે વગાડવા લાગ્યો. તેની ધૂન સાંભળીને સૌ હસી પડયા. દાદીએ કહ્યું - 'સોનુ, તારી ભક્તિ જ બાપ્પાને સૌથી વધારે ગમશે.'

દસ દિવસ સુધી સોનુ દરરોજ બાપ્પાને ફૂલ, પાણી અને લાડવા અર્પણ કરી પૂજા અને આરતી કરતો રહ્યો.

રાત્રે સોસાયટીના બધા લોકો સોનુની ઘરે ભેગા થાય અને ભજન કીર્તનનો કાર્યક્રમ ગોઠવે. 

છેલ્લે વિસર્જનનો દિવસ આવી ગયો. સૌએ બાપ્પાના વિસર્જનની તૈયારી કરી. સોનુનાં મમ્મી પાણી ભરેલું મોટું તપેલું લઇ આવ્યાં. ભોલુ મૂત પાણીમાં પધરાવવા માગતો નહોતો. એ જાણતો હતો કે પાણીમાં મૂર્તિ પીગળી જશે અને બાપ્પા માટી બનીને પાણીમાં ભળી જશે. સોનુ ઉદાસ થઇ ગયો. કહે - 'મમ્મી, બાપ્પા જતા કેમ રહે છે?'

મમ્મીએ કહ્યું - 'બાપ્પા તો દર વર્ષે આવે છે, આપણને ખુશી આપે છે અને પછી પાછા પોતાના ઘર જતા રહે છે. હા, આપણાં દિલમાં ને મનમાં તો એ હંમેશા રહે છે.'

સોનુ ખુશ થયો અને મોટેથી બોલ્યો - 'ગણપતિ બાપ્પા... મોરિયા!' 

બીજાઓએ તરત સમૂહનાદ કર્યો - 'અગલે બરસ તૂ જલદી આ!'

પછી બધાએ ખૂબ ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની મૂતનું વિસર્જન કર્યું.