Get The App

પલળેલો કાગડો .

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
પલળેલો કાગડો                                              . 1 - image


- ચકલી ફરર... કરતી બારણે આવીને બેસી ગઇ. ત્યાં એક કાગડો આવ્યો, 'શનુ... હું પણ વરસાદથી પલળી ગયો છું. મને બારણે બેસવા દેને!'

- વાસુદેવ સોઢા

સવાર સવારમાં શનવીની આંખો ખુલી. બહાર આવીને જોયું. હજી તડકો કેમ નથી? સૂરજ કેમ નથી ઊગ્યો? સૂરજ તો ઊગ્યો જ હતો. કાળાં વાદળાંએ એને ઢાંકી દીધો હતો. પવન ફડફડાટ કરતો વાતો હતો.

અને થોડી વારમાં બોર બોર જેવડાં છાંટા ટપ..ટપ..ટપ... કરતા પડવા લાગ્યાં.

એક  નાનકડી ચકલી ચી ચી કરતી શનવી પાસે આવી. 'શનુ... શનુ... મને તારા ઘરના બારણે બેસવા દેને..!

ખૂબ વરસાદ આવે.

મને બહુ ધુ્રજાવે.'

શનુ બોલી 'આવ, આવ...બારણે બેસી જા. ત્યાં વરસાદ નહીં આવે.'

ચકલી ફરર... કરતી બારણે આવીને બેસી ગઇ.

ત્યાં એક કાગડો આવ્યો, 'શનુ શનુ... હું પણ વરસાદથી પલળી ગયો છું. મને બારણે બેસવા દેને!'

કાગડો સાવ પલળી ગયો હતો. શનુએ કહ્યું, 'તું પણ ચકીની બાજુમાં બારણે બેસી જા.'

કાગડો ત્યાં જઇને બેસી ગયો. સાવ ચકીની બાજુમાં જ. કાગડાની ચાંચ મોટી. કાગડો આમ જુએ. તેમ જુએ. ચકીને કાગડાની અણીદાર ચાંચ લાગ્યા કરે.

ચકી કહે. 'કાગડાભાઈ જરા દૂર બેસો ને!'

કાગડો કહે, 'નહીં, હું તો અહીં જ બેસવાનો.' અને ફરી પાછા આમતેમ જુએ. ચકીબેનને ચાંચ લાગે.

'એં એંે એં...' ચકી માંડી રોવા.

શનુએ પૂછ્યું 'શું થયું ચકીબેન?'

'આ કાગડો...મને ચાંચ મારે છે..! એં એંે એં...!' ચકીએ ભેંકડો તાણ્યો.

વરસાદ ચાલુ હતો. ચકી જાય તો પણ ક્યાં જાય?

શનુએ કાગડાને ધમકાવ્યો, 'એ કાગડાભાઈ, છાનામાના બેસો. ચકીને કેમ ચાંચ મારો છો?'

'હું શું કરું? મારી ચાંચ મોટી છે. આમ તેમ જોઉં એટલે લાગે છે,' કાગડો બોલ્યો.

'જુઓ કાગડાભાઈ, મુશ્કેલીમાં ચૂપચાપ બેસવું જોઇએ. ચકી ધુ્રજે છે. એને પણ બેસવા દો,' શનુએ કાગડાને સમજાવ્યો. પણ કાગડો માન્યો નહીં. અને આમતેમ જોતો રહ્યો. ચકીને ચાંચ લગાડતો રહ્યો.

પછી શનુ કાગડા પર ગુસ્સે થઇ. 'ભાગો કાગડાભાઈ અહીંથી..કોઇને હેરાન શા માટે કરો છો?'

અને શનવીએ કાગડાને સાવરણી ઉગામીને ઉડાડી દીધો. કાગડો ઉડીને સામે દીવાલ પર બેઠો. વરસાદ ચાલુ હતો. કાગડાભાઈ સાવ પલળી ગયા. પાંખો પલળી ગઇ. સાવ પલળેલ કાગળ જેવા થઇ ગયા. વરસાદ બંધ થયો, છતાં પાંખો એટલી પલળી ગઇ કે ઉડી શકતા પણ ન હતા. ચકલી તો ફરરર...કરતી ઉડી ગઇ.

ત્યારથી માણસોમાં રુઢિપ્રયોગ વપરાય છે. કોઈને સાવ નરમઘેંસ હાલતમાં જોઈને પૂછવામાં આવે છે:  સાવ પલળેલા કાગડા જેવા કેમ થઇ ગયા? 

Tags :